કોરોના સામેનું શસ્ત્ર વેક્સિન:વેક્સિન લીધા બાદ કોરોના થવાની શક્યતા ઓછી, કોરોના થાય તો પણ 4-5 દિવસમાં રિકવરી આવી જાય: ડૉ.હેમંત પટેલ

અમદાવાદ6 મહિનો પહેલાલેખક: આનંદ મોદી

કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. બીજી લહેરમાં નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે લોકોના સિટી સ્કેન રિપોર્ટ અંગે અભ્યાસ કરનારા રેડિયોલોજિસ્ટ ડો.હેમંત પટેલે તારણ કાઢ્યું છે કે વેક્સિન લીધા બાદ કોરોના થવાની શક્યતા ખૂબ ઓછી છે અને થાય તો તેની તીવ્રતા પણ ખૂબ ઓછી હોય છે.

વેક્સિન લીધેલા અને વેક્સિન ના લીધેલા દર્દીના રિપોર્ટમાં મોટો તફાવત
ડૉ.હેમંત પટેલે જણાવ્યું કે, કોરોના શરૂ થયો ત્યારથી અનેક સિટી સ્કેનનો અભ્યાસ કર્યો હતો. વેક્સિન લીધા બાદ સંક્રમિત થયેલા દર્દીના સિટી સ્કેનનો પણ અભ્યાસ કર્યો છે, ત્યારે બંનેના પરિણામ ખૂબ જ અલગ તરી આવ્યા છે. વેક્સિન લીધા પહેલાં કોરોના થયો હોય અને વેક્સિન લીધા બાદ થયેલા કોરોનાના રિપોર્ટમાં જમીન આસમાનનો ફેર દેખાયો છે.

વેક્સિન લીધા બાદ 100માંથી 2 લોકોને જ કોરોના થાય છે
ડૉ. હેમંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. હેલ્થ કેર અને સિનિયર સિટીઝનોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ગયા છે. વેક્સિનની આડ અસર અંગે લોકોને શંકા હતી, પરંતુ કોઈ આડઅસર થઈ નથી. વેક્સિનની સારી અસર દેખાઈ છે. વેક્સિનના બંને ડોઝ પૂરા થયા હોય તેમને કોરોના થવાનો દર ખૂબ ઓછો છે. એક અંદાજ પ્રમાણે વેક્સિન લીધા બાદ 100માંથી 2 લોકોને જ કોરોના થાય છે.

વેક્સિન બાદ કોરોના થાય તો લક્ષણો ખૂબ સામાન્ય
ડો.હેમંત પટેલ કહે છે, મેં રિપોર્ટનો અભ્યાસ કર્યો છે, જેમાં રિપોર્ટ મુજબ વેક્સિન લીધી હોય તેને કોરોના થાય તો કોરોનાની અસર ખૂબ ઓછી હોય છે. લક્ષણો પણ ખૂબ સામાન્ય હોય છે, જેમકે સામાન્ય તાવ આવવો. વેક્સિન લીધા બાદ કોરોના થયો હોય તેવા સિટી સ્કેનમાં સીટી સિવેરિટી 2,3 કે 4 હોય છે જે ખૂબ ઓછી કહી શકાય.વેક્સિન લીધા બાદ મોર્બિડિટી પણ ખૂબ ઓછી હોય છે.

બધા લોકો વેક્સિન લેશે તો કોરોનાના ભયથી મુક્તિ મેળવી શકીશું
ડૉ. હેમંત પટેલે અપીલ કરી હતી કે સરકાર નક્કી કરેલ સમય પ્રમાણે જે વ્યક્તિનો જ્યારે નંબર આવે ત્યારે વેક્સિન લેવી જોઈએ.બધા લોકો વેક્સિન લેશે તો કોરોનાના ભયથી મુક્તિ મેળવી શકીશું.ઉપરાંત લોકોએ બિનજરૂરી રિપોર્ટ, ઇન્જેક્શન કે દવા લેવાનું ટાળવું જોઈએ.ડોકટર નક્કી કરે તે મુજબ જ દવા અને ઇન્જેક્શન લેવું જેથી કોઈ આડઅસર ના થાય.લોકોએ ગભરાવું નહિં અને ઉતાવળે કોઈ નિર્ણય લેવો જોઈએ નહિં.

અન્ય સમાચારો પણ છે...