હાલ સમગ્ર દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તેમજ ગુજરાતમાં પણ દૈનિક 1000થી 1100 જેટલા કેસો સામે આવી રહ્યા છે. 20 ઓક્ટોબરના રોજ એક જમાનાના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે, જેમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળે છે તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
નરેશ કનોડિયાના એક્ટર પુત્ર એવા હિતુ કનોડિયાએ ચાહકોને પ્રાર્થના કરવા માટે અપીલ કરતું ટ્વીટ પણ કર્યું છે.
Please pray for our Naresh Kanodia.
પરિવાર અને ફિલ્મ કરિયર
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ 'વેલીને આવ્યા ફૂલ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.
નરેશ કનોડિયાની સફળ ફિલ્મો
નરેશ કનોડિયાએ અત્યારસુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.