વેપારીઓમાં નિરાશા:અમદાવાદમાં કોરોનાને કારણે ઊંધિયું-જલેબીનો ટેસ્ટ ફિક્કો પડ્યો, ભાવમાં વધારો થતાં એડવાન્સ ઓર્ડર પણ કેન્સલ થયાં

અમદાવાદ15 દિવસ પહેલા
તહેવારમાં કોરોનાની સ્થિતિ વિકટ થતાં ગ્રાહકોની અવરજવર ઘટી
  • ઊંધિયાનો ભાવ 200-500 પ્રતિ કિલો, જલેબી 200-650 પ્રતિ કિલો
  • વેપારીઓએ પરિસ્થિતિને જોતાં પ્રોડક્શન ઓછું કર્યું

ઉત્તરાયણનો તહેવાર ઊંધિયું અને જલેબી વિના અધુરો હોય છે. આજે ઉત્તરાયણના દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઊંધિયું અને જલેબીના સ્ટોલ લાગેલા જોવા મળી રહ્યાં છે. જોકે આ વખતે દર વર્ષની જેમ સ્ટોલ પર લોકોની કતાર જોવા ન મળી. કોરોનાના કિસ્સા વધવાની સ્થિતિમાં ઊંધિયુંને જલેબીના વેપાર પર પણ મોટી અસર જોવા મળી છે. કારણકે નિયંત્રણ હોવાથી આ વખતે તેમાં એડવાન્સ ઓર્ડર પણ નથી મળ્યા. બીજી તરફ ભાવમાં પણ ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે.

ઊંધિયાનો ભાવ 200-500 પ્રતિ કિલો છે
ધાબા પર પતંગ ચગાવવાની સાથે સાથે લોકો ઊંધિયું જલેબી અને લીલવાની કચોરીનો સ્વાદ માણે છે. જો. કે આ વખતે સ્થિતિ અલગ છે. કોરોનાના કેસ વધી રહ્યાં છે. અમદાવાદની જાણીતી ચંદ્રવિલાસ હોટલના માલવ ભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે દર વર્ષની સરખામણીએ વર્તમાન પરિસ્થિતિને જોતા આ વર્ષે ઓછી માત્રામાં બનાવ્યું છે. જોકે આ વખતે રાહતની વાત એ છે કે જલેબીના ભાવમાં નહિવત પ્રમાણમાં વધારો થયો છે. ઊંધિયાનો ભાવ 200-500 પ્રતિ કિલો, જલેબી 200-650 પ્રતિ કિલો જ્યારે લીલવાની કચોરીનો ભાવ 150-400 પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં સવારથી જ ધાબા પર પતંગ રસિયાઓ પતંગની મજા લઈ રહ્યાં છે
અમદાવાદમાં સવારથી જ ધાબા પર પતંગ રસિયાઓ પતંગની મજા લઈ રહ્યાં છે

વેપાર-ધંધો અપેક્ષા મુજબ નથી જોવા મળ્યો
બીજી તરફ ઉતરાયણના દિવસે વિવિધ વિસ્તારમાં લાગેલા સ્ટોલ પર પણ ઊંધિયું, જલેબી ખરીદવા આવતા લોકોની અવરજવર પણ સામાન્ય જોવા મળી છે. અમદાવાદના રામ વિજય રેસ્ટોરન્ટના હર્ષ મહેતાનું કહેવું છે કે આ વખતે અગાઉથી નક્કી કરેલ ગેટ-ટુ ગેધર અને પાર્ટીઓ રદ કરવામાં આવી, જેથી એડવાન્સ ઓર્ડર પણ કેન્સલ થયા છે. જેથી વેપાર-ધંધો અપેક્ષા મુજબ નથી જોવા મળ્યો.

અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સાહ
અમદાવાદમાં આજે સવારે લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે. પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે.2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું.