તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCનો નિર્ણય:અમદાવાદના 8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ સહિતના એકમો બંધ, માણેકચોક-રાયપુરની બજારો બંધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશને છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. - Divya Bhaskar
કોર્પોરેશને છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો.
  • મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ બંધ
  • કોર્પોરેશનના નિર્ણયથી વેપારીઓમાં રોષ

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

પાડાના વાંકે પખાલીને ડામની નીતિઃ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ
AMCના આ નિર્ણય અંગે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ, વેલફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંજે 7.30 વાગ્યે અચાનક રાત્રે 10 વાગ્યાથી 8 વોર્ડમાં ખાણીપીણીની બજાર સહિત, કિરાણા, શાકભાજી સહિત તમામ વેપાર બંધ કરી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. કદાચ આ પ્રકારની તકેદારીના પગલાંની કેટલાય દીવસથી જરૂર લાગી રહી હતી. પરંતુ મોટેરા સ્ટેડિયમની ક્રિકેટ મેચમાં કોરોનાના પ્રોટોકોલના સતત ભંગ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની બેધારી નીતિનો વેપારી સમાજનો વિરોધ છે. દર વખતે અધિકારીઓ નાના વેપારીઓ પર જોહુકમી કરી સંતોષ મેળવીને વગ ધરાવતા મેચના આયોજકો સામે પગલાં લેતા અચકાય છે, જે પાડાને વાંકે પખાલીને ડામની નીતિ છે.
આવતીકાલથી મોટેરા સ્ટેડિયમની મેચો પણ પ્રેક્ષકો વિના યોજવામાં આવે તેવી કોર્પોરેશનના સત્તાધીશો સહિત મુખ્યમંત્રીને જાહેર અપીલ છે.

અત્યાર સુધી ઉંઘતું કોર્પોરેશન હવે જાગ્યું?
હાલમાં શહેરના લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી કોવિડ-19 વેક્સિન આપવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તદુપરાંત આ કેસોનું વોર્ડ વાઈઝ અવલોકન કરતા નીચે જણાવેલ વોર્ડમાં અન્ય વોર્ડની સરખામણીમાં વધારે કેસો નોંધાયેલા છે.

આ તમામ ધંધાકીય એકમો બંધ
ઉપરોક્ત તમામ વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે.

અઠવાડીયા પહેલા આ 8 વોર્ડમાં રેસ્ટોરાં બંધ કરાવ્યા હતા
અઠવાડીયા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અચાનક મૌખિક આદેશથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવાના બહાના હેઠળ રાત્રે 8 વાગે કોરોના જ્યાં વકરી રહ્યો છે તે 8 વોર્ડના નારણપુરા, મણિનગર, પાલડી, થલતેજ, નવરંગપુરા, અંકુર, બોડકદેવ, જોધપુર વગેરે વિસ્તારમાં રેસ્ટોરાં બંધ કરાવી દીધા હતા. જેને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો, જોકે પછીથી મનપાએ ફેરવી તોળ્યું હતું. જો કે હવે કોર્પોરેશને આ વિસ્તારોમાં 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે.

અઠવાડીયા પહેલા કોર્પોરેશને હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવ્યા ત્યારની તસવીર.
અઠવાડીયા પહેલા કોર્પોરેશને હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવ્યા ત્યારની તસવીર.

શહેરમાં 35 ટકા એક્ટિવ કેસ વધ્યા
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના સુધી કોરોના લગભગ કાબુમાં આવી ગયો હતો. પરંતુ ચૂંટણીના સમયમાં લોકો નિયમોનો ઉલાળીયો કરીને રાજકીય રંગમાં રંગાઈ ગયા હતાં. જેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. 28 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસનો આંક 632 હતો જ્યારે હવે 14 માર્ચના રોજ વધીને 850 થયો છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.

હવે ક્રિકેટ મેચ અને સ્કૂલ શરૂ થઇ એનું શું?
અમદાવાદ મહાનગરપાલિકાએ એકબાજુ કોરોનાના વધી રહેલા કેસોને લઈ 8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર તથા રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ શહેરમાં ટી-20 મેચ પણ યોજાઈ રહી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે.નાગરિકોનો સવાલ એ છે કે જો રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજાર કોરોનાના નામે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય તો આ આયોજન કેમ ચાલવા દેવાય છે ?