કોવિડ ટાસ્કફોર્સના સભ્યોની ચેતવણી:ઓમિક્રોન હળવો છે, પણ કોઈપણ એન્ટિબોડીને ગાંઠતો નથી; સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ના કરતા

અમદાવાદ4 મહિનો પહેલા
કોવિડ ટાસ્કફોર્સના સભ્યો અને આરોગ્યમંત્રી - Divya Bhaskar
કોવિડ ટાસ્કફોર્સના સભ્યો અને આરોગ્યમંત્રી
  • રાજ્ય સરકારે પ્રથમ વખત કબૂલાત કરી કે, રાજ્યમાં 80 ટકા કેસ ઓમિક્રોનના છે, કેસ વધશે તેમ વધુ દર્દીઓ દાખલ થશે
  • લક્ષણો હોય ને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તોપણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી
  • ઓમિક્રોન નાક-ગળા, શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે
  • ટાસ્ક ફોર્સના સભ્યોએ કહ્યુ - હજુ 15 દિવસ કેસ વધી શકે છે

ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છે. જોકે સરકારને 17 હજાર કેસ થયા ત્યારે કોવિડ ટાસ્કફોર્સ યાદ આવી છે. બેકાબૂ બનેલી સ્થિતિને ડામવા માટે સરકારે ટાસ્કફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની કોવિડ ટાસ્કફોર્સનાં સભ્યો ડૉ. વી. એન. શાહ, સુધીર શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકર સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ ટાસ્ક ફોર્સના સભ્યોએ ઓમિક્રોન હળવો ભલે હોય પણ હળવાશથી ન લેવાની સલાહ આપી હતી.

ઓમિક્રોનની કોઈ જ દવા નથીઃ ડો. સુધીર શાહ
ટાસ્કફોર્સની બેઠક બાદ ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે નવો વેરિયન્ટ ઓમિક્રોન આવી ગયો છે. 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિયન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી.

ઓમિક્રોન હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો જ નથીઃ ડો.અતુલ પટેલ
ઓમિક્રોન અંગે વિસ્તારથી માહિતી આપતા ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે કોરોના કેસો વધે છે, એમાં ઓમિક્રોનનો વધારો થયો. ગત વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં તકલીફ પડી હતી. આ રોગને ફેલાતો અટકાવવો જરૂરી છે તો જ કેસો ઓછા આવશે. અત્યારે ઓમિક્રોન છે અને ગત વર્ષે ડેલ્ટા હતો અને બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો જ નથી. ડેલ્ટા તોફાની વેરિયન્ટ હતો. શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે, જેને કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. ડેલ્ટા હતો ત્યારે વેક્સિનેશન ઓછું હતું. અત્યારે મોટા ભાગે લોકો વેક્સિનેટેડ છે.

આ વાઇરસને ગંભીરતાથી લેવાની જરૂર
આ વાઇરસને ગંભીરતાથી લેવાની જરૂર છે. દર્દીઓને બે કેટેગરી છે. લો અને હાઈ ડિસીઝ એમ બે કેટેગરીમાં દર્દીઓને વહેંચવામાં આવશે. હાલમાં લો રિસ્ક છે અને દર્દીઓ ચારથી પાંચ દિવસમાં સાજા થઈ જાય છે. લંગ્સને નુકસાન અને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓને સ્ટીરોઈડ આપવાની જરૂર પડે છે. એજીથ્રોમાયસિન દવા સરળ છે.

શરદી-ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરોઃ ડો.દિલીપ માવલંકર
ડૉ. દિલીપ માવલંકરે કહ્યું હતું કે કોરોના ઝડપથી ફેલાય છે અને હજી વધી રહ્યો છે. વેક્સિનેશનથી દર્દીઓને હોસ્પિટલ જતા અટકાવી શક્યા છીએ. કોરોના વધુ ફેલાય નહીં એ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. આગામી ત્રણથી ચાર સપ્તાહમાં શી સ્થિતિ રહેશે એની ખબર પડી જશે. બિનજરૂરી બહાર ના જાઓ, મેળાવડા ટાળો, લક્ષણો હોય તો ઘરે જ આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. ઘરમાં હાઈ રિસ્ક દર્દીઓ હોય તો યુવાઓ એક મહિનો દૂર રહે. વૃદ્ધો કે યુવાઓ કો-મોર્બિડ હોય તો તેમણે ઘરે ધ્યાન રાખવાની જરૂરી છે. પ્રસંગો તો આવ્યા કરશે, પણ એમાં ભીડ ના કરવી જોઈએ.

લક્ષણો હોય તો જ રિપોર્ટ કરાવોઃ ડો.વી.એન.શાહ
ઝાયડસ હોસ્પિટલના ડો.વી.એન શાહે કહ્યું હતું કે આ વાઇરસ ગયો નથી અને જવાનો નથી આપણે આની સાથે જીવવાનું છે. આને ફલૂ સમજવાની કોશિશ ન કરવી, પણ એને ગંભીરતાથી લેવાની જરૂર છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન જરૂરી છે. હજી પણ આગામી બે વર્ષ આ જરૂરી રહેશે. જે લોકો ICUમાં દાખલ છે એ લોકોએ વેક્સિન નથી લીધી. હજી બાળકોને વેક્સિન નથી મળી, જેથી આ વાઇરસને ગંભીરતાથી લો. 7 દિવસ જ આઇસોલેશન છે અને ખાલી રિપોર્ટ ના કરાવવો જોઇએ. જેમને લક્ષણો હોય તેમણે જ રિપોર્ટ કરાવવો જોઈએ. લક્ષણો હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તોપણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. જ્યાં ભીડ હોય ત્યાં બે માસ્ક પહેરવું જરૂરી છે.

દરરોજ 4થી 5 લિટર પાણી પીવું: ડો. તુષાર પટેલ
ડો. તુષાર પટેલે કહ્યું હતું કે હાલમાં માઈલ્ડ પ્રકારના કેસો છે. માઇલ્ડ કેસોમાં તાવ આવે છે, 101, 102 ડીગ્રી અને બીજા દિવસે 99 થઈ જાય છે. પેરાસિટામોલ ટેબ્લેટ લેવાથી તાવ ઓછો થઈ જાય છે. શરદી થાય છે અને નાક બંધ થઈ જાય છે. બે દિવસ અને ચાર દિવસ બાદ ખાંસી આવે છે. ગળામાં દુખાવો પણ થાય છે. ખાવામાં તકલીફ પડે છે. આ દુખાવાથી ગભરાવું નહિ. આ કેસોમાં લંગ્સમાં ઓછું ઈન્ફેક્શન થાય છે. પ્રવાહી વધારે લેવું તેમજ 4થી 5 લિટર પાણી પીવું જોઈએ. સતત તાવ અને શરદી-ખાંસી થાય અને કો-મોર્બિડ હોય તેમને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. બહુ ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડે છે. દર્દીઓએ શ્વાસ ચડે અથવા તકલીફ પડે તો જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.

નવી SOP પરિસ્થિતિ મુજબ લાવીશુંઃ આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ત્રીજી લહેર પીક પર જવાની તૈયારી હોય એવો અત્યારે ઉછાળો છે. ઓછામાં ઓછા લોકોને ઓક્સિજન અને ICUની જરૂર પડે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સરકારે SOP પ્રજા સમક્ષ મૂકી છે, જેનું પાલન કરવાની જવાબદારી લોકોની છે. બધા નિષ્ણાત મુજબ ઓમિક્રોન માઇલ્ડ છે, પરંતુ માસ્ક ન પહેરી, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીએ અને વેક્સિન ના લીધી હોય તો એનાથી સંક્રમિત થવાય. પ્રજાએ SOPનું પાલન કરવું પડશે. માસ્ક માટે દંડનીય કાર્યવાહી ન કરીએ તેની જવાબદારી લોકોની છે. લોકોએ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા SOPનું પાલન કરવું પડશે. નવી SOP પરિસ્થિતિ મુજબ લાવીશું. સેલ્ફ કિટથી જે ટેસ્ટ કરે છે તેની માહિતી અમારી પાસે નથી આવતી.

ગુજરાતમાં 1 જાન્યુઆરીથી નોંધાયેલાં કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ

તારીખકેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
કુલ1243804765656
અન્ય સમાચારો પણ છે...