ગુજરાતમાં હાલ કોરોનાના 7000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે, જેને પગલે નિયંત્રણો પણ વધુ ને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. કોરોના વિસ્ફોટ થતા CM ભૂપેન્દ્ર પટેલે અને સી.આર.પાટીલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેને પગલે તમામ મંત્રીઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
સંગઠન અને સરકાર સાથે મળીને એક્શન પ્લાન ઘડશે
પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને સીએમના બંગલે બોલાવ્યા છે. સંગઠન અને સરકાર સાથે મળીને કોરોનાને કાબૂમાં લેવા માટેનો એક્શન પ્લાન ઘડી કાઢશે. ભાજપ ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા-મહાનગરમાં મેડિકલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સાંજ સુધીમાં પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી પણ સોંપી દેવામાં આવશે. આ મેડિકલ ટાસ્ક ફોર્સની પ્રદેશ પ્રમુખ પાટીલ દરરોજ સમીક્ષા કરશે. જ્યારે મંત્રીઓએ પોત પોતાના જિલ્લાના કેસ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગનું મોનિટરિંગ કરશે.
કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ શકે
મુખ્યમંત્રીએ મંત્રી મંડળ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે તમામ મુદ્દાઓની સમીક્ષા કરી હતી, બીજી તરફ કોરોના નિયંત્રણ માટે પ્રભારી મંત્રીઓની નિમણૂંક બાદ હવે રાજ્ય સરકાર કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપીને વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપશે. તેમજ જિલ્લાઓમાં વધતા જતા કોરોનાના દૈનિક કેસોનું મોનિટરિંગ કરવા માટેની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે.
હાલ કોરોના સંક્રમિત દર્દીઓ હોમક્વોરન્ટીન થવાનું વધુ પસંદ કરે છે, જેથી આવા દર્દીઓની ટ્રીટમેન્ટ સહિતની કામગીરીમાં સાનુકૂળતા રહે તે માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ધન્વંતરી રથની સંખ્યામાં વધારો કરવા માટે મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મંત્રીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.
સરકારે લગ્નમાં સંખ્યા નિયંત્રિત કરી, દવાઓના ઓર્ડર આપ્યા
લગ્ન અને જાહેર સમારંભોમાં હવે વ્યક્તિની મર્યાદા 400થી ઘટાડીને 150 કરી દીધી છે. સરકાર એની સાથે સાથે આરોગ્ય સંબંધિત નિર્ણયો પણ કરવા લાગી છે. માત્ર એટલું જ નહીં, દવાઓના ઓર્ડર પણ આપી રહી છે. રાજ્ય સરકારે 1000 પોસાકોનાઝોલ ઇન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે તેમજ બે વર્ષ માટે 50 લાખ સિરિન્જનો પણ ઓર્ડર આપી દીધો છે.
બીજી લહેર સમયે સંક્રમણ લાગ્યા બાદ કેટલાક દર્દીઓ મ્યુકરમાઇકોસિસનો શિકાર બન્યા હતા, જેમાંથી અનેકનાં જડબાં, દાંત અને તાળવા પણ કાઢવા પડ્યાં હતાં તેમજ મ્યુકરમાઇકોસિસનાં ઇન્જેક્શન અને દવાની પણ ખૂબ જ તંગી ઊભી થઈ હતી, જેને કારણે દર્દીઓ દવા બ્લેકમાં ખરીદવા માટે મજબૂર થયા હતા.
24 કલાકમાં 7476 નવા કેસ
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીનાં મોત થયાં છે.
37,238 એક્ટિવ કેસ અને 34 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 75 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે તેમજ અત્યારસુધીમાં 8 લાખ 28 હજાર 406 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 37 હજાર 238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 37 હજાર 204 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં 1 જાન્યુઆરીથી નોંધાયેલા કોરોનાના કેસ
તારીખ | કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
7 જાન્યુઆરી | 5396 | 1158 | 1 |
8 જાન્યુઆરી | 5677 | 1356 | 0 |
9 જાન્યુઆરી | 6275 | 1263 | 0 |
10 જાન્યુઆરી | 6097 | 1539 | 2 |
11 જાન્યુઆરી | 7476 | 2704 | 3 |
કુલ | 44025 | 9721 | 13 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.