રવિવારે એક જ દિવસે અમદાવાદમાં મનપાના કોંગ્રેસી કાઉન્સિલર બદરુદ્દીન શેખ સહિત કુલ 19 દર્દીઓના મોત થતાં હાહાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ સાથે અમદાવાદનો કુલ મૃત્યુઆંક 105 થયો છે. આ તમામમાં આઠ દર્દી એવા હતા કે જેમને કોઇ અન્ય બીમારી ન હતી, પરંતુ કોરોનાના ચેપને કારણે તેમણે જીવ ગુમાવ્યો. આ ઉપરાંત બાકીના દસ દર્દીને હાઇરિસ્ક ફેક્ટર હતું. અર્થાત ક્યાં તો તેઓની ઉંમર અને અવસ્થા એવી હતી અથવા તેમને ગંભીર બીમારી હતી. અમદાવાદ સિવાય ગુજરાતમાં ક્યાંય મૃત્યુ નોંધાયા નથી. આમ, ગુજરાતમાં કુલ 152ના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. રવિવારે એક જ દિવસમાં કુલ 230 નવા કેસ રાજ્યભરમાં નોંધાતા હવે 3301 દર્દીઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે જેઓ કોરોનાને કારણે સંક્રમિત થયાં હોય.
ગુજરાતમાં ઇન્ક્યુબેશન સાઈકલ પૂરી કરવા લૉકડાઉન 16મી સુધી લંબાઇ શકે
કોરોનાના કારણે ગુજરાતમાં લૉકડાઉન વધી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ છથી સાત દિવસનો છે તેથી જો લૉકડાઉન ખોલવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેથી કોરોના વાઇરસના 14 દિવસના ગણાતાં હજુ બીજા એક ઇન્ક્યુબેશન સાઇકલને પૂરું થવા દેવું જોઇએ અને પછી લૉકડાઉન ખોલાય તેવી ચર્ચા ગુજરાત સરકારમાં અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે થઇ છે. સોમવારે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની જે બેઠક મળવાની છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે વડાપ્રધાનને દરખાસ્ત કરશે.
સુરતના બાળવીર: 4-4 વર્ષના બાળકોએ 7 દિવસમાં કોરોનાને આપી માત
રાણા પરિવારના રામ-લક્ષ્મણ 7 દિવસના વનવાસ (આઈસોલેશન) પછી માતાની આંગળી પકડીને ઘર તરફ જઈ રહ્યાં છે. આ બંને માસૂમ કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા ત્યારે દાદીએ તેમની આરતી ઉતારી સ્વાગત કર્યું હતું.
27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર અને 313 ડિસ્ચાર્જ
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં 230 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 178, સુરતમાં 30, આણાંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, વડોદરામાં 4, નવસારી, પાટણ અને ખેડામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 18ના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા, 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે. કુલ 3301 દર્દીમાંથી 27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર, 313 ડિસ્ચાર્જ અને 151ના મોત થયા છે.
26 એપ્રિલની સવારથી અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
ચાર મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. જો કે આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી. આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે, ચારેય મહાનગરોમાં ૩જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહીં અને બંધ રાખવામાં આવશે. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.
ડ્રોનના ફૂટેજથી 810 ગુના નોંધી 700થી વધુની ધરપકડ કરીઃ DGP
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સંદર્ભે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, બોટાદમાં દારૂની હેરફેર કરતા શખ્સો ઝડપાયા છે. લોકોની અવર જવર ચલાવી લેવાશે નહીં. લોકડાઉન ભંગના 45 ગુના નોંધ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના 58 એકાઉન્ટ ડિલીટ કરાવ્યા છે. જ્યારે ડ્રોનના ફૂટેજથી 810 ગુના નોંધી 700થી વધુની ધરપકડ કરી છે. હાલ લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.
પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ
સરકારની સૂચના અનુસાર રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા કોરોના હોટસ્પોટ સહિત 90 ટકા ગુજરાતમાં વહેલી સવારથી કામ ધંધા શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિકની દુકાનો પર પણ લોકો ઉમટી પડ્યા હતા. આજે અખાત્રીજ નિમિત્તે કેટલીક ચોક્કસ દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપતા જ વહેલી સવારથી જ આ દુકાનદારોએ પૂજા કરી ધંધા શરૂ કરી દીધા હતા. તેની સાથે સાથે તમામ દુકાનદારો સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરતા જોવા મળ્યા હતા.
61 હોસ્પિ.માં 10 હજાર બેડ અને કોવિડ હોસ્પિ. સાથે 22 હજાર બેડની વ્યવસ્થા
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ 3,071 છે, જેમાંથી 2656 એક્ટિવ કેસ છે. હાલ 61 હોસ્પિટલમાં 10 હજાર બેડ અને કોવિડ હોસ્પિટલ સાથે 22 હજાર બેડની વ્યવસ્થા છે. ગુજરાત જેટલી જ વિસતિ ધરાવતા દેશ ઈટાલી અને સ્પેન કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. સમયસર લોકડાઉન થતા ઘણો ફાયદો મળ્યો. ગુજરાતમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ ઉપલબ્ધ છે. PPE કીટનો જથ્થો પણ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1061 વેન્ટિલેટર જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં 1700 વેન્ટિલેટર છે.
અમદાવાદમાં વેપારીઓએ આડશ કરીને ગ્રાહકોને બહાર વસ્તુઓ વેચી
કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા.
વડોદરામાં વેપારીઓએ સાફ સફાઈ બાદ દુકાનો બંધ કરી
વડોદરા શહેરના રેડઝોન નાગરવાડાને બાદ કરતા અને સરકારે નક્કી કરેલા વિસ્તારોમાં ઇલેક્ટ્રિક, ગેરેજ, પતરાં, ચશ્મા, હાર્ડવેર, ઓટોપાર્ટ્સ, પૂજાનો સામાન, બેકરી, સહિતની દુકાનો ખુલી હતી. જોકે, મોટા ભાગના વેપારીઓ એક માસથી બંધ દુકાનોમાં સાફ સફાઇની કામગીરી કરી દુકાનો બંધ કરી હતી. શહેરના વાઘોડિયા રોડ, ન્યુ વી.આઇ.પી. રોડ,કારેલીબાગ, ગોત્રી, ગોરવા, તરસાલી, મકરપુરા,માંજલપુર,અલકાપુરી સહિતના વિસ્તારોમાં નાની દુકાનો ખુલી હતી. વેપારીઓએ જણાવ્યું કે, દુકાનો ખોલવાની જે મંજૂરી આપવામાં આવી છે. તેનો કોઇ અર્થ નથી કારણ કે, ખરીદી કરવા નીકળનાર ગ્રાહકોને પોલીસ લોકડાઉનના કારણે રોકી રહી છે. ખરીદી કરવા માટે નીકળેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.
રંગીલા રાજકોટમાં રવિવાર છતાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સથી ગ્રાહકોએ ખરીદી કરી
રાજકોટમાં આજે રવિવાર હોવા છતાં સવારથી પંચર, કપડા, દૂધની ડેરીઓ, કરિયાણાની દુકાનો ખુલી ગઇ છે. સવારના સમયે ગ્રાહકોની ભીડ જોવા મળી નથી. પરંતુ સાંજના સમયે ગ્રાહકોની સંખ્યા વધે તેવી વેપારીઓમાં આશા છે. જે-તે વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના જ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી ખરીદી કરવાની રહેશે. શહેરના રેલવે જંક્શન, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં આજથી સવારે અમુક દુકાનો ખુલી છે જ્યારે અમુક દુકાનદારોએ રવિવાર હોવાથી રજા પણ પાળી છે. જે દુકાનો ખુલી છે ત્યાં ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સથી ખરીદી કરી રહ્યા છે.
સુરતમાં ગ્રીન ઝોનમાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ ખરીદી કરી
સુરતના સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન, વરાછા-એ ઝોન, અઠવા ઝોન, રાંદરે ઝોન, ઉધના ઝોન, કતારગામ ઝોન આ સાત ઝોન કન્ટેઈનમેન્ટ હેઠળ આવતા હોવાથી આજે આ વિસ્તારમાં દુકાનો ખુલી નથી. જ્યારે અન્ય વિસ્તારોમાં દુકાનો ખુલી છે. રવિવાર હોવાથી ઓછી દુકાન ખુલી જોવા મળી છે. આ દુકાનો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અમલ કરતા નજરે પડી રહ્યા છે. રેડ ઝોનમાં એક પણ દુકાન ખુલી નથી. જ્યારે ગ્રીન ઝોનમાં આવેલી દુકાને ધીમે-ધીમે ખુલી રહી છે. જ્યારે દુકાનદારો દ્વારા પણ સર્કલ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
કુલ દર્દી 3301, 151ના મોત અને 313ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 2181 | 104 | 140 |
વડોદરા | 234 | 12 | 56 |
સુરત | 526 | 15 | 16 |
રાજકોટ | 45 | 00 | 14 |
ભાવનગર | 40 | 05 | 18 |
આણંદ | 49 | 03 | 14 |
ભરૂચ | 29 | 02 | 14 |
ગાંધીનગર | 25 | 02 | 12 |
પાટણ | 17 | 01 | 11 |
નર્મદા | 12 | 00 | 00 |
પંચમહાલ | 17 | 02 | 00 |
બનાસકાંઠા | 28 | 00 | 01 |
છોટાઉદેપુર | 13 | 00 | 03 |
કચ્છ | 06 | 01 | 03 |
મહેસાણા | 07 | 00 | 02 |
બોટાદ | 12 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 04 | 00 | 01 |
ખેડા | 06 | 00 | 01 |
ગીર-સોમનાથ | 03 | 00 | 02 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 01 | 00 |
સાબરકાંઠા | 03 | 00 | 02 |
મહીસાગર | 10 | 00 | 00 |
અરવલ્લી | 18 | 01 | 00 |
તાપી | 01 | 00 | 00 |
વલસાડ | 05 | 01 | 00 |
નવસારી | 03 | 00 | 00 |
ડાંગ | 01 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 00 |
કુલ | 3301 | 151 | 313 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.