કોરોના ગુજરાત LIVE:15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે

અમદાવાદ5 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં ગુરુવારે કોરોનાના નવા 573 કેસ નોંધાયા હતા તથા 2 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. આમ હવે દરરોજ 500થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. ત્રીજી લહેરમાં પહેલી બન્ને લહેર કરતા વધુ તીવ્રતાથી કેસો વધી રહ્યાં છે. જેને પગલે રાજ્ય સરકારે પણ હોસ્પિટલ, બેડ, વેન્ટીલેટર અને ઓક્સિજનની તૈયારીઓ કરી લીધી છે.

1 જાન્યુઆરી એટલે કે આવતીકાલથી સરકારી કચેરીઓમાં આવનાર મુલાકાતીઓ માટે કોવિડ-19ની વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 7 જાન્યુઆરી 2022થી રાજ્યના 15થી 18 વર્ષના 30 લાખ બાળકોના વેક્સિનેશનનો પ્રારંભ થશે. જે માટે તમામ સ્કૂલો અને અન્ય સંસ્થાઓમાં વેક્સિનેશનની મેગાડ્રાઇવ કરવામાં આવશે અને સ્કૂલે ન જતા બાળકો માટે 8 અને 9મી જાન્યુઆરી 2022ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરી, 2022થી શરૂ થશે.

અમદાવાદમાં પાંચ જ દિવસમાં માસ્ક વિના ફરતાં 2317 લોકો દંડાયા
અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં પોલીસ દ્વારા 2317 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.5 દિવસમાં જાહેરનામાં ભંગના 485 ગુના નોંધાયા છે. જ્યારે 2317 માસ્ક વિના ફરતા પકડાયેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂ ભંગના 381 જેટલા ગુના નોંધાયા છે.

હાલ આ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ઓમિક્રોનના 97 કેસ, 41 સાજા થયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 29મી ડિસેમ્બરે રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી મળીને સૌથી વધુ 8 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સુરત શહેરમાં, 6 વડોદરા શહેરમાં 3 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમાંથી 41 દર્દી સાજા થઈ ચૂક્યા છે.

અત્યાર સુધીમાં 8.32 લાખ કેસ
રાજ્યમાં 30 ડિસેમ્બરના રોજ કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે. જ્યારે 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 8 લાખ 32 હજાર 35ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 118 પર પહોંચ્યો છે. તેમજ અત્યારસુધીમાં 8 લાખ 18 હજાર 589 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

અન્ય સમાચારો પણ છે...