કોરોનાનો કહેર:ગુજરાતમાં 2020માં 19 માર્ચે કોરોનાના 2 કેસ નોંધાયા હતા, 2022ની 14મી જાન્યુઆરીએ 9 લાખ પોઝિટિવ કેસનો આંક વટાવી દીધો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 1 લાખ કુલ પોઝિટિવ કેસ થતાં 10 મહિના લાગ્યા, 2થી 3 લાખ કુલ પોઝિટિવ કેસ થતાં પોણા ચાર મહિના લાગ્યા
  • 3થી 4 લાખ થતાં 21 દિવસ, 4થી 5 લાખ થતાં 10 દિવસ અને 5થી 6 લાખનો આંકડો થતાં 7 દિવસ લાગ્યા
  • 6 લાખથી 7 લાખ કેસ થતાં 8 દિવસ, 7થી 8 લાખનો કેસ થતાં 16 દિવસ અને 8થી 9 લાખ થતાં 232 દિવસ થયા

ગુજરાત સહિત દુનિયાભરમાં કોરોના મહામારી છેલ્લા 2 વર્ષથી હાહાકાર મચાવી રહી છે. કોરોનાના વેરિયન્ટ બદલાઈ રહ્યા છે અને કોરોનાની ત્રીજી લહેર પણ આવી ગઈ છે. ત્યારે 19 માર્ચ 2020થી ગુજરાતમાં પગપેસારો કરેલા કોરોનાએ 2 કેસથી શરૂ થયેલી કોરોનાના કેસની લાંબી મજલ કાપીને 9 લાખનો આંકડો પાર કરી દીધો છે. રાજ્યમાં બીજી લહેરમાં કોરોનાએ લોકોને રાતાપાણીએ રડાવ્યા હતા. જો કે ત્રીજી લહેરમાં એવી ઘાતક અસર જોવા મળી નથી. પરંતુ કુલ પોઝિટિવ કેસ 9 લાખથી વધુ નોંધાઈ ચૂક્યા છે. હવે 10 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

1 લાખ કેસ થતાં 168 દિવસ લાગ્યા
2 કેસથી શરૂ થયેલા કોરોનાના કેસનો સિલસિલો 9 લાખથી પણ આગળ વધી રહ્યો છે. ત્રીજી લહેરમાં હવે રાજ્યમાં દૈનિક 10 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 18 માર્ચ 2020ના રોજ 2 કેસ હતા. 1 લાખ સુધીના કેસ થતાં 168 દિવસ એટલે કે સાડા પાંચ મહિના જેટલો સમય લાગ્યો હતો અને 2020ની 3 સપ્ટેમ્બરે 1 લાખ 375 કુલ પોઝિટિવ કેસ થયા હતા. તો 1 લાખથી 2 લાખ સુધીના કુલ પોઝિટિવ કેસ થતાં અઢી મહિના એટલે કે 82 દિવસનો સમય લાગ્યો હતો અને 2020ની 24 નવેમ્બરે 2 લાખ 409 કુલ પોઝિટિલ કેસ થયા હતા.

બીજી લહેરમાં 3થી 5 લાખ કેસ થતાં 31 દિવસ લાગ્યા
2 લાખથી 3 લાખ કુલ પોઝિટિવ કેસનો આંકડો થતાં પોણા ચાર મહિના એટલે કે 137 દિવસ થયા હતા. 2021ની 28 માર્ચે 3 લાખ 866 કેસ થઈ ગયા હતા. આ દરમિયાન બીજી લહેરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ રોજેરોજ કેસમાં જંગી ઉછાળો આવવા લાગ્યો હતો. 3 લાખથી 4 લાખના કુલ પોઝિટિવ કેસ થતાં 21 દિવસનો સમય લાગ્યો હતો. 18 એપ્રિલે 4 લાખ 4 હજાર 561 થયા હતા. 4 લાખથી 5 લાખના કેસ થતાં માત્ર 10 દિવસનો સમય લાગ્યો હતો. 26 એપ્રિલે જ 5 લાખ 10 હજાર 373 થઈ ગયા હતા. 4થી 5 લાખના કેસ થવામાં રોજરોજ સરેરાશ 10 હજાર કેસ રહ્યા હતા.

બીજી અને ત્રીજી લહેર વચ્ચે એટલે કે 8થી 9 લાખ કેસ થતાં 232 દિવસ લાગ્યા
બીજી લહેરના મધ્યાંતર દરમિયાન 5 લાખથી 6 લાખ કેસ થયા હતા. તેમાં આ દરમિયાન સૌથી ઝડપી એક લાખ કેસ માત્ર એક સપ્તાહમાં ઉમેરાયા હતા. 27 એપ્રિલથી 3 મે સુધીમાં એક લાખ કેસ ઉમેરાયા હતા. 3જી મેના રોજ કુલ પોઝિટિવ કેસનો આંકડો 6 લાખ 7 હજાર 422 થયા હતા. કેસમાં વધારો દૈનિક 15 હજાર 346 થતો હતો. ત્યારબાદ 7 લાખનો આંકડો 8 દિવસ બાદ 11 મેના રોજ થયા હતા અને કુલ પોઝિટિવ કેસ 7 લાખ 3 હજાર 594 થયા હતા. તો 7 લાખથી 8 લાખ થવામાં 16 દિવસનો સમય લાગ્યો હતો. 11 મેથી 27 મે સુધી એક લાખ કેસ ઉમેરાયા હતા. ત્યારે કુલ પોઝિટિવ કેસ 8 લાખ 877 થયા હતા. તો છેલ્લે એક લાખ કેસ વધવામાં 232 દિવસ એટલે કે પોણા આઠ મહિના થયા હતા. આ સમયગાળો જોઈએ તો 2021ની 26 મેથી 2022ની 14 જાન્યુઆરી સુધીનો હતો. કુલ પોઝિટિવ કેસનો આંકડો 14 જાન્યુઆરીએ 9 લાખ 6 હજાર 913 થયો હતો.

અન્ય સમાચારો પણ છે...