વિદ્યાર્થી સંગઠનની મદદ:ABVP દ્વારા કોરોના મહામારી લોકો સેવા અને વેક્સિન અંગે જાગૃતિ ના પ્રયાસો, વિધાર્થી પરિષદે જરૂરિયાતમંદને મદદ કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ABVP દ્વારા  199 પ્લાઝમા ડોનેશન કરાયું છે - Divya Bhaskar
ABVP દ્વારા 199 પ્લાઝમા ડોનેશન કરાયું છે
  • પ્લાઝમા ડોનેશન, ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા અને હોમ આઈસોલેટ દર્દીઓને ફૂડપેકેટ્સનું ABVPએ વિતરણ કર્યું
  • દર્દીને જમાડવું , ઓક્સિજન લેવલ માપવું , દર્દીના સગા સાથે વીડિયો કોલથી વાત કરાવવી જેવી વિવિધ સેવાઓ ABVP કરે છે

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશની હાલત ગંભીર છે, તેમાં ગુજરાત પણ બાકાત નથી. આ સમયમાં લોકોને, લોહી, પ્લાઝમા, ઓક્સિજન, ભોજન જેવી વિવિધ વસ્તુઓની જરૂર પડતી હોય છે. ત્યારે આવી જરૂરિયાતને પહોંચી વળવા અને લોકોની મદદે આવવા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ ખડેપગે 24 કલાક લોકો વચ્ચે છે. લોકોની સેવા અને વેક્સિન જાગૃતિના પ્રયાસ ABVP કરી રહ્યું છે.

ABVPએ અનેકવિધ કામગીરી કરી
ગુજરાતમાં તારીખ 25 એપ્રિલથી 11 મેની વચ્ચે કાર્યકર્તાઓ દ્વારા કોરોના ઉપચાર સમયે મદદરૂપ થતી પ્લાઝમા થેરેપી માટે 199 જેટલા પ્લાઝમા યુનિટનું દાન કરવામાં આવ્યું. સાથે જ ઘરે ઉપચાર કરાવતા દર્દીઓ માટે 839 જેટલા ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા ABVP ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે. હોમ આઈસોલેટેડ દર્દીઓને 3480 ફૂડપેકેટનું પણ વિતરણ તેમના ઘર સુધી કરવામાં આવ્યું છે.

સુરત સિવિલમાં ABVP કાર્યકર્તા કોવિડ દર્દીઓની સેવામાં લાગેલા છે
સુરત સિવિલમાં ABVP કાર્યકર્તા કોવિડ દર્દીઓની સેવામાં લાગેલા છે

110 કાર્યકર્તા 22 જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે
22 જિલ્લામાં ચાલતા આ સેવા કાર્યમાં લગભગ 110 જેટલા કાર્યકર્તાઓ દરરોજ લાગેલા હોય છે. તેનાથી આશરે 16 હજાર 747 લોકોને ABVP કાર્યકર્તાઓ મદદરૂપ થઇ શક્યા છે. ABVP ગુજરાત પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા જણાવે છે કે, સતત છેલ્લા એક વર્ષથી કાર્ય કરતું તંત્ર પણ પોતાની પુરી ક્ષમતા પર કામ કરે છે પરંતુ કેસોમાં વધારો થતાં સ્વાભાવિક રૂપે પહોંચવું મુશ્કેલ છે . ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ જિલ્લાઓમાં જુદી જુદી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે . તેના જ ભાગરૂપે ABVP સુરત ના કાર્યકર્તાઓ સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવામાં લાગેલા છે . આ સેવામાં તેઓ દર્દીને જમાડવું , તેમનું ઓક્સિજન લેવલ માપવું , દર્દીના સગા સાથે વીડિયો કોલ દ્વારા દર્દીની વાત કરાવવી તેવી વિવિધ સેવાઓ પુરી પાડે છે.

હેલ્પલાઈન દ્વારા ABVP ચોવીસે કલાક સેવામાં
ABVP કર્ણાવતીના કાર્યકર્તાઓ પ્લાઝમા ડોનેશન, સોસાયટી સહ રક્તદાનનું આયોજન, જરૂરિયાતમંદને ઓક્સિજન સિલિન્ડરની મદદ હેલ્પલાઈનના માધ્યમથી 24 કલાક પૂરી પાડી રહ્યા છે. તો બીજી બાજુ ABVP વડોદરાના કાર્યકર્તા કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરને વિનામૂલ્ય સેનેટાઇઝ કરી આપે છે. ABVP કચ્છના ગાંધીધામના કાર્યકર્તાઓ સિવિલ હોસ્પિટલમાં જમાડવાની વ્યવસ્થામાં લાગેલા છે . જામનગર શાખાના કાર્યકર્તાઓ દ્વારા પણ પ્રકલ્પ ચાલુ કરવામાં આવ્યો છે ,જેમાં ગુરુગોબિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ સાથે વીડિયો કોલના માધ્યમથી તેમના સગાની વાત થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજકોટમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઉપચાર કરાવતા દર્દીઓ માટે ફી હોમ વિઝીટ નામનું પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યું છે. તો બીજુ બાજુ વલસાડમાં કલેક્ટરના આવેદન પર સિવિલમાં રાખેલા 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ વિદ્યાર્થી પરિષદ આગળ આવ્યું છે.

વેક્સિનેશન જાગૃતિ માટે ABVP પ્રચારપ્રસાર કરી રહી છે
વેક્સિનેશન જાગૃતિ માટે ABVP પ્રચારપ્રસાર કરી રહી છે

વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કેમ્પ કરે છે
વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા 1 મેથી શરુ થયેલા 18 વર્ષથી ઉપરના દરેકને વેક્સિન આપવાના અભિયાનની પહેલા દરેક લોકોને રક્તદાન કરવા અભિયાન ચલાવવામાં આવ્યું , જેનાથી પુરા પ્રદેશમાં અત્યાર સુધી 1027 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે . વેક્સિનેશનમાં વધુ લોકો જોડાય તે માટે વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા વોલ પેરિંગ, અરવલ્લીની મોડાસા શાખા દ્વારા વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કેમ્પ તથા પ્રદેશ ભરમાં જાગરૂકતા અભિયાન ચલાવી લોકોને વેક્સિનેશન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ABVPગુજરાતની યુવા શક્તિને આહવાન કરે છે કે , ગુજરાતના યુવાનો પણ આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થાય જેથી આ મહામારી સામે આપણું વિજય સુનિશ્ચિત થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...