તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:કોરોનાના કારણે અસલી ડોક્ટરોએ દવાખાનાં બંધ કરી દેતાં નકલી ડોક્ટરોએ શરૂ કરી દીધાં, રાજ્યભરમાંથી 173 ઝડપાયા

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નકલી ડોક્ટરોને પકડવા પોલીસે રાજ્યભરમાં 2 મહિના સુધી ખાસ ડ્રાઇવ યોજી, સૌથી વધુ 27 નકલી ડૉક્ટરો ભરૂચમાંથી પકડાયા
  • કોરોનામાં સામાન્ય બીમારી માટે દવાખાનાં બંધ હોવાનો લાભ લઈ ધો. 10, 12 પાસ યુવકો નકલી ડોક્ટર બની લોકોને છેતરવા લાગ્યા

કોરોનાના કારણે અસલી ડોક્ટરોએ તાવ, શરદી, ઉધરસ સહિતની પ્રાથમિક બીમારીઓની સારવાર કરવાનું બંધ કર્યું હતું, જેનો લાભ લઈને નકલી ડોક્ટરોએ રાજ્યભરમાં દવાખાનાં શરૂ કરી દીધાં હતાં. આ વાત ધ્યાને આવતા પોલીસને નકલી ડોક્ટરોને પકડવા કડક સૂચના અપાઈ હતી. ડીજીપીએ નકલી ડોક્ટરોને પકડવા રાજ્યભરમાં 2 મહિના માટે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી, જેમાં છેલ્લાં દોઢ-બે વર્ષમાં દવાખાનાં શરૂ કરનારા 2 હજાર ડોક્ટરોની તપાસ કરી હતી, જેમાંથી 169 નકલી દવાખાનાં શરૂ કરી દેનારા 173 નકલી ડોક્ટરો પકડાયા હતા.

ખાસ ડ્રાઇવ અંતર્ગત કાર્યવાહી કરી હતી
ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું, નકલી ડોક્ટરોને પકડવા 1 એપ્રિલ 2021થી ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી, જેમાં દોઢ-બે વર્ષમાં દવાખાનાં શરૂ કરનારાં ડોક્ટરોનું ખાસ ચેકિંગ કરાયું હતું, જેમાં તેમની ડિગ્રી-માર્કશીટ અને ડોક્ટર બન્યા તેના સર્ટિફિકેટ ચેક કરાયાં હતાં. તેમાંથી 169 દવાખાનાં ચાલુ કરી દેનારા 173 ડોક્ટરો પાસે ડિગ્રી જ નહીં હોવાનું જણાતાં તેમની વિરુદ્ધ ગુના નોંધી તેમની ધરપકડ કરી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રખાશે.

ધો.10 પાસ યુવક દવાખાનું ખોલી બેસી ગયો
સાણંદના અણિયારી ગામે રહેતો રમજાન વાળંદ(ખલીફા)એ ગામમાં જ દુકાન ભાડે રાખીને કેજીએન ક્લિનિક શરૂ કર્યું હતું. પોલીસે પૂછપરછ કરતાં તે ધોરણ 10 પાસ હોવાનું અને એલોપથી સારવાર કરતો હોવાનું જણાયું હતું.

12 પાસ યુવકે વિરમગામમાં દવાખાનુ ખોલ્યું
વિરમગામમાં વાસવા ચોકડી પાસે પીહુ ક્લિનિક ખોલનાર નકલી ડોક્ટર રાજેશ પરમારને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તે ધો.12 પાસ છે અને લોકોને તાવ, શરદી, ઉધરસની દવા-ઇન્જેક્શન આપે છે.

હોમિયોપેથિકે એલોપથી સારવાર શરૂ કરી
બોપલના લપકામણમાં એક વર્ષથી દુકાન ભાડે રાખીને શ્રી પ્રમુખ ક્લિનિક ચલાવનાર નકલી ડોક્ટર રવિન્દ્ર વિઠ્ઠલપરા પાસે હોમિયોપથી ડોક્ટરની ડિગ્રી હતી છતાં તે એલોપથી સારવાર આપતો હતો. તેની ધરપકડ કરાઈ છે.

કમ્પાઉન્ડરે બીજે દવાખાનું શરૂ કરી દીધું
સાબરમતીના ભક્તિનગરમાંથી નકલી ડોક્ટર કુશલસિંહ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી. તે બીએ સુધી ભણ્યો છે અને સેટેલાઈટમાં કમ્પાઉન્ડરની નોકરી કરતો હતો. આ નોકરી છોડી તેણે પોતાનું દવાખાનું શરૂ કર્યું હતું.

સૌથી વધુ નકલી તબીબ ભરૂચ, બનાસકાંઠામાં
2 મહિના સુધી નકલી ડોક્ટર પકડવાની સ્પેશિયલ ડ્રાઇવમાં 169 નકલી દવાખાનાં શરૂ કરનારા 173 ડોક્ટરની ધરપકડ કરાઈ છે. સૌથી વધુ 27 નકલી ડોક્ટર ભરૂચમાંથી અને ત્યાર બાદ 24 નકલી ડોક્ટર બનાસકાંઠામાંથી પકડાયા હતા.