• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona Cases Will Increase Restrictions, Curfew Will Start At 9 Pm Instead Of 11 Pm, The Decision Will Be Taken By The Core Committee By Evening.

કડક SOP આવશે:​​​​​​​કોરોનાના કેસો વધતાં નિયંત્રણો વધશે, કર્ફ્યૂ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે, સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય

અમદાવાદ19 દિવસ પહેલા
  • કોરોનાના કેસ વધતાં વાઇબ્રન્ટ મોકૂફ તેમજ અન્ય સરકારી કાર્યક્રમો રદ
  • રાજ્યનાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ સહિત કેટલાક કડક નિયમો લાગુ થશે
  • લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વધતી મહામારીને પગલે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ધીરે-ધીરે તમામ સરકારી કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે 7મી જાન્યુઆરીએ રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે. સંક્રમણની ગંભીરતાને જોકે નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી થઈ શકે છે, એટલે કે લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. હાલમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી છે.

લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ માટે બનશે નવી SOP
નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ રોકેટગતિએ વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બીજી તરફ, આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. એમાં રાત્રિ કર્ફ્યૂમાં 2થી 3 કલાક સુધીનો વધારો તેમજ વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે, સાથે જ 8 મહાનગરમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.

નવી SOPમાં નીચે જણાવ્યાં અનુસાર નિયંત્રણો લાદી શકે છે

* સરકારના કાર્યક્રમો જે આજથી શરૂ થવાના હતા તે 1લી ફેબ્રુઆરી સુધી સ્થગિત * તમામ સરકારી કચેરીઓ, કોર્પોરેશનો, રાજ્ય કચેરીઓ 50% હાજરી * તમામ ખાનગી ઓફિસોમાં 50% હાજરી * શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ, સિનેમા હોલમાં 50% ક્ષમતા * ભોજનાલયો, રેસ્ટોરન્ટ્સ, વગેરે રાત્રે 9 વાગ્યા સુધી 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે * માસ્ક ફરજિયાત છે, અન્યથા સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે

તમામ સરકારી કાર્યક્રમો બંધ થયા
રાજ્યમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતાં વાઇબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ફ્લાવર શો, પતંગોત્સવ સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંક્રમણને કારણે હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. બીજી તરફ, 7 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈન્સ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે, જેથી આજે સાંજ સુધીમાં સરકાર નવી કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરશે. એમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હેર સલૂન અને બ્યૂટિપાર્લરમાં 50 ટકાની કેપિસિટી તેમજ પાનપાર્લર, હોટલ સહિત માટે પણ કડક નિયમો લાદવામાં આવી શકે છે.

હાલ આ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધીની હતી.

ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 3300એ પહોંચ્યો
રાજ્યમાં ગઈકાલે 7 મહિના બાદ પહેલીવાર 3000થી વધારે કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1660 કેસ નોંધાયા હતા. ગઈકાલે રાજ્યમાં 50 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 40 હજાર 643ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 126 છે તેમજ અત્યારસુધીમાં 8 લાખ 19 હજાર 523 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10994 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10962 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...