અમદાવાદમાં કોરોનાનો કહેર:એક જ દિવસમાં કોરોનાના કેસ 60 ટકા વધીને 631 થયા, થલતેજમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 225 દિવસ બાદ સૌથી વધુ કેસ, એક અઠવાડિયામાં જ 2609 કેસ આવ્યા
 • ખાનગી હોસ્પિટલોમાં​​​​​​​ વધુ 12 દર્દી દાખલ થયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 631 કેસ નોંધાયા છે. લગભગ 225 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 22 મેએ 692 કેસ નોંધાયા હતા. રવિવારના 396 કેસની સરખામણીએ એક જ દિવસમાં કેસમાં અંદાજે 60 ટકાનો વધારો નોંધાયો છે. 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીના એક અઠવાડિયામાં જ શહેરમાં 2609 કેસ આવ્યા છે. પશ્ચિમ અમદાવાદ હાલ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં થલતેજમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સોમવારે નોંધાયેલા કુલ કેસમાંથી અંદાજે 80 ટકા કેસ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોના છે.

છેલ્લા 24 કલાકમાં 32 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયુ નથી. શહેરમાં હાલ 2221 કોરોનાના એક્ટિવ દર્દી છે, જેમાંથી 67 દર્દી જ હોસ્પિટલમાં છે. જ્યારે 2123 દર્દી હોમ આઇસોલેશનમાં છે. મેયર કિરીટ પરમાર, મ્યુનિ. કમિશનર લોચન સહેરાની અધ્યક્ષતામાં મ્યુનિ. પદાધિકારીઓની હાજરીમાં કોરોના સંક્રમણ અને તેને પહોંચી વળવાની સ્થિતિ બાબતે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં સોમવારે વધુ 12 દર્દી દાખલ થયા છે. છેલ્લા 3 દિવસમાં 45 દર્દી દાખલ થયા છે. હાલ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાંથી માત્ર 2 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે અન્ય 8 દર્દી આઈસીયુમાં છે. જ્યારે 37 આઈસોલેશનમાં છે.

મ્યુનિ. હોસ્પિટલોમાં 650 ICU બેડ

 • શહેરમાં 48 ડોમમાં કોરોના ટેસ્ટ થાય છે.
 • રોજના 10 હજારથી વધુ ટેસ્ટ થાય છે.
 • 90 ધન્વંતરી રથ ઘરે ઘરે ફરી સારવાર કરે છે
 • 104 સંજીવની વાન હોમ આઇસોલેશનમાં રહેલાને સહાય કરે છે.
 • 51 હોસ્પિટલોમાં કોરોના વોર્ડ તૈયાર છે.
 • 650 જેટલા આઇસીયુ બેડ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં તૈયાર છે
 • 1800 ઓક્સિજન બેડ હોસ્પિટલમાં તૈયાર છે.

સાણંદમાં 8 સહિત જિલ્લામાં 13 કેસ
અમદાવાદ જિલ્લામાં કોરોના નવા 13 કેસ નોંધાયા છે. સૌથી વધુ સાણંદમાં 8 કેસ ઉપરાંત દસ્ક્રોઇ 3, દેત્રોજ 1 અને માંડલમાં 1 કેસ નોંધાયો હતો. આ સાથે અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 7060 કેસ અને 96 મૃત્યુ થયા છે. કુલ 6918 ડિસ્ચાર્જ તો 46 કેસ એક્ટિવ છે. સંક્રમણને રોકવા આરટીપીસીઆર ટેસ્ટ વધારવા તાકીદ કરાઈ છે.

સિવિલમાં 10 સ્પેશિયલ રૂમનું ઉદઘાટન કરાયું
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં દર્દીને પ્રાઇવેટ અને ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેવા આશયથી 10 રૂમ તૈયાર કરાયા છે. આ સ્પેશિયલ રૂમોને તાત્કાલિક આ રૂમને આઇસીયુ.માં પરિવર્તિત કરી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરાઈ છે.

નર્સિંગ સ્ટાફને કોવિડની ખાસ તાલીમ અપાશે
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને સિવિલના ઉચ્ચ અધિકારી, વિવિધ વિભાગના વડા વચ્ચે યોજાયેલી બેઠકમાં કોવિડના કેસ વધે ત્યારે સામાન્ય તકલીફ ધરાવતાં દર્દીને તેમના જ સેન્ટરમાં સારવાર મળી રહે તે માટે છ મેડિકલ કોલેજો જિલ્લાના નર્સિંગ સ્ટાફને તાલીમ આપશે.

240 મકાન માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

 • વ્રજ વિહાર 6, જોધપુર, ઇ બ્લોક, 4થો માળ
 • અશ્વમેઘ વિ-3, બંગલા નં. 41 થી 46, જોઘપુર
 • સાગર ટાવર, સેટેલાઇટ, 5 થી 7મો માળ એ બ્લોક
 • ઓર્કિડ ગ્રીન ફિલ્ડ એપલ વુડ, સાઉથ બોપલ, 5 થી 8 માળ એ-10 બ્લોક
 • અનુરાધા એપાર્ટ, શાહીબાગ, 5મો માળ
 • જય ગુજરાત સોસા., શાહીબાગ, નં.22
 • નકોડા પાર્ક, સૈજપુર
 • માંગલ્ય એપાર્ટમેન્ટ, પાલડી, 5મો માળ
 • પ્રમુખ બંગલોઝ, ન્યૂ રાણીપ, ઘર નં. 1, 11 અને 21
 • આમંત્રણ બંગલો, ચાંદખેડા, ઘર નં. 8 થી 10
 • મુરલી મનોહર સોસા., ભાઇપુરા, ઘર નં. એ 19થી એ 27
 • ભક્તિ બંગલો, નિકોલ, ઘર નં. 2,3,19, 20,23
 • ઇન્દ્રપ્રસ્થ ટાવર, થલતેજ, 6 થી 8 માળ ડી બ્લોક
 • નેબ્યુલા ટાવર, બોડકદેવ, બી બ્લોક, 2 થી 4 માળ, ડી બ્લોક 3જો માળ
 • સીમંધર ટાવર, બોડકદેવ, એ બ્લોક, 1 થી 4 માળ
 • સૂર્યમંદિર ટાવર, બોડકદેવ, 6 થી 8 માળ
 • આરોહી આઘા, બોડકદેવ, એ બ્લોક, 5 થી 10 માળ
 • હિલોલ કોમ્પ્લેક્સ, વસ્ત્રાપુર 1 થી 3 માળ
 • અદાણી પ્રથમ, ચાંદલોડિયા, ઓ 1 બ્લોક, 2 થી 4 માળ
 • વૃદ્ધિ એપાર્ટમેન્ટ, મણિનગર, 2 જોમાળ ઘર નં. 8 થી 12
 • તીર્થય એપાર્ટમેન્ટ, ઘોડાસર
અન્ય સમાચારો પણ છે...