ટેસ્ટિંગ ડોમ ઊભા કરાતાં ફફડાટ:અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાના કેસ 7 ગણા વધ્યા, આલ્ફાવન મોલ પાસે રોજ 60નું ટેસ્ટિંગ, જાણો ક્યાં ક્યાં થઈ રહ્યા છે ટેસ્ટ

અમદાવાદ15 દિવસ પહેલા
સાબરમતીમાં ઊભો કરવામાં આવેલો ટેસ્ટિંગ ડોમ.
  • શહેરમાં બુધવારે 147 દિવસ બાદ સૌથી વધુ 28 કેસ નોંધાયા
  • 40થી વધુ જગ્યાએ કોરોના ટેસ્ટિંગના ડોમ ઊભા કરાયા

અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. માત્ર 13 દિવસમાં કોરોનાના કેસ 7 ગણા વધી ગયા છે. બુધવારે 147 દિવસ બાદ સૌથી વધુ 28 કેસ નોંધાયા હતા. તહેવારોમાં બહારગામ ફરીને આવતા લોકો કોરોનાના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 40થી વધુ જગ્યાએ કોરોના ટેસ્ટ ડોમ ઊભા કર્યા છે. DivyaBhaskarએ શહેરની અલગ અલગ જગ્યાએ ઊભા કરવામાં આવેલા ટેસ્ટિંગ ડોમનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. એમાં મોટા ભાગના ડોમ ખાલી જોવા મળ્યા હતા. ડોમમાં ટેસ્ટ માટે બહુ જ ઓછા લોકો આવતા હોવાનું જાણવા મળ્યું છે. બે- ચાર ડોમમાં જ વધુ ટેસ્ટ થાય છે, જેમાં વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફાવન મોલ પાસેના ડોમમાં રોજ 60નું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન DivyaBhaskarએ શહેરના ઘાટલોડિયા, સાબરમતી, વસ્ત્રાપુર, શાહીબાગ, માધુપુરા વિસ્તારમાં આવેલા ટેસ્ટિંગ ડોમની મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં ઉભા કરાયેલા ટેસ્ટીંગ ડોમની સંપૂર્ણ યાદી જોવા અહીં ક્લિક કરો

ઘાટલોડિયાના પ્રભાત ચોકમાં ઊભો કરાયેલો ટેસ્ટિંગ ડોમ.
ઘાટલોડિયાના પ્રભાત ચોકમાં ઊભો કરાયેલો ટેસ્ટિંગ ડોમ.

પ્રભાત ચોકમાં સવારમાં ત્રણ વ્યક્તિ ટેસ્ટ માટે આવી હતી
શહેરના ઘાટલોડિયા પ્રભાત ચોકમાં ટેસ્ટિંગ ડોમ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં સવારે ત્રણ જ વ્યક્તિ ટેસ્ટ માટે આવી હતી. આ ટેસ્ટિંગ ડોમમાં રોજના 10થી 15 લોકો આવતા હોવાનું અને તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવતા હોવાનું જાણવા મળ્યું હતું. સાબરમતી ટોરેન્ટ પાવર પાસે આવેલા બ્રિજ નજીક ટેસ્ટિંગ ડોમમાં સવારથી એકપણ વ્યક્તિ ટેસ્ટ માટે આવી નહતી, જોકે ત્યાં રોજના 10 લોકો ટેસ્ટ માટે આવે છે અને નેગેટિવ જ રિપોર્ટ આવે છે.

વસ્ત્રાપુર આલ્ફાવન મોલની બહારનો ટેસ્ટિંગ ડોમ.
વસ્ત્રાપુર આલ્ફાવન મોલની બહારનો ટેસ્ટિંગ ડોમ.

સામાન્ય તાવ કે શરદી હોય તેવા લોકો ટેસ્ટ કરાવે છે
વસ્ત્રાપુર આલ્ફાવન મોલની બહાર પણ ટેસ્ટિંગ ડોમ ઊભો કરાયો છે, જેમાં રોજના 60 જેટલા લોકો ટેસ્ટ કરાવવા માટે આવે છે. એમાં તમામ ટેસ્ટ નેગેટિવ આવે છે. સામાન્ય તાવ કે શરદી હોય તેવા લોકો ટેસ્ટ કરાવે છે. બહારગામ ફરીને આવેલા લોકો પરિવાર સાથે અહીં ટેસ્ટ માટે આવે છે, જોકે કોઈ પોઝિટિવ આવ્યા હોય એવા કેસ આવ્યા નથી. સવારે 10થી 11 વચ્ચે જ વધુ ટેસ્ટ માટે લોકો આવે છે.

રાજસ્થાન હોસ્પિટલ અને માધુપુરા પાસે આવેલા નમસ્તે સર્કલ પાસેનો ટેસ્ટિંગ ડોમ.
રાજસ્થાન હોસ્પિટલ અને માધુપુરા પાસે આવેલા નમસ્તે સર્કલ પાસેનો ટેસ્ટિંગ ડોમ.

નમસ્તે સર્કલ પાસે ગાડીમાં બેસીને કર્મચારીઓ ટેસ્ટ કરે છે
શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલ અને માધુપુરા પાસે આવેલા નમસ્તે સર્કલ પાસે પણ ટેસ્ટિંગ ડોમ છે, જેમાં નમસ્તે સર્કલ પાસે ગાડીમાં બેસીને કર્મચારીઓ કોરોના ટેસ્ટ કરે છે, ત્યાં કોઈ ડોમ ઊભો કરવામાં આવ્યો નથી. જ્યારે રાજસ્થાન હોસ્પિટલની બહાર ડોમ ઊભો કરવામા આવ્યો છે. આ જગ્યાઓ પર પણ 10થી 15 લોકો જ ટેસ્ટ માટે આવતા હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલાઇઝેશન પણ ઓછું થયું
શહેરમાં દિવાળીની ભીડ અને અમદાવાદના રહીશોએ કરેલા પ્રવાસોને ધ્યાને લઇ મ્યુનિ. તંત્ર દ્વારા સતત ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. જ્યાં દિવાળી પહેલાં શહેરમાં માંડ 2200 જેટલા ટેસ્ટ થતા હતા, એની સામે આજે શહેરમાં 7000 કરતાં વધારે ટેસ્ટ થયા છે. શહેરમાં છેલ્લા 12 દિવસમાં ટેસ્ટની સંખ્યા અને આવેલા કેસની સંખ્યા ચકાસીએ તો પોઝિટિવિટી રેટ માંડ 0.30 ટકા જેટલો છે. બીજી તરફ, મોટા ભાગના દર્દીઓએ કોરોનાની રસી લીધી હોવાને કારણે શહેરમાં હોસ્પિટલાઇઝેશન પણ ઓછું છે.

પોઝિટિવના સંપર્કમાં આવેલાની તપાસ
જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી તેમમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોના ઝડપથી ફેલાય એ પહેલાં એને અટકાવવાનો મ્યુનિ. દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય અને અમદાવાદ શહેરમાં 5 દિવસમાં નોંધાયેલા કેસ

તારીખઅમદાવાદના કેસરાજ્યના કેસ
13 નવેમ્બર1039
14 નવેમ્બર1126
15 નવેમ્બર1529
16 નવેમ્બર1835
17 નવેમ્બર2854