ગુજરાતમાં ત્રણ દિવસથી કોરોનાના કેસો નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. જેના કારણે રાજ્યની જનતા ફરી એકવાર ફફડી રહી છે, તેમછતાં સરકારના પેટનું પાણી પણ હલતું ના હોય એમ થોડા થોડા દિવસે નિયંત્રણની ગાઈડલાઈન બહાર પાડી માત્ર તમાશો જોતી હોય એવો માહોલ જોઈ જનતા પણ રોષે ભરાઈ હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કહેરમાં જનતાએ ઘણા બધા સ્વજન ગુમાવ્યા હતા, એટલું જ નહીં સરકારના અણઘડ આયોજનના કારણે હજારો કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં બેડ મેળવવાથી માંડીને દવા અને ઇન્જેક્શન માટે ભટકી રહી હતી. બીજી લહેરના કહેર સમયે પણ સરકાર કોરોનાને કાબૂમાં લેવા સદંતર નિષ્ફળ ગઈ હોવાની બુમરાણ મચી ગઇ હતી. તેમજ તેના કારણે આખે આખી રૂપાણી સરકારને પણ ઘર ભેગી કરવામાં આવી હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.
કોઈ ચોક્કસ પ્લાનિંગ નથી કે નથી મોનિટરિંગ
કોરોનાની બીજી લહેરની ભયાનકતાનો અનુભવ કરી ચુકેલી ગુજરાતની કેટલીક પ્રજા ત્રીજી લહેરમાં સાવચેત તો બની ગઈ છે, તો પણ ત્રીજી લહેરનો પીક એટલે કે રોજના 20 હજાર થી 24 હજાર સુધીના કેસો આવી રહ્યાં છે. આમ છતાં સરકારે કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે વધતા જતા કેસોને કાબૂમાં લેવા સતત મોનિટરિંગથી લઈ કોર કમિટીની બેઠકો, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કેસો અટકાવવાના કોઈ ચોક્કસ પ્લાનિંગ કે હોસ્પિટલો સાથે સતત સંકલન રાખવાને બદલે જે તે જિલ્લા અને શહેરોને જવાબદારી સોંપી શાંતિથી બેઠી હોવાનું મનાય રહ્યું છે.
વધતા જતા કેસોથી સ્થિતિ ગંભીર બની શકે
કોરોનાની ત્રીજી લહેરમાં ફફડી ઉઠેલી જનતાને એક વાતનો થોડો હાશકારો છે કે, લક્ષણો થોડા હળવા હોવાને કારણે હોસ્પિટલો હજુ હાઉસફૂલ રહી નથી. પરંતુ વધતા જતા કેસોના કારણે પ્રજામાં ભય પણ છે કે, હજુ વધતા જતા કેસો વધુ ગંભીર સ્થિતિ ના લાવે, ફરીવાર બીજી લહેર જેવો કોહરામ ના મચી જાય. આ ભયના ઓથારમાં જીવતી પ્રજાની સરકાર પાસે આશા-અપેક્ષા છે કે રોજે રોજના રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે, તે સમયે સરકારે ઝડપથી જાગવાની જરૂર છે. તો બીજી બાજુ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ અને કર્ફ્યુંના મામલે કડક વલણ અપનાવવાને બદલે માત્ર ગાઈડલાઈન બહાર પાડી રહી છે.
ટેસ્ટિંગની લાઇનો લાગે છે, મોટાભાગના લોકો માસ્ક વિના બેફામ ફરે છે
ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ટેસ્ટિંગની લાઈનો વધી રહી છે, કેસો વધી રહ્યા છે, છતાં મોટાભાગના લોકો સ્પ્રેડરની જેમ માસ્ક વિના બેફામ રખડી રહ્યા છે. બજારો, મોલ, માર્કેટમાં ક્યાંય સોશ્યિલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી, એટલું જ નહીં આ મામલે સરકાર ગંભીર બની નિયંત્રણો વધારવાના તો ઠીક હાલ જે નિયંત્રણ છે, એનું પણ ચુસ્ત પાલન ના કરાવતી હોવાની બુમરાણ જનતામાં મચી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.