તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે વેક્સિન જ અમોઘ શસ્ત્ર:રાજ્યમાં ઝડપી વેક્સિનેશન થાય અને લોકો નિયમોનું પાલન કરશે તો જ હવે કોરોનાને હરાવી શકાશે: AMA

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદ મેડિકલ એસો.ના તબીબોની કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને બેઠક યોજાઈ
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને નિષ્ણાત તબીબોએ બેઠક યોજી
  • ત્રીજી લહેરની ઘાતક અસર ઓછી થાય તે માટે વેક્સિનેશન પર ભાર મૂક્યો.

કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે પરંતુ હજી કોરોના ગયો નથી. લોકો જો હવે સાવચેતી નહીં રાખે તો ત્રીજી લહેર જરૂર આવશે. અગાઉ પણ ફેબ્રુઆરીમાં કેસ ઓછા થતાં લોકોએ બેદરકારી દાખવી જેના કારણે બીજી લહેર આવી અને ઘણી ભયાવહ સાબિત થઈ હતી. ત્યારે અમદાવાદ મેડિકલ એસો.ના ડૉક્ટરે હવે ત્રીજી લહેર આવે તો કઈ બાબતો ધ્યાન રાખવું પડે અને તેને કઈ રીતે રોકી શકાય તે માટે બેઠક યોજી હતી. જેમાં નિષ્ણાંત ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ હાલની પરિસ્થિતિ મુજબ વેક્સિનેશન પર ભાર મૂકવાની વાત કરી હતી.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તબીબોની બેઠક
અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠક દરમિયાન અનેક ડૉક્ટરે ત્રીજી લહેરને લઈને અનેક મુદ્દે ચર્ચા કરી. જેમાં ઇન્ડિયન મેડિકલ એસો.ના સ્ટેટ કોર્ડીનેટર ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, ત્રીજી લહેરની ઘાતક અસરથી બચવા માટે વેક્સિન દરેકે ઝડપથી લેવી જોઈએ. વેક્સિન લીધા બાદ ચુંબકીય અસર થાય એ લોકોનો ભ્રમ છે. આપડે જ્યાં સુધી પૂરેપૂરી હર્ડઇમ્યુનિટી તરફ ન પહોંચીએ ત્યાં સુધી નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

'30 ગણા કેસ આવે તેવી તૈયારી કરવી પડે'
કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર દિલીપ માવલંકરએ જણાવ્યું કે, બીજી વેવ પહેલા સૌને હતું કે હવે કોરોનાના કેસો હવે નહીં આવે, ફેબ્રુઆરીમાં કેસ ઓછા થયા હતા તો લાગ્યું કે હવે આ જંગ જીતી ગયા છે. પરંતુ માર્ચ મહિનામાં આંકડાઓ પર નજર ના રાખી, એ મોટી ભૂલ થઈ. કેટલીક બાબતો ધ્યાન આપવી પડે, જેવી કે ખાંસી ઉધરસના કેસો આપણે ગણતા નથી, ખાસ એવા કેસ કે ખાંસી અને ઉધરસથી કેટલાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જેથી પહેલા વેવ કરતા બીજા વેવમાં અમદાવાદમાં 16 ગણા અને ભારતમાં 4 ગણા કેસ આવ્યા, હવે ત્રીજી વેવ આવે તો 30 ગણા કેસ આવે એ રીતે તૈયારીઓ કરવી પડે.

જોકે ત્રીજો વેવ ના આવે તો સારું. ઝડપથી નવી હોસ્પિટલ ઉભી કરી શકાય તેની તૈયારી જરૂરી છે. માસ્ક અને વેક્સિનેશન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બીજા વેવમાં આપણે શીખ્યા કે, અંતિમ સમયે કૂવો ખોદવા ના જવાય. પાકા આંકડાઓ હશે તો સરળતાથી પહોંચી વળીશું. સર્જીકલ લોકડાઉન એટલે જ્યાં આંકડા વધે ત્યાં લોકડાઉન કરવું પડે, જેથી સંક્રમણ પણ કાબુ ઝડપથી મળી જાય.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બાળકોમાં સંક્રમણને લઈને ડરવાની જરૂર નથી
IMA ના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ગાર્ગી પટેલએ જણાવ્યું કે, ત્રીજી વેવ આવશે એવી શક્યતા છે પણ માત્ર બાળકો જ સંક્રમિત થાય એ શક્યતા હાલ અમે નકારીએ છીએ. કોઈ સંશોધન એવું નથી કહેતું કે હવે બાળકો મોટી સંખ્યામાં સંપડાશે. બાળકોમાં વધુ અસર નથી જોવા મળતી કેમકે બાળકોમાં ઇમ્યુનિટી સારી પહેલેથી જ હોય છે. બાળકોમાં મોટાઓ જેવી અન્ય બીમારી વધુ પ્રમાણમાં હોતી પણ નથી. કોવિડમાં હંમેશા સમય જોઈને સ્ટ્રેટેજી બદલવી પડે. 10 થી 17 વર્ષના બાળકો પર થોડા સમય પહેલા એક અભ્યાસ થયો જેમાં 10 ટકા સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે, જો કે તમામ તૈયારીઓ શરૂ કરાઇ છે એટલે ડરવાની જરૂર નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ત્રીજા વેવની શક્યતાને જોતા તૈયારીઓ શરૂ કરાઇ છે. સિવિલ હોસ્પિટલમાં 246 બેડ બાળકો માટે તૈયાર છે, 60 NISU બેડ તૈયાર છે. ત્રીજી વેવમાં બાળકો સંપડાય તો તમામને ટ્રેનિંગ પણ આપવાની કાલથી શરૂઆત કરાશે.

દર્દીને સારવાર માટે માર્ગદર્શન આપવા ટીમ બનાવવી જરૂરી
ખાનગી હોસ્પિટલના CEO ડોકટર પાર્થ દેસાઈએ જણાવ્યું કે, કંટ્રોલ રૂમ બનાવવો પડે, જ્યારે કોઈ પોઝિટિવ આવે ત્યારે એક ટીમ દર્દીને માર્ગદર્શન આપે કે એમણે સારવાર માટે ક્યાં જવું પડશે. દર્દીને આમ તેમ ના ભાગવું પડે એવી સ્થિતિ ના સર્જાય એ ખાસ ધ્યાન રાખવું પડે. જો એને સમયસર સારવાર મળે તો તે ઝડપથી રિકવર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...