ગુજરાતમાં સબ સલામત નથી:કોરોનાએ ગુજરાતની હેલ્થ સિસ્ટમની કમર તોડી નાંખીઃ વેક્સિનેશન ઘટ્યું તો સામે ટેસ્ટિંગ-ટ્રેસિંગ-ટ્રીટમેન્ટની સિસ્ટમ પડી ભાંગી

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: મયંક વ્યાસ
  • કૉપી લિંક
  • રોજબરોજ કોરોનાની નાગચૂડમાં સપડાઈ રહેલું ગુજરાત, હોસ્પિટલોમાં 2 દિવસમાં જ બેડ ખાલી કરાવવા પડી રહ્યા છે
  • ટેસ્ટિંગ અને ટ્રેસિંગને અસરકારક બનાવવાની તક તો ક્યારનીય સરી ગઈ, ટ્રીટમેન્ટમાં અંધાધૂંધીથી લાશોના ઢગ ખડકાઈ રહ્યા છે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ભયાવહ અને ખતરનાક પરિસ્થિતિનું સર્જન કરી રહી છે. આ વખતે ગુજરાતમાં હેલ્થની સ્થિતિ બે બાજુથી ભીંસમાં આવી ગઈ છે. તેના પરિણામે આખું હેલ્થ માળખું પડી ભાંગવાના આરે છે તેમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી. એકતરફ વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે જેમાં આરોગ્ય વિભાગનો પેરામેડિકલ સ્ટાફ રોકાઈ ગયો છે. હવે તો રાજ્યમાં બે દિવસથી વેક્સિનેશનના આંકડા પણ ઘટી રહ્યા છે. બીજીતરફ કોરોના એ હદે વ્યાપી રહ્યો છે કે રાજ્યમાં અસરકારક ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની આખી ચેઈન જ તૂટી રહી છે.

હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને સ્મશાનોમાં લાશોના ઢગલા ખડકાઈ રહ્યા છે. ગુજરાત સરકારે પણ 'સબ સલામત' નથી તે વાસ્તવિકતાને સ્વીકારીને નવેસરથી ટાસ્કફોર્સ રચી નવી સ્ટ્રેટેજી સાથે કોરોનાને નાથવાનાં પગલાં ભરવાનો સમય પાકી ગયો છે.

કોરોના ટેસ્ટિંગ માટે લાગેલી લાઈનો
કોરોના ટેસ્ટિંગ માટે લાગેલી લાઈનો

ટેસ્ટિંગઃ લોકોના ભારે ધસારાને લીધે વ્યવસ્થા પડી ભાંગી
કોરોના સંક્રમણની રોકથામની દિશામાં સૌથી પ્રાથમિક પગલું ટેસ્ટિંગનું છે. ટેસ્ટિંગ જેટલું અસરકારક તેટલું જ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ. પરંતુ હાલના તબક્કે આખા ગુજરાતમાં એ હદે ટેસ્ટિંગ માટે લોકો આવી રહ્યા છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC)અને મ્યુનિ. હોસ્પિટલોમાં મોજૂદ સ્ટાફ પહોંચી વળતો નથી. તેમાં પણ RT-PCR ટેસ્ટ કરાવવા માટે લોકોએ બે-બે દિવસ ધક્કા ખાવા પડી રહ્યા છે. જ્યારે રેપિડ એન્ટિજન ટેસ્ટની ભરોસાપાત્રતા હજી પણ શંકાના દાયરામાં છે અને તેમાં ચોક્કસ નિદાન થઈ શકતું નથી.

ટ્રેસિંગઃ એ સમય તો ગુજરાતના હાથમાંથી સરકી ગયો
કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા જ અસરકારકતા ગુમાવી ચૂકી છે. આ સ્થિતિમાં હેલ્થ અને એડમિનિસ્ટ્રેટિવ મશીનરી કોરોના દર્દીઓને મેનેજ કરવામાં જ એ હદે રોકાઈ ગઈ છે કે ટ્રેસિંગ કરવું શક્ય જ નથી રહ્યું. અત્યારે તો બધું અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા જ કૂદકે ને ભૂસકે વધી રહી હોવાથી તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું લગભગ અશક્ય થઈ ગયું છે. ટ્રેસિંગનો તબક્કો ક્યારનોય પસાર થઈ ચૂક્યો છે અને હવે આપણું સરકારી તંત્ર ટ્રેસિંગની ફક્ત મન મનાવવા વાતો જ કરી શકે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર.

ટ્રીટમેન્ટઃ હોસ્પિટલોમાં જગ્યા નથી, બેડ ખાલી કરાવવા પડ્યા
​​​​​​​​​​​​​​કોરોનામાં દર્દીઓની હાલત અત્યંત ઝડપથી વણસી રહી છે. અત્યારે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જાણે 'નો-વેકેન્સી'ના પાટિયા જ લાગવાના બાકી રહ્યા છે. સુરત શહેરમાં તો કોઈ ખાનગી હોસ્પિટલમાં 108ને એન્ટ્રી જ નથી અપાઈ રહી. જ્યારે સરકારી હોસ્પિટલોમાં ખાલી બેડની સામે દર્દીઓનું બેવડી સંખ્યામાં આગમન થઈ રહ્યું છે. આ કારણે કોરોનાના જે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમની સ્થિતિ 7ને બદલે 2 દિવસમાં સંતોષકારક સુધારા પર આવે અને ઓક્સિજન લેવલ સ્ટેડી થાય કે તુરત તેમને દવા આપીને ઘરે મોકલી દેવાય છે. આમ, હોસ્પિટલોમાં હવે અધૂરી ટ્રીટમેન્ટે બેડ ખાલી કરાવવા પડી રહ્યા છે.

વેક્સિનેશન દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી.
વેક્સિનેશન દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી.

વેક્સિનેશનઃ PHCમાં સ્ટાફ જ નથી, આંકડા સતત ઘટવા લાગ્યા
​​​​​​​​​​​​​​કોરોનાને પરાસ્ત કરવાનું અત્યારે સૌથી મોટું હથિયાર વેક્સીનેશન છે. પરંતુ ગુજરાત જેવા મેડિકલી એડવાન્સ રાજ્યમાં જ મેડિકલ સ્ટાફની એ હદે અછત સર્જાઈ છે કે વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં થઈ રહ્યું નથી. વેક્સિનેશન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC) પૂરતો સ્ટાફ નથી. આ કારણે છેલ્લા ચાર દિવસના આંકડા જોઈએ તો રાજ્યમાં વેક્સિનેશનનો આંક સતત ઘટી રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર રાજ્યમાં ગત 3 એપ્રિલે 4.89 લાખ, 4 એપ્રિલે 2.78 લાખ, 5 એપ્રિલે 3 લાખ, 6 એપ્રિલે 3.13 લાખ અને ગઈકાલે 7 એપ્રિલે 1.76 લાખ લોકોનું વેક્સિનેશન કરાયું હતું. આમ, હવે ગુજરાતમાં વેક્સિનેશનનો આંક પણ સતત ઘટી રહ્યો છે.

કોરોના ડેથઃ સત્તાવાર આંકડા અને સ્મશાનની ભીડમાં વિરોધાભાસ
એકતરફ રાજ્ય સરકારના સત્તાવાર કોરોના મૃત્યુઆંક પર નજર કરીએ તો 4 એપ્રિલે 14, 5 એપ્રિલે 15, 6 એપ્રિલે 17 અને ગઈકાલે 7 એપ્રિલે 22 કોરોના દર્દીના આખા રાજ્યમાં મૃત્યુ થયા હતા. પરંતુ અત્યારે સુરત હોય કે અમદાવાદ, વડોદરા હોય કે રાજકોટ, બધે જ સ્મશાનોમાં 8થી 14 કલાકનું વેઇટિંગ ચાલે છે. મૃતકોના સ્વજનોએ 14 કલાક સુધી ડેડબોડીના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં બેસી રહેવું પડે છે. સુરતમાં તો હવે સ્થિતિ એ હદે વણસી છે કે બહારગામ ડેડબોડીને અંતિમ સંસ્કાર માટે મોકલવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...