કોરોના અમદાવાદ LIVE:શહેરમાં કોરોનાના 265 નવા કેસ, 19ના મોત અને 135 દર્દી ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 465- કુલ કેસ 6,910

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થકાર્ડ મેળવવા હજારો ફેરિયા-વેપારીઓની હેલ્થ સેન્ટરો પર સવારથી લાઈનો, કાર્ડ ઈસ્યૂ માટે બે-ત્રણ જ કર્મી
  • હેલ્થ કાર્ડ લેવા આવેલા વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સવારના 7 વાગ્યે લાઈનમાં ઉભો હતો 12 વાગ્યે દર્દી બની ગયો
  • બારેજા ગામમાં આવેલા બહુચર માના ટેકરામાં ચાર લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, જિલ્લામાં કુલ 126 કેસ

શહેરમાં 13મેની સાંજથી 14મેની સાંજ સુધીમાં કોરોનાના 265 નવા કેસ સામે આવ્યા છે અને 19ના મોત થયા છે જ્યારે 135 દર્દી ડિસ્ચાર્જ થયા છે.આમ અત્યાર સુધીમાં 6,910 કેસ અને મૃત્યુઆંક 465 થયો છે. તેમજ 2,247 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.

14 મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

હેલ્થ કાર્ડ લેવા આવેલા વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ઇન્ડિયા કોલોનીના અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ કાર્ડ લેવા આવેલા વેપારીનો રેપિડ ટેસ્ટિંગ કિટમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સવારે કલાકો સુધી લાગેલી લાઈનમા ઉભા રહ્યાં બા તેમાના એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોનાનો શિકાર થયેલો આ વેપારી સરસપુરમા કરિયાણાની દુકાન ચલાવે છે. વેપારી સવારે 7 વાગ્યાથી કાર્ડ લેવાની લાઈનમાં ઉભો રહ્યો હતો અને 12 વાગ્યાની આસપાસ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો. આજે છેલ્લો દિવસ હોવાથી ફેરિયાઓ અને દુકાનદારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં હતા.

ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી અંગે માહિતી મેળવી રહેલા ડૉ.જયંતિ રવિ
ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી અંગે માહિતી મેળવી રહેલા ડૉ.જયંતિ રવિ

આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ કન્ટેઈન્મેન્ટ ઝોન અસારવામાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતિ રવિએ શહેરના કન્ટેઈન્મેન્ટ ઝોન અસારવામાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને આરોગ્યનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પૂછીને તેમની જાત માહિતી મેળવવામાં આવી રહી છે. જરૂર જણાય તેવા કિસ્સાઓમાં તેમને હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ડૉ.  જયંતિ રવિએ પણ કેટલાક ઘરોની મુલાકાત લઈને નાગરિકોને શું કાળજી લેવી તેની સમજણ આપી હતી. ઘરમાં વડીલોની વધુ સંભાળ રાખવા તેમણે સૂચનો કર્યા હતા, અને સૌને માસ્ક પહેરવાની તાકીદ કરી હતી.

કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધનો સામનો કરી રહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉન ખુલી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા વરિષ્ઠ આઈએએસ રાજીવકુમાર ગુપ્તાએ આજે એક વિડિયો સંદેશામાં શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

હેલ્થકાર્ડ મેળવવા લાગેલી લાઈનો
હેલ્થકાર્ડ મેળવવા લાગેલી લાઈનો

હેલ્થકાર્ડ મેળવવા હજારો ફેરિયા-વેપારીઓની હેલ્થ સેન્ટરો પર સવારથી લાઈનોઆવતીકાલથી એટલે કે 15 મેથી શહેરમાં ફરીથી શાકભાજી અને કરીયાણાની દુકાનો શરૂ થશે. જોકે હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડધારકો જ વેચાણ કરી શકશે તેવું જાહેર કરવામાં આવતા ફેરિયા અને વેપારીઓ એક દિવસ પૂર્વે જ હેલ્થ કાર્ડ મેળવવા માટે અર્બન હેલ્થ સેન્ટરો ખાતે પહોંચ્યા છે. કાર્ડ મેળવવા માટે એક તરફ ફેરિયા-વેપારીઓની મોટી લાઇન જોવા મળી રહી છે, તો બીજી તરફ આ હેલ્થ સેન્ટરો પર બે કે ત્રણ જ આરોગ્ય કર્મીઓ હોવાથી કાર્ડ ઈસ્યૂ કરવામાં મોડું થઇ રહ્યું છે. જેને લઇને ફેરિયા અને વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. 
બારેજા ગામમાં આવેલા બહુચર માના ટેકરામાં ચાર લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ 
શહેરની સાથે સાથે અમદાવાદ જિલ્લામાં પણ કોરોના બેકાબૂ બની ગયો છે. આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે. બારેજા ગામમાં આવેલા બહુચર માના ટેકરા વિસ્તારમાં ચાર લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ કેસનો આંકડો 126 પર પહોંચ્યો છે.

શીલજ સર્કલ પાસે TGB બેકરી ખુલ્લી રાખતા ગુનો નોંધાયો

અમદાવાદ શહેરમાં લોકડાઉનનો કડક અમલ થાય તેના માટે 15 મે અને જિલ્લામાં ગણાતા બોપલ-ઘુમા વિસ્તારમાં 17 મે સુધી માત્ર દવા અને દૂધની દુકાન ચાલુ રાખવાની જ પરવાનગી છે, છતાં કેટલાક લોકો દુકાન ખોલી વેચાણ કરતા મળી આવે છે. શીલજ સર્કલ પાસે આવેલી TGB બેકરી ખુલ્લી જોવા મળતા બોપલ પોલીસે દુકાનદાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે શીલજ સર્કલ પાસે એસકવેર કોમ્પ્લેક્સમાં આવેલી TGB બેકરી ચાલુ છે જેથી બોપલ પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી. પોલીસે દુકાનદાર આશિષ જાની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાંદખેડા વિસ્તારમાં પણ લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી કે શાકભાજી કેટલાક વિસ્તારમાં વેચાય છે જેથી પોલીસે બે જગ્યાએ જઇ દુકાનદાર અને લારીવાળા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...