તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અમદાવાદ LIVE:5 વર્ષની બાળકી અને 9 વર્ષના બાળક સહિત 25ના કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઓઢવમાં કોંગ્રેસના નેતાને કોરોના

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • 25 નવા કેસમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 9 વર્ષનો બાળક અને 5 વર્ષની બાળકી પણ સામેલ
  • શહેરમાં 99 % લોકો માસ્ક કે મોઢે કપડું પહેરીને જોવા મળ્યા: AMC કમિશનર નેહરા
  • ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોરોના ચેક પોસ્ટ અને બફરઝોનની મુલાકાત લીધી
  • હવે બાળકોને બહાર રમવા મોકલનારા માતા-પિતા સામે ગુનો નોંધાશે

કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ગઈકાલ સાંજથી લઈ સવાર સુધીમાં 13 અને સવારના 10 વાગ્યા બાદ વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઓઢવ કોંગ્રેસના નેતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દિવસ દરમિયાન સામે આવેલા 25 પોઝિટિવ કેસમાં 14 મહિલા અને 11 પુરૂષનો સમાવેશ થાય છે. શહેરમાં બે સગીર,  એક બાળકી અને એક બાળકને પણ કોરોના થયા છે. જેમાંથી 9 વર્ષનો બાળક(જેઠાલાલની ચાલી, બહેરામપુરા) અને 5 વર્ષની બાળકી(શ્રમજીવી નગરના છાપરા) ઝૂંપડપટ્ટીમાં રહે છે.  આ કેસ શહેરના હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 13ના મૃત્યુ થયા છે અને 11 લોકો સાજા થયા છે. આજે નોંધાયેલા કેસોમાં ઓઢવ અને નવા નરોડાનો પણ ઉમેરો થયો છે. આ ઉપરાંત જમાલપુર, મણિનગર, બહેરામપુરા, વેજલપુર, વટવામાં પણ કોરોના દર્દીઓ નોંધાયા છે. 

માત્ર 27 લોકો જ માસ્ક અને મોઢે રૂમાલ બાંધ્યા વગર ઝડપાયા

આજથી શહેરમાં માસ્ક ફરજીયાત બનતા માસ્ક વિના જાહેર રસ્તા પર નીકળેલા 27 લોકોને રૂ.1000 દંડ ફટકારી રૂ.27 હજારની વસૂલાત કરી છે. આ નિયમ મુજબ પહેલીવાર માસ્ક વિના ઝડપાયેલા વ્યક્તિને રૂ.1000નો અને બીજીવાર ઝડપાય તો રૂ.5000નો દંડ કરવામાં આવે છે. જો દંડ ન ભરે તો 3 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.

બોપલનો ક્રિષ્ના કોમ્પ્લેક્સ અને ગુલબાઈ ટેકરાનો સ્લમ વિસ્તાર ક્વોરન્ટીન

બોપલના એક યુવકને કોરોના પોઝિટિવ આવતા ક્રિષ્ના કોમ્પ્લેક્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. આ યુવકને રામોલની ફેક્ટરીમાંથી ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે 

ગુલબાઈ ટેકરામાં આવેલા સ્લમ વિસ્તારમાં પોઝિટિવ કેસ આવતા AMC આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે. ક્વોરન્ટીન વિસ્તારમાં આવેલી ચાલીઓમાં પતરાની આડશ મૂકવામાં આવી છે. ગીચ અને સ્લમ વિસ્તાર હોવાથી ક્વોરન્ટીન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોઝિટિવ કોન્સ્ટેબલના સંપર્કમાં આવનારા 16 ક્વોરન્ટિનમાં
અમદાવાદમાં વધુ એક પોલીસ જવાનનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. બાપુનગર પછી હવે દાણીલીમડા પોલીસલાઈનમાં રહેતા અને શ્યામલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને તાવ આવ્યા બાદ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રવિવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજયમાં પોલીસ કર્મચારીને કોરોના થયો હોવાનો આ બીજો કિસ્સો છે. બંન્ને પોલીસ કર્મચારી અમદાવાદના છે. ગત તા.25 માર્ચ થી 3 એપ્રિલ સુધી તેઓ શ્યામલ ચાર રસ્તા ખાતે આવેલી પોલીસચોકીમાં ફરજ બજાવતા હતા અને ત્યારબાદ 3 એપ્રલિથી તેમને વસ્ત્રાપુર ફાટક, વેજલપૂર પાસે ફરજ પર મૂકવામાં આવ્યા હતા. 8 તારીખથી તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. પહેલા કફ થયો હતો અને ત્યારબાદ એકાએક ફીવર આવતા તેઓ 11 એપ્રિલે એસવીપીમાં દાખલ થયા હતા. જયાં સેમ્પલ લઈને તેમનો રિપોર્ટ કરાવવામાં આવતા રવિવારે પોઝિટિવ પરિણામ આવ્યુ હતુ. 11 એપ્રિલ સુધી સતત તેઓ ડ્યૂટી પર હતા. તેઓ શ્યામલ પોલીસચોકીમાં રોજ હાજરી ભરવા માટે જતા હતા અને બહેરામપુરા અમૂલ પાર્લર ખાતે પણ ગયા હતા. તેમના સંપર્કમાં આવેલા કુલ બાર પોલીસ કર્મચારી અને અન્ય ચાર મળી કુલ 16 લોકોને કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

જેતલપુર શાકમાર્કેટ નવા નિયમો બાદ જ શરૂ કરાશે 
જેતલપુર શાકમાર્કેટમાં ભીડ ઓછી કરવા અને સંક્રમણ રોકવા માટે સોમવારે ફરીથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઉચ્ચકક્ષાએ યોગ્ય નિર્ણય લેવાયા બાદ જ માર્કેટ શરૂ કરાશે.  બે દિવસ બાદ એટલે કે 15 એપ્રિલે નવા નિયમો સાથે જેતલપુર શાકમાર્કેટ શરૂ કરવામાં આવશે. જેતલપુર શાકમાર્કેટમાં ભારણ ઓછું કરવા માટે શહેરની ફરતે 10 નવા શાકમાર્કેટ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. 
જેતલપુર શાકમાર્કેટમાં ઉદભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મિટિંગનો દોર ચાલી રહ્યો છે. શાકના વેપારીઓની સોમવારે ગાંધીનગર સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જેતલપુર માર્કેટમાં ભીડ ઓછી કરવા અને યોગ્ય પગલા લેવાની ખાતરી સરકાર તરફથી આપવામાં આવી હતી. આ અંગે એપીએમસીના નિયામક વાય. એ. બલોચે જણાવ્યું હતું કે,  વેપારીઓ, ખેડૂતો અને નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરની આજુબાજુના 10 વિસ્તારોમાં શાકમાર્કેટ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. 

માસ્ક વિના બહાર નીકળેલા 21 લોકોને દંડ ફટકાર્યો

અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાએ કોરોનાની સિટી અપડેટ આપતા જણાવ્યું કે, છેલ્લા 15 કલાકમાં 12 જેટલા નવા કેસ નોંધાયા છે આ સાથે જ અમદાવાદમાં કુલ 291 પોઝિટિવ કેસ થયા છે. જેમાં સૌથી વધુ 131 કેસ મધ્ય ઝોનમાં અને 78 કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા છે. શહેરમાં કુલ 13 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1112 પેસિવ સેમ્પલ અને 4870 એક્ટિવ સેમ્પલ મળી કુલ 5982 સેમ્પલ લેવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં 20604 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પર મિલિયન 1000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 1908 હોમ ક્વૉરન્ટીન, 427 કોર્પોરેશનની સુવિધા હેઠળ ક્વોરન્ટીનમાં છે આમ શહેરમાં કુલ 2335 લોકો ક્વૉરન્ટીનમાં છે. આજે વહેલી સવારથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 99 ટકા અમદાવાદીઓ માસ્ક અને મોઢે કપડું લગાવ્યા છે. આ માટે શહેરમાં 96 જેટલી ટીમો છે. સવારથી અત્યાર સુધીમાં માત્ર 21 લોકો જ માસ્ક વગર દંડવામાં આવ્યા છે. બધાને 1 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ દિવસમાં નવા કેસોમાં ઘટાડો નોંધાયો
પોઝિટિવ કેસોને શોધવા માટે સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. 9 એપ્રિલે 59 કેસ, 10 તારીખે 48, 11 તારીખે 49, 12 તારીખે 39 અને આજે 13 તારીખે સવાર સુધી 12 કેસ નોંધાયા છે.  લોકો નિયમો પાળી રહ્યાં છે. તેથી જે કેસ થવાના હતા તેમાં 30 ટકાનો ઘટાડો થયો છે. કોટ વિસ્તારમાં લોકડાઉનનો અમલ અને માસ્ક પહેરવામાં આવી રહ્યું છે. કોટ વિસ્તારમાં બહારથી લોકો દવાની દુકાન, કરીયાણાની દુકાન ખુલ્લી હોય છે. જેથી આવશ્યક  વસ્તુ લેવા- આવતા જતા લોકોની અવરજવર છે.

પોલીસ સાથે સંઘર્ષ કરનાર સામે પાસાના પગલા લેવાશેઃ  ગૃહ રાજ્યમંત્રી

શહરેની કોરોના ચેક પોસ્ટ અને બફરઝોનની મુલાકાત લેવા આવેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોટ વિસ્તારની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે. તેમજ ગૃહ રાજ્યમંત્રીએ ચીમકી આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે ઘર્ષણ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આરોગ્ય વિભાગના કારણે સંક્રમણને રોકી રહ્યાં છીએ અને પોલીસ દિવસ રાત કામ કરે છે.

એલિસબ્રિજમાં વાહન ચાલકને માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000નો દંડ ફટકારાયો

મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી 13 એપ્રિલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જેથી આજે વહેલી સવારથી રોડ પર અવર-જવર કરનાર પર નજર રાખવામાં આવે છે. સવારે એલિસબ્રિજ પાસેથી પસાર થતા એક વાહન ચાલકને માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઓફીસ જતા લોકો પણ માસ્ક વગર નીકળતા AMCએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. 
પ્લોટમાં રમતાં બાળકોના માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી
કોરોના વાઇરસના કેસો રાજ્યમાં એકતરફ વધી રહ્યા છે. હોટ સ્પોટ સિવાય અન્ય વિસ્તારમાં ચેપના કારણે કેસો સામે આવે છે છતાં લોકો લોકડાઉનનો અમલ ન કરતાં પોલીસ કડક બની છે. લોકડાઉનમાં હવે જો તમારા બાળકો ઘરની બહાર દેખાશે તો પોલીસ તેમના માતા-પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરશે. ઘાટલોડિયામાં આઇલ આસોપાલવ એપાર્ટમેન્ટ નજીક ખુલ્લા પ્લોટમાં રમતાં 7 બાળકોના માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. 

આ 6 બાળકોના પિતા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી 
1) વિક્રમસિંહ ધનસિંહ રાજપૂરોહિત(44)(આશિર્વાદ એપાર્ટમેન્ટ, અમી એપાર્ટમેન્ટ પાસે, ઘાટલોડિયા)
2) પરેશભાઇ મુકુંદરાય પટેલ(55)(આશિર્વાદ એપાર્ટમેન્ટ, અમી એપાર્ટમેન્ટ પાસે, ઘાટલોડિયા)
3) દિલિપભાઇ કિશોરભાઇ લીલીપવાર(42)(અમી એપાર્ટમેન્ટ, નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે, ઘાટલોડિયા)
4) કલ્પેશભાઇ કિશોરભાઇ ધોબી(38)(અમી એપાર્ટમેન્ટ, નારણપુરા ટેલિફોન એક્ષચેન્જ પાસે, ઘાટલોડિયા)
5) સુરેશભાઇ રાધાકિશોન ટેવર (આસોપાલવ ફલેટ, અમી એપાર્ટમેન્ટ પાસે, ઘાટલોડિયા)
6) ભેરુભાઇ હીરાભાઇ તૈલી(35)(અમી એપાર્ટમેન્ટ, નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે, ઘાટલોડિયા)
ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા હતા
પોલીસને ડ્રોનની વિસ્તારમાં તપાસ કરતા ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા મળી આવ્યા હતા. પોલીસે ત્યાં જઈ પૂછતાં તેમના માતા-પિતાએ ઘરની બહાર રમવા મોકલ્યા હતા. જ્યારે વસ્ત્રાપુરના મધુવૃંદ એપાર્ટમેન્ટમાં 8 સગીર અને સગીરાઓ ધાબા પર જોવા મળતા વસ્ત્રાપુર પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે મધુવૃંદ એપાર્ટમેન્ટના ધાબા પર ડ્રોનની મદદથી જોતાં 8 લોકો ટોળું વળી ઉભા હતા. પોલીસે ફ્લેટમાં જઈ પૂછપરછ કરતા 15થી 17 વર્ષના 8 સગીર અને સગીરાઓ મળી આવી હતી. તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

શાકભાજીની રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી

શહેરના ગીતામંદિર વિસ્તારમાંથી શાકભાજીની રિક્ષામાંથી કાગડાપીઠ પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકડાઉનના અમલ માટે કાગડાપીઠ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાનમાં મજૂર ગામ તરફ જતાં રોડ પર એક લીલા કલરની રીક્ષા પડી હતી. જેના પર શાકભાજીની વાન લખ્યું હતું પોલીસે તેમાં જોતા કેટલાક પ્લાસ્ટિકનાં થેલા હતા જેમાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી 360 લીટર દેશી દારૂ અને રીક્ષા કબ્જે કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો