તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બાળમાનસ પર ગંભીર અસરો:સતત કોરોનાના ડરથી બાળકો ફફડવા લાગ્યાં, હવે આ દુનિયા સમાપ્ત થઈ જશે, અમે મરી જઈશું

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
  • ચાઈલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડો.કલરવ મિસ્ત્રીએ દિવ્ય ભાસ્કર સાથે કિસ્સાઓ શેર કર્યા
  • સતત કોરોનાની વાતો, મોબાઈલ, પરિવાર કે પછી ટીવીમાં જોવાથી બાળકોને અસર થઈ
  • કોરોનાથી થયેલાં મોત અને લોકોનાં રડતાં દૃશ્યો જોવાથી બાળકના મન પર અસર થઈ

કોરોનાની બીજી લહેરે અનેક પરિવારના આધારો છીનવ્યા છે અને કરોડો લોકોને માનસિક બીમારી આપી છે. ઘણા લોકો કોરોનાથી ભલેને બચીને રહ્યા પણ તેમની માનસિક હાલત ઘણી ખરાબ થઈ ગઈ હોય છે. આ તો વયસ્કોની વાત થઈ, જરા વિચારો કૂમળા છોડ સમાન બાળકો પર કોવિડની કેવી અસર થઈ હશે? કોરોનાના કપરાકાળમાં બાળકો માનસિક ટ્રોમા તરફ ધકેલાઈ રહ્યાં છે, જેના કારણે હવે અનેક બાળકોને કોરોનાને કારણે તેમજ બે વર્ષ જેટલા સમયથી ઘરમાં જ રહેવાથી માનસિક સારવારની જરૂર પડી રહી છે. આ અંગે DivyaBhaskarએ ચાઈલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડો. કલરવ સાથે વાતચીત કરી હતી, જેમાં બાળકો પર થઇ રહેલી ગંભીર અસર વિશે તેમના કેસ સ્ટડી શેર કર્યા હતા.

શેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કલરવ મિસ્ત્રી ચાઈલ્ડ સાઇકિયાટ્રિસ્ટ છે. તેમના જણાવ્યા અનુસાર, બાળકોને ઘરે રહેવાને કારણે તેમજ સતત કોરોનાની વાતો, મોબાઈલ, પરિવાર કે પછી ટીવીમાં જોવાથી અસર થઈ રહી છે. પહેલાં 14 વર્ષ આસપાસનાં બાળકોમાં પરિપકવતા દેખાતી હતી તે એજ ઘટીને 8 વર્ષ થઈ ગઈ છે, એટલે કે 8 વર્ષથી ઉપરનાં બાળકોના ઘણા કેસ અમારી પાસે આવ્યા છે, હાલ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

કિસ્સો-1:એક બાળક થોડી થોડીવારે સ્વજનોના હાથ પકડી લેતો
એક વાલી તેમના બાળકને લઈ અમારી પાસે આવ્યા હતા. જે બાળકની સાથે વાત કરતાં મને જાણવા મળ્યું કે બાળકને કોઈ પડછાયા દેખાય છે. તેને કોરોનાને કારણે પોતાનાં માતા-પિતા મરી જશે તેવો સતત ડર લાગતો હતો. જેથી તે થોડી થોડીવારમાં પોતાના સ્વજનનો જોરથી હાથ પકડી લેતો અને તેમને કોઈ છોડીને ન જાય એ માટે સતત વળગીને રહેતો હતો. રાતે પણ ક્યાંય ઘરમાં ફરી નહોતો શકતો. એની પાછળ કોરોનાથી થયેલાં મોત અને લોકોનાં રડતાં દૃશ્યો જોવાથી તેના મન પર એની અસર થઈ ગઈ હતી, જેને લીધે હવે તેને દવા આપવી પડે છે.

કિસ્સો-2: પરિવારમાં ત્રણનાં મૃત્યુ થતાં બાળકીને આઘાત લાગ્યો
એક પરિવારમાં મમ્મી-પપ્પા, દાદા-દાદી ચારેય લોકો કોરોના પોઝિટિવ થયાં હતાં. ઘરમાં માત્ર 13 વર્ષની બાળકી અને તેનો નાનો ભાઈ 7 વર્ષનો હતાં. આખો પરિવાર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો. બે બાળકોને નજીકના સ્વજન અને પાડોશીઓ રાખતા હતા. રોજ પરિવારના લોકો બાળકોને હોસ્પિટલમાં દાખલ પરિવારની સાચી સ્થિતિ કહેવાને બદલે બધું સારું છે તેમ કહેતા અને બાળકો પણ તેમ માનતાં હતાં.

બાળકોના મનમાં એમ કે બધા સાજા થઇને ઘરે આવી જશે, પરંતુ એને બદલે પહેલા દાદા પછી દાદી અને પછી મમ્મી ગુજરી ગયાં. બાળકના મનમાં એમ થઈ ગયું હતું કે બધા સાજા થઈને ઘરે આવશે પણ આ મોતને તેઓ સાચું માનતાં જ ન હતાં. એટલામાં પિતા એકમાત્ર સજા થઈને ઘરે આવ્યા, પણ બાળકો રોજ બા-દાદા, મમ્મીની રાહ જોતાં હતાં, પરંતુ તેઓ આવે એ શક્ય ન હતું. આખરે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને લાઇ ડિટેક્શન જેવી થેરપી એટલે અર્ધબેભાન જેવી સ્થિતિમાં લાવીને પરિવારનાં સ્વજનો મૃત્યુ પામ્યાં છે એ માનસ પર લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકી ભાનમાં આવ્યા બાદ હોસ્પિટલમાં મનથી ભાંગી ગઈ હતી અને હવે તેને રોજ કાઉન્સિલિંગ કરવામાં આવે છે. આ કિસ્સા પરથી એક વાત સાબિત થાય છે કે બાળકો સાથે ખોટું બોલવું મુશ્કેલી ઊભી કરી શકે છે.

કિસ્સો-3: બિઝનેસમેનનો દીકરો કોઈપણ વાતમાં ઉશ્કેરાઈ વસ્તુ ફેંકતો
શહેરના બિઝનેસમેનનો દીકરો આખો દિવસ મોબાઈલ અને ટીવી પર સક્રિય હોય છે. ધીમે ધીમે આ બાળક અપશબ્દો બોલવા લાગ્યો. માત્ર એટલું જ નહીં સૌને અપશબ્દો બોલતો હતો તેમજ કોઈપણ વાતમાં ઉશ્કેરાઈને સામે વસ્તુ ફેંકતો હતો. આ જોઈને પરિવાર ચિંતામાં હતો. ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતાં જાણવા મળ્યું કે બાળક સતત વાયોલન્ટ ગેમ રમતો હતો. તેમાં કેરેક્ટરના બિહેવિયર પ્રમાણે તે વર્તન કરવા લાગ્યો હતો, જેને દવા આપ્યા બાદ હાલ સારવાર કરવામાં આવી રહી છે.

બાળકોને માનસિક બીમારીથી કઈ રીતે બચાવી શકાય
​​​​​​​​​​​​​​બાળકોની માનસિક સ્થિતિ અતિસંવેદનશીલ હોય છે. બાળપણમાં બનેલી કોઈ ઘટના કે યાદ જિંદગીભર સાથે રહી જતી હોય છે, જેથી બાળક સમક્ષ હળવા બનીને વર્તણૂક કરવી જોઈએ. ભલે સત્ય ગમે તેટલું ખરાબ હોય પણ બાળકને તેમના પ્રમાણે સમજાવવા પ્રયાસ કરવો, જેનાથી બાળક સત્ય જાણીને આઘાતમાં સરી ન પડે. બાળકને હાલના કોરોનાના સમયમાં સતત વિચલિત કરે એવાં દૃશ્યથી દૂર રાખવા પ્રયાસ કરવો જોઈએ. આખો દિવસ બાળક શું કરે છે એના પર પણ વાલીએ ધ્યાન રાખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...