• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Controversy Over Resignation Of Female Member Of AMC's Health Committee, Allegation That Officials Were Stopped From Seeking Information

રાજીનામું લેવાતાં વિવાદ:AMCની હેલ્થ કમિટીના મહિલા સભ્યનું રાજીનામું લઇ લેવાતાં વિવાદ, અધિકારીઓ પાસે માહિતી માંગતા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન
  • હેલ્થ કમિટીના સભ્ય પદેથી રાજીનામું લઈ લેવાતાં હું શહેર સંગઠન અને પ્રભારી સહિતના હોદ્દેદારોને રજૂઆત કરીશ
  • નવા બે કોર્પોરેટરને કમિટીમાં સમાવવાના હોવાથી રાજીનામાં લઈ લેવાયા : મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી અને મટિરિયલ મેનેજમેન્ટ કમિટીમાં સમાવિષ્ટ બે કોર્પોરેટરના કમિટી સભ્ય તરીકેના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. જેમાં હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના સભ્ય અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટના જ વોર્ડના સાથી કોર્પોરેટર મંજુલાબેન ઠાકોરનું રાજીનામું સભ્ય તરીકે લઈ લેવામાં આવતાં તેઓ નારાજ થયા છે. મહિલા સભ્ય મંજુલાબેનનો આક્ષેપ છે કે તેઓની જાણ બહાર પક્ષના નેતા દ્વારા રાજીનામું લઈ લેવામાં આવ્યું છે જે યોગ્ય નથી. તેઓનો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે માહિતી માંગી હતી જે આપતા નથી અને ભાજપના જ હોદ્દેદાર અધિકારીઓ પાસેથી માહિતી માંગતા રોકવામાં આવે છે.

સફાઈ અને ફુડ વિભાગની ફરિયાદમાં મને નથી અપાયો
મટિરિયલ મેનેજમેન્ટમાં કમિટી સભ્ય અને ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાકેશ બ્રહ્મભટ્ટ બે કમિટીમાં હોવાથી તેઓને હવે એક જ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના સભ્ય તેમજ સરસપુર- રખિયાલ વોર્ડના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોરનું સભ્ય પદેથી રાજીનામાં લઈ બોર્ડમાં મંજુર કરવામાં આવનાર છે, ત્યારે મંજુલાબેન ઠાકોરે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કમિટી સભ્ય તરીકે મારુ રાજીનામું લઇ લેવાયું છે, જેની મને ખબર જ નથી. મેં સફાઈ અને ફુડ વિભાગ અંગેની ફરિયાદ કમિટીમાં અધિકારીઓને કરી હતી. જે ફરિયાદનો મને જવાબ નથી આપવામાં આવ્યો. મારા સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

પ્રભારીની સૂચના મુજબ કામ કરવાનું હોય છે: ભાસ્કર ભટ્ટ
મંજુલાબેને વધુમાં જણાવ્યું હતું કે, રાજીનામા લેવા મામલે હું પક્ષમાં અને ઉપર સુધી રજૂઆત કરીશ. અધિકારીઓને કમિટી સભ્ય તરીકે હું કહી શકું છું છતાં મને હોદ્દેદાર દ્વારા રોકવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ પ્રભારી ધર્મેન્દ્ર શાહે આ વિવાદ મામલે પક્ષના નેતા ભાસ્કર ભટ્ટને પૂછો એમ જણાવ્યું હતું. ભાસ્કર ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે, નવા બે સભ્યોને કમિટીમાં સમાવવાના છે. અમારે પ્રભારી ધર્મેન્દ્રભાઈની સૂચના મુજબ કરવાનું હોય છે. પાર્ટીના નિયમ મુજબ કાર્ય કરવાનું હોય છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મંજુલાબેન ઠાકોર સામે અધિકારીઓની ફરિયાદ હોવાથી રાજીનામું લેવાયું છે.