વર્ચસ્વની લડાઈ:ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સમાં પ્રમુખપદનો વિવાદ, 50થી વધુ CAનાં રાજીનામાં

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: વિશાલ પાટડિયા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એડવોકેટને સિનિયર વાઇસ પ્રેસિડન્ટ બનાવાતાં CA એસો.એ છેડો ફાડ્યો
  • માર્ચમાં સિનિયર વીપીના નિધન બાદ રોટેશન મુદ્દે સીએ-એડવોકેટો સામસામે

ગુજરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સની 30 વર્ષ જૂની સંસ્થા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (એજીએફટીસી)માં નવા પ્રમુખ મુદ્દે ભારે વિવાદ થતાં ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ એસોસિયેશને ફેડરેશનમાંથી રાજીનામું આપ્યું છે. ઉપરાંત, સુનીલ તલાટી, બિહારી શાહ, ઉપેન્દ્ર ભટ્ટ, લતેશ પરીખ સહિત ફેડરેશનના પૂર્વ પ્રમુખો તેમજ 50 સીએએ પણ વ્યક્તિગત સભ્યો તરીકે રાજીનામાં આપી દીધાં છે.

બે મહિના પહેલાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સીએ અરવિંદ ગૌદાણાનું અવસાન થયા બાદ એડવોકેટ કાર્તિકેય શાહને ફેડરેશને સિનિયર વીપી બનાવી દેતાં વિવાદ થયો છે. સંસ્થાના બંધારણ મુજબ સીએ, એડવોકેટ અને બહારગામ - એમ ત્રણ કેટેગરીમાંથી વારાફરતી પ્રમુખ બને છે. આ વખતે પ્રમુખ તરીકે સીએનો વારો હતો. સીએ એસો. આ માટે મુકેશ ખાંડવાલાનું નામ પણ મોકલ્યું હતું, જે ફેડરેશને ફગાવી દીધું હતું. જોકે એડવોકેટને સિનિયર વીપી બનાવી દેવાતાં હવે આગામી પ્રમુખ સીએને બદલે એડવોકેટ બનશે, જેનો સીએ એસોસિએશને ભારે વિરોધ કર્યો છે.

વિવાદ ઉકેલવા માટે પૂર્વ પ્રમુખો મળ્યા, કમિટી બની
આ વિવાદ ઉકેલવા 25થી વધુ પૂર્વ પ્રમુખોએ મીટિંગ કરી હતી. ઉપરાંત 15 સભ્યોની કમિટી પણ બનાવાઈ હતી, જેણે નિર્ણય કર્યો હતો કે, સીએ જ સિનિયર વીપી બનીને પ્રમુખ બનવા જોઈએ. કમિટીના સભ્ય સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, સંસ્થાનો મૂળ ઉદ્દેશ એકતાથી કામ કરવાનો છે. 30 વર્ષમાં આવું પહેલી વખત થયું છે. આ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટસના સ્વાભિમાનનો સવાલ છે. અમારો વિરોધ ગાંધીચીંધ્યા માર્ગે છે.

બંધારણ મુજબ નિર્ણય કર્યો છે: પ્રમુખ
બે-ત્રણ સીએ મેમ્બરો અહમ સંતોષવા ફેડરેશનને વિવાદમાં ઢસડી રહ્યા છે. કાર્તિકેય શાહને બંધારણ પ્રમાણે સિનિયર વીપી બનાવ્યા છે. હવે તે પોતે રાજીનામું આપે તો કોઈ સીએને તેમના પદે લાવી શકાય. અમે સુપ્રીમનાં રિટાયર્ડ જસ્ટિસનો અભિપ્રાય પણ લીધો છે. - ભરત શેઠ, પ્રમુખ, એજીએફટીસી

ફેડરેશનને પેઢી બનાવી છે: ભૂતપૂર્વ પ્રમુખ
ભરત શેઠ, ધ્રુવેન શાહ અને તેમની પર્સનલ ટીમ ફેડરેશનને પેઢી તરીકે ચલાવે છે. આ લોકોએ બંધારણ વિરુદ્ધ નિર્ણયો લેતા સીએ એસોસિયેશન અને 50 જેટલા સીએએ રાજીનામાં આપ્યા છે અને વધુ રાજીનામાં પડશે. કાર્તિકેય શાહને ખોટી રીતે આગળ કરાઈ રહ્યા છે. - સુનીલ તલાટી, પૂર્વ પ્રમુખ, એજીએફટીસી

અન્ય સમાચારો પણ છે...