વિવાદ:PM અને CMના કાર્યક્રમ માટે મોકલેલી બસોનાં નાણાંનો વિવાદ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી બસ ઓપરેટરો જરૂરિયાત મુજબ બસો પૂરી પાડે છે
  • અધિકારીઓએ હાથ ઊંચા કરી દેતાં બસ ઓપરેટરોના અગ્રણીએ કચેરી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી

પ્રધાનમંત્રીની બીજી ટર્મમાં સ્વાગત માટે અને પૂર્વ મુખ્યમંત્રીના ધંધુકા ખાતેના વૃક્ષારોપણમાં મોકલેલી બસોના બાકી નાણાંનો વિવાદ વકર્યો છે. બાકી બીલની રકમ માટે ધક્કા ખાતા બસ ઓપરેટરોએ કહ્યું કે, જિલ્લા કલેકટરના અધિકારીઓના કહેવા મુજબ સાણંદ મામલતદાર ત્રણ વર્ષથી અભિપ્રાય મોકલતા નથી અને છેલ્લા 12 મહિનાથી કલેકટર કચેરીમાં ગ્રાન્ટ આવી નથી. હવે અધિકારીઓએ હાથઉંચા કરી દેતા બસ ઓપરેટરોના અગ્રણીએ કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.

અમદાવાદ અથવા રાજ્યમાં કોઇ પણ સ્થળે સરકારી કાર્યક્રમમાં ખાનગી બસો મોકલવાની હોય ત્યારે જિલ્લા કલેકટર કે આરટીઓ કચેરી વ્યવસ્થા કરતી હોય છે. મૌખિક અથવા લેખિત ઓર્ડરથી ખાનગી બસ ઓપરેટરો જરૂરિયાત મુજબ બસો પૂરી પાડે છે. વડાપ્રધાનની બીજી ટર્મમાં સ્વાગત કાર્યક્રમ માટે ખાનગી 40 બસો અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધંધુકા ખાતેના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ખાનગી 40 બસો મળી કુલ 80 બસો મોકલાઇ હતી. જેના બીલના નાણાં બસ ઓપરેટરોને ચૂકવવામાં આવતા નથી.

આ ઉપરાંત અગાઉ તાઉતે વાવાઝોડામાં મોકલાયેલી 50 બસોના ડિઝલ અને ડી.એ.ના બીલની રકમ પણ ચૂકવાઇ નહીં હોવાનો બસ ઓપરેટરોએ રોષ ઠાલવતા કહ્યું કે, બાકી 14 લાખથી વધુની રકમ મેળવવા જિલ્લા કલેકટર કચેરીના ધક્કા ખાઇને થાકી ગયા છે. અત્યાર સધી જિલ્લા કલેકટરના અધિકારીઓ રાહ જોવાનું કહેતા હતાં અને હવે અમે શું કરીએ ? તેમ જણાવીને હાથ ઉંચા કરી દીધા છે. આમ પીએમના સ્વાગતના અને પૂર્વ મુખ્યમંત્રીના વૃક્ષારોપણમાં મોકલેલી બસોના બાકી નાણાં ના આપતા અધિકારીઓએ હાથઉંચા કરી દેતા બસ ઓપરેટરોના અગ્રણીએ કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...