વિવાદ:ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેલા 39 સરકારી કર્મચારી સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતાં વિવાદ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઈન્કમટેક્સ, ઈન્સ્યોરન્સ, ટેલિકોમ સેક્ટરના કર્મચારીઓ સામે લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવાઈ
  • કલેક્ટરે સંબંધિત પોલીસ સ્ટેશનને ધરપકડની સૂચના આપ્યાના એક દિવસમાં 24 કર્મચારી ચૂંટણીની કામગીરી માટે હાજર થઈ ગયા

વિધાનસભાની ચૂંટણી માટે પોલિંગ ઓફિસરથી માંડી પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની ચૂંટણી અધિકારી દ્વારા જુદી જુદી તાલીમ યોજવામાં આવી રહી છે. આ તાલીમમાં હાજર નહીં રહેનારા આયકર, ટેલિકોમ અને ઈન્સ્યોરન્સ કંપનીના 39 કર્મચારીઓ વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીએ ધરપકડ વોરંટ કાઢતા ભારે વિવાદ થયો છે.

કલેક્ટર દ્વારા જે તે પોલીસમથકને ધરપકડ વોરંટ બજાવવા સૂચના આપ્યાના એક જ દિવસમાં 24 કર્મચારીઓ કલેક્ટર સમક્ષ હાજર થઈ ગયા હતા અને શુક્રવારે વિવિધ તાલીમમાં હાજર થવાની ખાતરી આપી હતી. અન્ય 15 કર્મચારીઓ પણ શુક્રવારે હાજર થવાના હોવાનો સંદેશો કલેક્ટર ઓફિસે પાઠવ્યો હતો.

અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે કહ્યું કે, ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ધરપકડ વોરંટ એ રૂટિન પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે, જે કર્મચારીઓને ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક કર્મચારીઓની તો ટ્રાન્સફર થઈ ગઈ છે, કેટલાકે અગાઉથી પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી છતાં પણ તાલમેલના અભાવે આવા કર્મચારીઓ સામે પણ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયા છે.

એક અંદાજ મુજબ અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે 25 હજાર કર્મચારીઓની જરૂર છે. જેમાંથી 2700 કર્મચારીઓએ વિવિધ કારણોસર આ પ્રક્રિયામાંથી મુક્તિ માટે રજૂઆત કરી છે. મુખ્યત્વે માંદગી, ટ્રાન્સફર, માતા-પિતાની તબિયત, લગ્ન પ્રસંગ સહિતના કારણો રજૂ કરી મુક્તિ માગી છે. જો કે, હજુ આ અંગે નિર્ણય લેવાયો નથી.

વોરંટ ઈશ્યૂ થયું છે તેમાંથી કેટલાકે રાજીનામું આપ્યું છે તો કેટલાકની ટ્રાન્સફર થઈ છે
જે અધિકારી સામે વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે, તેમાંથી કેટલાકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, કોઈની ટ્રાન્સફર, તો કોઈ પહેલા જ રાજીનામું આપી ચૂક્યા છે. પરંતુ યોગ્ય કમ્યુનિકેશન ન થવાથી અધિકારીઓ વિરુદ્ધ વોરંટ કઢાયું છે.

મેં રાજીનામું આપ્યું છે પણ માહિતી પહોંચી નથી
હું પહેલા જ મારું રાજીનામું આપી ચૂકી છું. પરંતુ કોઇ કારણસર અધિકારીઓ સુધી આ માહિતી પહોંચી નહીં હોય જેથી મારા નામનું વોરંટ કાઢ્યું છે. મેં મારા વોરંટ અંગે અધિકારીઓને જાણ પણ કરી દીધી છે.

હું અન્ય જિલ્લામાં ચૂંટણી ડ્યૂટી પર હાજર છું
મારી 31 ઓક્ટોબરે જ અમદાવાદથી ટ્રાન્સફર થઇ ચૂકી છે. હાલમાં હું અન્ય જિલ્લામાં ઇલેક્શન ડ્યુટી પર ફિલ્ડમાં જ છું. મેં કલેક્ટર કચેરી અને અમારી ઓફિસને આ મુદ્દે જાણ કરી છે.

તબિયત ખરાબ હોવાથી રજા મંજૂર કરાવી હતી
મેં પહેલાથી રજા મંજૂર કરાવી હતી. મારા હોમટાઉન જઇને મારી તબિયત ખરાબ થઇ હતી. મેં મારું મેડિકલ સર્ટિફિકેટ ઇ-મેઇલ કર્યું છે. મને વોરંટની જાણ થતા હું હાલમાં અમદાવાદ આવવા નીકળી રસ્તામાં જ છું.

ટ્રેનિંગ ચાલુ જ છે, માત્ર કોમ્યુનિકેશન ગેપ છે
હું અને ઓફિસના અન્ય ત્રણ અધિકારીઓ ઓફિસ કામે અગરતલા ગયા હતા. ત્યાં અમારી કલ્ચરલ ઈવેન્ટ હતી. રજૂઆત બાદ અમારી વાત માન્ય રખાઇ છે અને હું આજે ટ્રેનિંગ લઈને આવી ગઈ છું.

2700એ મુક્તિ માગી છે
જિલ્લા કલેક્ટર ધવલ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, વિવિધ કારણોસર 2700 કર્મચારીઓએ ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ માટે લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...