મિતેશ બ્રહ્મભટ્ટ
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં બંદોબસ્તને લઈને અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા પોલીસ વચ્ચે વિવાદ થયો છે. 32 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દુબઈના શેખ સહિત 30 દેશના વડાપ્રધાન આવવાના છે. જ્યાં રોજ 1700 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે અમદાવાદ શહેર અને જિલ્લા પોલીસે 600 એકરમાંથી માત્ર 100 એકર જમીન પોત - પોતાના વિસ્તારમાં આવતી હોવાનું કહીને બંદોબસ્ત માટે માત્ર 100 - 100 પોલીસ ફાળવવાનું કહેતા વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે.
32 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો હોવાથી જેથી ત્યાં રોજ 1700 પોલીસ અધિકારી - કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે રવિવારથી તો આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્તની ફાળવણી થવાની છે. તેના 2 દિવસ પહેલા શહેર-જિલ્લા પોલીસ વચ્ચે હદ બાબતે વિવાદ થયો છે.
આ અંગે એક અધિકારીએ પોલીસ કમિશનરને રિપોર્ટ કર્યો હતો કે, 600 એકરમાંથી માત્ર 100 એકર જ સિટીમાં આવતી હોવાથી આપણા દ્વારા એક પીઆઈ, એક પીએસઆઈ અને 100 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવીશું. બાકીનો બંદોબસ્ત અમદાવાદ જિલ્લા પોલીસ પાસે માગવો.
બંદોબસ્તનો વિવાદ થતાં પોલીસ કમિશનરે તાત્કાલિક મીટિંગ બોલાવી
અમદાવાદ શહેર અને જિલ્લા પોલીસ વચ્ચે હદ બાબતે વિવાદ ચરમ સીમાએ પહોંચતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તે શુક્રવારે સાંજે તાત્કાલિક મીટિંગ બોલાવી હતી. જેમાં અમદાવાદ શહેર તેમજ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમારી હદમાં 100 એકર જગ્યા આવે છે
કાર્યક્રમની સ્થળની પાછળના ભાગમાં આવેલી ગામડાની 100 એકર જગ્યા અમદાવાદ જિલ્લા પોલીસની હદમાં આવે છે. જ્યારે કાર્યક્રમ સ્થળ અને રોડ સહિતની 500 એકર જગ્યા અમદાવાદ શહેર પોલીસની હદમાં આવે છે. એટલે આખો બંદોબસ્ત અમદાવાદ શહેર પોલીસનો જ રહેશે. > અમિત વસાવા, જિલ્લા ડીએસપી
સ્વયંસેવકોને રહેવા મ્યુનિ. 1 હજાર મકાન ફ્રી આપશે
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા આવનારા સ્વયંસેવકો માટે મ્યુનિ.એ રહેવા માટે મફતમાં 1 હજાર મકાન ફાળવ્યા છે. જો કે, આ ઈડબલ્યુએસ આવાસના એ મકાનો છે જે લાભાર્થીઓને ફાળવાયા નથી.
મહોત્સવમાં આવેલા સ્વયંસેવકો અને હરિભક્તોને રહેવાની વ્યસ્થા મળી રહે તે માટે સંસ્થા દ્વારા મ્યુનિ. પાસે તેમના ખાલી પડી રહેલા મકાનોની માગણી કરવામાં આવી હતી. જે બાદ થલતેજ વિસ્તારમાં મ્યુનિ.ના ઇડબ્લ્યુએસના તૈયાર થઇને પડેલા અને ડ્રોની રાહ જોઇ રહેલા1000 મકાનો એક મહિના માટે સંસ્થાને સોંપવામાં આવશે. જ્યાં સ્વયંસેવકો અને હરિભક્તો રહી શકશે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે. આ તમામ મકાનો માટે મ્યુનિ. સંસ્થા પાસેથી એક પણ પૈસાનું વળતર નહીં લે. ત્યારે આ મકાનો 11 ડિસેમ્બરથી 22મી જાન્યુઆરી સુધી આ સંસ્થાને ઉપયોગ કરવા માટે આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.