સોખડા હરિધામ મંદિરની ગાદી અને સત્તાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. એક તરફ જ્યાં પ્રેમસ્વામી અને પ્રભુસ્વામી વચ્ચે અગાઉથી જ સાધુઓને ગોંધી રાખવા અંગેનો કેસ હજી હાઇકોર્ટ સમક્ષ પડતર છે. તેવામાં સુરત શહેરમાં બંને જૂથના સમર્થકો વચ્ચે થયેલ ઝપાઝપીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. પ્રબોધ સ્વામી જૂથને સમર્થન કરનાર હરિભક્ત પર સુરતના ઉધના વિસ્તારમાં થયેલ હુમલા બાબતે યોગ્ય તપાસની માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે ઉધનાના PI તેમજ સુરત પોલીસ કમિશનરને રિપોર્ટ સાથે જવાબ રજૂ કરવા હૂકમ કર્યો છે.
ફરિયાદ કરવા છતાંય આરોપીની ધરપકડ નથી થઈ
સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદને લઈને પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી વચ્ચે તકરારની પરિસ્થિતિ વધુ વિકટ બનતી હોય તેમ જણાઈ રહ્યું છે. સુરતમાં 14 એપ્રિલ 2012ના રોજ ઉધના વિસ્તારમાં પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમને ગંભીર ઇજાઓ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાંય આરોપીની ધરપકડ કરવામાં નથી આવી.
27મી જુલાઇના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
આ મામલે હવે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ પણ ઉમેરો કરવામાં આવે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ સુરત પોલીસ કમિશનર અને પોલીસ સ્ટેશનને બનાવવા અંગેનો રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે. જે મામલે આગામી 27મી જુલાઇના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
સોખડામાં લોકો ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે
પ્રબોધ સ્વામીના વકીલ ચિત્રજીત ઉપાધ્યાય દ્વારા સોખડા મંદિરમાં એક સાધુના મોત અંગેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રબોધસ્વામીના વકીલે રજૂઆત કરી છે કે 'સંસ્થાનું વાતાવરણ એ પ્રકારનું છે કે, જ્યાં લોકો ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે. જે સાધુનું મોત થયું તેઓ આગલા દિવસે સાંજે જ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, તેવો દાવો કર્યો'. આ બાબતે સામા પક્ષે પ્રેમ સ્વરૂપ સ્વામીના સિનિયર વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ વાતનો ઉલ્લેખ તેઓ વ્યક્તિગત રીતે કરી શકતા હોત. તેઓ સમાધાનની ફોર્મ્યુલા અંગે ચર્ચા કરી રહ્યા છે, તેવામાં આ બાબતનો ઉલ્લેખ કરવો તે યોગ્ય નથી'.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.