વિપક્ષનો આરોપ:AMCમાં કૌભાંડો સામે આવતાં કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાય છે પણ અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી: કોંગ્રેસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • 2017ના કૌભાંડોમાં 7 એડિશનલ ઈજનેર તથા 84થી વધુ અધિકારીઓ સામે પગલાં લેવાયા નથી
  • 17 વર્ષમાં 112 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા પણ હજુ સુધી એકપણ કિસ્સામાં કોઈ અધિકારી સામે કાર્યવાહી નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં પ્રજાના પૈસે થતા કામો માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપો થતા રહે છે અને ઘણા ખરા કિસ્સામાં તેઓની મિલીભગતના કૌભાંડો પણ સામે આવ્યા છે. જોકે આવા કિસ્સામાં કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે અને કૌભાંડને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ જે અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરોને કૌભાંડ કરવા અને પોતાના ઘર ભરવા માટે થઈ અને પ્રોત્સાહન આપે છે એવા જ અધિકારીઓ તમે મ્યુનિસિપલ કમિશનર કે ભાજપના શાસકોએ એકપણ અધિકારી સામે કાર્યવાહી કરી નથી.

43ને કાયમી, 69ને એકથી 3 વર્ષ અને 40ની બ્લેકલિસ્ટની મુદ્દત પૂર્ણ નથી થઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલની સ્થિતિએ વિવિધ પ્રકારના ટેન્ડરોમાં ભાગ લેવા માટે 927 કોન્ટ્રાક્ટરો નોંધાયેલા છે. છેલ્લા 17 વર્ષમાં 112 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે પણ આજદિન સુધી એકપણ કિસ્સામાં એક પણ અધિકારી સામે કાર્યવાહી થઈ નથી. 43 કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓ એવી છે કે જેઓને કાયમી બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. જ્યારે 69 કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓ એવી છે કે જેઓને એક વર્ષથી માંડીને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. 8 ફેબ્રુઆરી 2022ની સ્થિતિએ 40 કોન્ટ્રાક્ટરો એવા છે કે જેઓની સામે કરવામાં આવેલી બ્લેકલિસ્ટની મુદત પૂર્ણ થઇ નથી.

કોર્પોરેશનના વિવિધ અધિકારીઓ સામે આરોપ
કોર્પોરેશનમાં ઇજનેર સહિત અન્ય ખાતાઓમાં કામ કરતાં અધિકારીઓ કેટલાંક કોન્ટ્રાક્ટરો કે કંપનીઓને ફાયદો કરાવે છે. જેમાં તેઓ નિવૃતિ પછી કંપનીમાં ભાગીદાર બની જાય છે. નિવૃતિ પહેલાં કોન્ટ્રાક્ટર કમ કંપનીઓનું લાઇઝનિંગ કરે છે પછી ખુદ કંપનીના ભાગીદાર બની જાય છે. હાલમાં કોર્પોરેશનમાં કેટલીય એવી કંપનીઓ છે જેના ભાગીદાર કોર્પોરેશનના નિવૃત અધિકારીઓ છે. જયારે નિવૃતિ પછી ભાગીદાર થવાનું હોય તો તેવા અધિકારીઓ કેવી રીતે પ્રમાણિકતાથી કામ કરતાં હશે તે સૌથી મોટો સવાલ છે. કોર્પોરેશનના અધિકારીઓ નિવૃતિ બાદ ચોક્કસ સમયગાળા સુધી કોન્ટ્રાક્ટર તરીકે તંત્રમાં કામ નહી કરી શકે તેવો નિયમ બનાવવો પણ જરૂરી છે. આ બાબતે તાકીદે તપાસ કરી કસૂરવાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે.

17 વર્ષમાં 112 કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓને બ્લેકલિસ્ટ
અમદાવાદ શહેરના તમામ ઝોન પૈકી એક પણ ઝોન એવો નથી કે, જેની કામગીરીમાં કોઈ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો ના હોય આ રીતે સેન્ટ્રલ વર્કશોપ, વોટર પ્રોજેકટ, સેન્ટ્રલ એંસ, હાઉસિંગ પ્રોજેકટ, એસ.ટી.પી., બ્રિજ પ્રોજેકટ, ગાર્ડન, વોટર પ્રોડક્શન સહિત એક પણ વિભાગ એવો નથી કે, જ્યાં કોન્ટ્રાક્ટર અથવા કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી ના હોય. 17 વર્ષમાં 112 કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા પડ્યાં હોવા છતાં કોઇ પણ અધિકારીની બેદરકારી સામે આવી નથી તે વાત હજમ થાય તેમ નથી. કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા આવે છે પણ તેની પાછળ જવાબદાર અધિકારી સામે કોઇ કાર્યવાહી થતી નથી.

100 કરોડના બીટુમીનના ડુપ્લીકેટ બિલ કૌભાંડ
વર્ષ 2017માં રૂ.440 કરોડના રોડ તુટવાનું કૌભાંડ સામે આવ્યું હતું અને 100 કરોડના બીટુમીનના ડુપ્લીકેટ બિલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં જે. આર. અગ્રવાલ, જીપીસી ઈન્ફા પ્રા. લી. અને આકાશ ઇન્ફા પ્રોજેકટ લિમિટેડ એમ માત્ર ત્રણ કંપનીઓને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. જોકે અન્ય ચાર કોન્ટ્રાક્ટરો સામે જેની સામે ગંભીર આરોપ હોવા છતાં તેઓને છોડી દેવાયા હતાં. માંડ તેઓની પાસેથી નામ પુરતી રિક્વરી કરવામાં આવી હતી. જો કે તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા ન હતાં. સમગ્ર પ્રકરણમાં 7 એડીશનલ ઈજનેર તથા 84થી વધુ અધિકારીઓ સામે પગલાં લેવાયા નથી. આ તપાસ કયારે પૂર્ણ થશે તે પણ મોટો સવાલ છે.

કોન્ટ્રાક્ટરે ઈમેક કંપની સામે ખોટા સર્ટિફિકેટનો આરોપ લગાવ્યો
વર્ષ 2015-21ની કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થાય તે પહેલાંની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. વાસણા વિસ્તારમાં આવેલ બે પમ્પિંગ સ્ટેશનના ત્રણ વર્ષ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી કરવાના ટેન્ડર મંજૂર કરાયા હતા જે પૈકી વાસણા પમ્પિંગ સ્ટેશનનું રૂ. 2.10 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. ઔડા દ્વારા બનાવેલા પમ્પિંગ સ્ટેશનનું રૂ. 4.66 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. આ બંને ટેન્ડર ભરીને ઇન્ટર્નલ ઈ મેક નામની કંપનીએ કામ મેળવ્યા હતા. આપણા દેશની ચલણી નોટ છાપતી મધ્યપ્રદેશની પેપર મીલના કામના અનુભવનું ખોટું સર્ટિફિકેટ મુક્યું હોવાનું પ્રતિસ્પર્ધી કોન્ટ્રાક્ટર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. તે બાબતે અધિકારીઓ દ્વારા ઇન્કવાયરી કરાતાં તે સર્ટિફિકેટ બોગસ હોવાનું જણાયેલ જેથી તેનું એક ટેન્ડર રદ કરાયું હતું.

કોન્ટ્રાક્ટર દ્વારા અન્ય કંપનીના નામે કામ મેળવાય છે
આ કંપની સામે બે વર્ષ પહેલાં બ્લેકલિસ્ટ કરવાની ફાઇલ ચાલી હતી. પણ આજ દિન સુધી કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી. આખી ફાઇલ બે વર્ષથી અભરાઈએ ચડાવી દેવાઈ છે. કોર્પોરેશન દ્વારા એક કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તો તેના પ્રોપરાઈટર કમ કોન્ટ્રાક્ટર દ્વારા તરત જ બીજી કંપનીના નામે કામ મેળવવામાં આવે છે. આમ બ્લેકલિસ્ટની કાર્યવાહીનો કોઈ અર્થ સરતો નથી. હાલમાં પણ બ્લેકલિસ્ટ થયેલી કંપનીઓના માલિકો બીજી કંપનીઓના નામે કરોડો રૂપિયાના કામો મેળવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...