વિવાદાસ્પદ દરખાસ્ત:અમદાવાદમાં આવાસ યોજના બનાવવા કોન્ટ્રાક્ટરે ભાવ વધારો માંગ્યો, અધિકારીઓએ પ્રોજેક્ટમાં 54 કરોડના વધારાની દરખાસ્ત મૂકી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ માં સરખેજ વિસ્તારમાં મકરબા ખાતે 2140 આવાસ બનાવવા માટે યોગી કન્સ્ટ્રક્શન નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ રેતી વગેરે મટીરિયલમાં ભાવ વધારો થતાં ટેન્ડર સમયે જે ભાવ ભર્યો હતો એના કરતા અત્યારે ભાવ વધુ છે એમ કહી અને ભાવ વધારો માંગ્યો હતો. ટેન્ડર સમયે આવાસ યોજના બનાવવાની અંદાજીત રકમ રૂ. 130 કરોડ હતી જે વધીને હવે રૂ.184 કરોડ કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે ભાવ વધારો માંગવામાં આવતા અધિકારીઓએ પણ આ ભાવ વધારા સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકતા અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સવાલ ઉભા કર્યા છે કે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હોવા છતાં પણ સિંગલ બિડરમાં યોગી કન્સ્ટ્રકશનને કામ આપવાની દરખાસ્ત મુકાઈ છે જેને પરત ખેંચવામાં આવે.

વિપક્ષની આંદોલન કરવાની ચીમકી
તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે આ દરખાસ્ત પરત લેવામા આવે અને નવેસરથી ટેન્ડર દ્વારા યોગ્ય ભાવે આ કામ આપવામા આવે. જો ટેન્ડર પરત નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં ચાલતા હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળના EWS આવાસોની વિજિલન્સ તપાસ માંગવામા આવશે અને જરૂ૨ જણાશે તો આંદોલન પણ કરવામાં આવશે.

સરખેજમાં 2140 આવાસ બનાવવાનો પ્રોજેક્ટ
સ્ટેન્ડિંગ કમિટીમાં સરખેજમાં આવેલા મકરબામાં 2140 જેટલા આવાસ બનાવવા માટે કાર્પેટ એરીયા આધારિત કુલ 60530 ચો.મી.ના કામ માટે રૂ.21500 પ્રતિ ચોરસ મીટ૨ના ભાવ મુજબ ટેન્ડરની અંદાજીત રકમ રૂ. 130.11 કરોડ રાખવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા ઓનલાઇન હોવા છતાં સીંગલ બીડર યોગી કન્સ્ટ્રકશન કંપનીને આ કામ આપવાની દરખાસ્ત મુકવામા આવી છે. સીંગલ બીડર તરીકે યોગી કન્સ્ટ્રકશન દ્વારા આ કામમાં 25.12% જેવો ધરખમ ભાવ વધારો માંગવામાં આવ્યો છે જેની સામે નેગોશીયેટ કર્યા બાદ નજીવો 0.27 ટકાનો ઘટાડો કરી 24.85 ટકાના ભાવ વધારા સાથે આ કામ આપવાની દરખાસ્ત છે. આ ભાવ વધારા પ્રમાણે પ્રતિ ચો.મી. રૂ.21500 ના બદલે પ્રતિ ચો.મી. રૂ. 26842 પ્રમાણે રૂ.162.45 કરોડ અંદાજવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમા બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર, આકીટેકચરલ સ્ટ્રકચર કન્સલ્ટન્સી, રેરા રજીસ્ટ્રેશન તથા અન્ય એનઓસીના ખર્ચ સાથે રૂ. 184.22 કરોડની રકમ થાય છે. જે ગણતા રૂ. 54.10 કરોડનો વધારો માંગવામા આવ્યો છે જે અયોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...