ફરી પાટીદારો એકઠાં થશે:કાલે વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ, 31000 દીવડાઓનો દીપોત્સવ થશે, CM-પૂર્વ CM હાજર રહેશે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા સવારે 8 વાગ્યે ભવ્ય શોભાયાત્રા યોજાશે. - Divya Bhaskar
મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા સવારે 8 વાગ્યે ભવ્ય શોભાયાત્રા યોજાશે.
  • પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે
  • વિશ્વભરમાં પરિભ્રમણ કરેલાં ગંગાજળ ભરેલાં 108 નીધિ કળશ અને 500થીવધુ જવેરા સાથેની શોભાયાત્રા યોજાશે

અમદાવાદના જાસપુર ખાતે આવતીકાલે એટલે કે 22 નવેમ્બરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બેનર હેઠળ પાટીદાર અગ્રણીઓ ભેગા થશે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણીઓ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ પણ સામેલ થશે.

આ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા સવારે 8 વાગ્યે ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલાં ગંગાજળથી ભરેલાં 108 નીધિ કળશ અને 500થીવધુ જવેરા સાથેની શોભાયાત્રા માલાબાર કાઉન્ટી(નિરમા યુનિવર્સિટી પાછળ) એથી શરૂ થશે.

ક્યારે કયો કાર્યક્રમ યોજાશે

  • સવારે 8.30 કલાકે શતચંડી મહાયજ્ઞની શરુઆત
  • 9.30 કલાકથી શ્રી મહાયંત્ર પુજા
  • 12.30 કલાકથી 108 નીધિ કળશનું મંદિર પરિસરમાં પુજન
  • બપોરે 5 કલાક શ્રી શતચંડી મહાયજ્ઞની પુર્ણાહૂતિ
  • સાંજે 5.30 કલાકથી મંદિર નિર્માણ કાર્યારંભ સમારોહ
  • સાંજે 7 કલાકે 31000 દિવડાઓનો દિપોત્સવ, જેમાં મંદિરની આકૃતિના આકારમાં દિવડા પ્રગટાવાશે
  • મહાયજ્ઞનું આયોજન, 100 યજમાનો ભાગ લેશે

62 કરોડનું દાન આપનારો નદાસા પરિવાર શતચંડી યજ્ઞમાં બેસશે
કોરોનાના કારણે મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થઇ શકી ન હતી. જેથી હવે મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થઈ રહી છે. જે માટે મહાયજ્ઞ, એટલે કે શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય દાતા નદાસા પરિવાર કે જેમને 62 કરોડનું દાન ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ માટે આપ્યું છે, તેઓ યજ્ઞમાં બેસવાના છે. સાથે સાથે અન્ય 100 યજમાનો પણ આ યજ્ઞમાં ભાગ લેશે.

31 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર થશે
આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સવારે 8:30થી સાંજે 5 કલાક સુધી આ મહાયજ્ઞ ચાલશે, જે બાદ મહાઆરતી કરવામાં આવશે. એટલું નહીં જ નહિ પરંતુ 31 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. સાથે સાથે 108 કળશ કે જે ગુજરાત સહિત દેશ-વિદેશમાં યજમાનો લઈને ફર્યા હતા, જે તમામ કળશો મંદિરના ગર્ભગૃહમાં સ્થાપીને પૂજન કરવામાં આવશે તથા JCB સહિત અન્ય ઓજારો ઉપકરણોની પૂજા કરીને મંદિર બનાવવાની પ્રત્યક્ષ રીતે શરૂઆત કરવામાં આવશે.

100 વીઘામાં તૈયાર થશે મંદિર પરિસર
29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.

જમીનથી 52 ફૂટ ઊંચે મા ઉમિયાની મૂર્તિ સ્થપાશે
જાસપુરમાં 100 વીઘા જમીનમાં બનવા જઈ રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલોનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે.

કૂર્મ શીલા, નંદ શિલા સહિત 9 વિશેષ શિલા પર તૈયાર થશે
મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય 9 શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા- કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ 500 દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 500 શિલાઓ તથા 108 કળશનું પૂજન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામમાં એક હજાર કરોડના ખર્ચે ઉમિયા મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

ભીડ ન થાય તે માટે ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સિસ્ટમ
વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસના બીજા દિવસે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. તેમણે ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં જુદી છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે.

આ તમામ મંદિરોમાં લોકોની ભીડ થાય ત્યારે અફરાતફરી થતી હોય છે. આવી સમસ્યાને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇન તૈયાર કરાઈ છે. ઉપરાંત મંદિરના ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સિસ્ટમ મુકાશે, જેથી મંદિરમાં ભીડ નહિં થાય.