રાજકારણની ડિજિટલ રણનીતિ:ભાજપના NFC કાર્ડ સામે કોંગ્રેસની ‘સત્યાગ્રહ એપ’, અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટાની 40 સીટો જીતવા કોંગ્રેસની વ્યૂહરચના

અમદાવાદએક મહિનો પહેલા
  • કોંગ્રેસ સત્યાગ્રહ APPથી આદિવાસીઓના પ્રશ્નોની નોંધણી કરશે
  • વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ડિજિટલ વોરિયર્સ તૈયાર
  • AAPની ગેરીલા એટેક સ્ટ્રેટેજી સામે ભાજપની 3i સ્ટ્રેટેજી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે યોજાય,પરંતુ ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા રણનીતિ ફુલ એક્શન મોડમાં છે. ત્રણેય રાજકીય પક્ષોએ 'ડિજિટલ વોરિયર્સ' તૈયાર કરી દીધાં છે. ભાજપે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજથી તરત જ જોડી શકાય એવા NFC (Near Field Communication - નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન) કાર્ડ ભાજપના સોશ્યિલ મીડિયાના વોરિયર્સને આપ્યાં છે. બીજી તરફ AAPની ગેરીલા એટેક સ્ટ્રેટેજી સામે ભાજપની 3i(Idea, Imagination & Implementation)સ્ટ્રેટેજી પણ કામે લાગી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

રાહુલ ગાંધીએ સત્યાગ્રહ એપ લોન્ચ કરી હતી
કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ અભિયાનની શરૂઆત કરીને સત્યાગ્રહ એપ લોન્ચ કરી છે. આ એપ્લિકેશન થકી એક અભિયાન પાર્ટીના કાર્યકરો દ્વારા ચલાવવામાં આવશે, જેઓ તેમના બૂથ વિસ્તારોમાં ઘરે-ઘરે જશે અને દરેક ઘરની વિગતો અને તેમની ફરિયાદો નોંધવા માટે સત્યાગ્રહ એપ્લિકેશનનો ઉપયોગ કરશે. કોંગ્રેસ દ્વારા ધીમે ધીમે અમે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોને ગુજરાતીઓની સમસ્યાઓ અને જરૂરિયાતોને પ્રકાશિત કરતી માહિતી સાથે આવરી લેવાશે.

કોંગ્રેસની સત્યાગ્રહ એપ
કોંગ્રેસની સત્યાગ્રહ એપ

સત્યાગ્રહ એપમાં આદીવાસીઓના પ્રશ્નોની નોંધણી થશે
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, દાહોદ ખાતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત કરી હતી. અંબાજીથી ઉમરગામ એટલે કે પૂર્વ પટ્ટામાં આદીવાસી સમાજના પ્રભુત્વ ધરાવતી 40 સીટો પર લોકોને તેમના હક મળે તે માટે સત્યાગ્રહ નામની એપ્લિકેશન કોંગ્રેસ પક્ષ દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ એપમાં લોકોના પ્રશ્નોની નોંધણી થશે. જેના થકી આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારમાં 10 હજારથી વધુ ચોપાલ કરશે. 10 લાખ પરિવારો સાથે સીધી મુલાકાત કરશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં આ એપ થકી અમે લાખો પરિવારોની સીધી મુલાકાત કરીશું.

ભાજપના નેતાઓને સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવા ટાસ્ક
ગુજરાતમાં કોંગ્રેસ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના આગમનને પગલે પ્રચારનું યુદ્ધ ટેકનોલોજીમય બન્યું છે. આ કારણે ભાજપે પણ પ્રચાર માટેની ટેકનોલોજીમાં ઘણા ફેરફાર કર્યા છે. ખાસ કરીને AAP અને તેના વડા અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખૂબ એગ્રેસિવ છે. આ જોતાં તેઓ સોશિયલ મીડિયા વોરમાં ટૂંક સમયમાં જ મેદાન મારી જશે, એવું ભાજપની સોશિયલ મીડિયા ટીમને લાગી રહ્યું છે. આ કારણથી ભાજપના નેતાઓને સોશિયલ મીડિયામાં તેમની હાજરી વધારવા અને વધુ ફોલોઅર્સ તથા લાઈક માટે કમર કસવાની સૂચના આપી દેવાઈ છે.

AAPએ ગેરીલા એટેકની પદ્ધિતિ અપનાવી
ભાજપને ટક્કર આપવા માટે AAP હવે પંજાબ પેટર્ન મુજબ પ્રજામાં એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરી રહી છે. આ માટે AAPએ ગેરીલા એટેકની પદ્ધિતિ અપનાવી છે અને ભાજપના વિકાસ મોડલ પર જ પ્રહાર કરી રહી છે. AAPની દિલ્હી સરકારે આપેલી શિક્ષણ, વીજળી અને પાણી માટેની ફ્રી સુવિધાની યોજનાઓની તેઓ ગુજરાત સાથે તુલના કરી રહી છે. આ રીતે તેઓ ગુજરાતની ભાજપ સરકારને ભીંસમાં લઈ રહી છે, જેથી તેના નેતાઓ ઉશ્કેરાઈ જાય છે.સરકારી શાળાઓમાં મળતા શિક્ષણ અને સરકારી હોસ્પિટલોમાં મળતી સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યાં AAPએ નવી હોસ્પિટલો પણ બનાવી છે, જેના કારણે વિકાસનું દિલ્હી મોડલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.હવે કેજરીવાલ આ મોડલનો ગુજરાતમાં પ્રચાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...