AMCમાં રૂ. 400 કરોડનું કૌભાંડ!:અધિકારીઓને સામાન્ય સજા કરાતા કોંગ્રેસનું મ્યુનિ. કમિશનર ઓફિસ બહાર પીપૂડા, ખંજરી વગાડી વિરોધ પ્રદર્શન

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરોધ કરી રહેલા કોંગ્રેસના કોર્પોરેટરો અને નેતાઓ - Divya Bhaskar
વિરોધ કરી રહેલા કોંગ્રેસના કોર્પોરેટરો અને નેતાઓ
  • ડમી મ્યુનિ. કમિશનર બનાવી તેમના કાનમાં હેન્ડ્સ ફ્રી અને ગળામાં બેનર પહેરાવ્યું
  • વિરોધ બાદ મ્યુનિ. કમિશનર મીડિયા વગર વિરોધ પક્ષને નેતાને મળવા રાજી થયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂ. 400 કરોડના રોડ કૌભાંડ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જવાબદાર અધિકારીઓને માત્ર સામાન્ય દંડ કરવામાં આવ્યો હતો. આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા વિરૂદ્ધ આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ડમી મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાને બનાવી લાવ્યા હતા. કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવી અને ગળામાં 'નામ હે લોચન સહેરા, ભ્રષ્ટાચાર કે નામ પે હું બહેરા'નું ગળામાં બેનર પેહરાવ્યું હતું.

લોચન સહેરા વિરુદ્ધ કોંગ્રેસનો સૂત્રોચ્ચાર
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં આજે કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને લોચન 'સહેરા હોંશ મેં આઓ, હોંશ મેં આઓ' ના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેમણે ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. વિપક્ષ દ્વારા કમિશનરને મળવાની માગ કરાઈ હતી. પરંતુ તેઓને મળવા દેવામાં આવ્યા ન હતા. જાળીઓ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી.

ડમી મ્યુનિ. કમિશનર બનાવી તેમના ગળામાં બેનર પહેરાવાયું
ડમી મ્યુનિ. કમિશનર બનાવી તેમના ગળામાં બેનર પહેરાવાયું

4થી 6 ઇન્ક્રીમેન્ટનો દંડ કરી અધિકારીઓને બચાવી લેવાનો આક્ષેપ
નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કમિશનર લોચન સહેરા દ્વારા વર્ષ 2017માં રૂ. 400 કરોડના રોડ કૌભાંડ મામલે અધિકારીઓ સામે માત્ર 4થી 6 ઇન્ક્રીમેન્ટનો દંડ આપવા સુધીની સજા કરી તેમને બચાવી લેવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. કોંગ્રેસ દ્વારા આજે ડમી મ્યુનિસિપલ કમિશનર ઉભા કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. કમિશનરની ઓફિસ બહાર 'હાય રે કમિશનર હાય હાય'ના નારા લાગ્યા
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મ્યુનિ. કમિશનરને મળવાની માગ કરી હતી, પરંતુ પોલીસ અને બાઉન્સરોએ દરવાજા બંધ કરી દીધા હતા. મ્યુનિસિપલ કમિશનર ઓફિસ બહાર જ 'હાય રે કમિશનર હાય હાય'ના નારા લગાવ્યા હતા. જાળી ન ખોલતા તેઓએ જાળી ખખડાવી હતી. મ્યુનિસિપલ કમિશનર ઓફીસ બહાર પીપૂડા, ખંજરી વગાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા 15 મીનીટમાં જ મ્યુનિસિપલ કમિશનર વિપક્ષના નેતાને મળવા તૈયાર થઈ ગયા હતા. જો કે તેઓએ મીડિયાને સાથે રાખવાની મનાઈ કરી દીધી હતી. મીડિયાને અંદર આવવાની મનાઈ ફરમાવી દીધી હતી.

શું હતો મામલો?
2017ના ચોમાસા દરમિયાન લગભગ તમામ વિસ્તારના રોડ ધોવાઇ ગયા હતા અને વિજિલન્સ તપાસ પણ થઈ હતી. સમગ્ર મામલે હાઇકોર્ટે સુઓમોટો લેતા ઇજનેર વિભાગની સીધી સંડોવણી સામે આવી હતી. જે બાદ સમગ્ર પ્રકરણમાં વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવી હતી. 110 જેટલા ઇજનેરો સામે આ પ્રકરણમાં તપાસ કરવામાં આવી હતી. અગાઉ વિજિલન્સ તપાસ બાદ 110 ઇજનેરો પૈકી 87 ઇજનેરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. જેમાં તે સમયે પણ ઇજનેરોને સામાન્ય દંડ કરવામાં આવ્યો હતો. નિવૃત્ત જજ દ્વારા તપાસ બાદ સમગ્ર પ્રકરણમાં ગુરુવારે 9 આસિસ્ટન્ટ ઇજનેર, 7 આસિસ્ટન્ટ સિટી ઇજનેર અને 4 ડેપ્યુટી સિટી ઇજનેર તથા 3 એડિશનલ સિટી ઇજનેરને કસૂરવાર ઠેરવી તેમને 4 થી 6 ઇન્ક્રીમેન્ટ રોકવા જેટલી રકમનો દંડ કેમ ન કરવો તે બાબતે શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. જો આ અધિકારીઓને 4થી 6 ઈન્ક્રીમેન્ટનો દંડ થાય તો પણ મહત્તમ રકમ રૂ.15 હજારથી વધુ નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...