દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદાના હુલામણા નામથી ફેમસ છે, સ્વભાવે પણ સરળ છે. તેઓ નિષ્ઠાથી કરી કામ રહ્યા હોવાનું ભાજપ જ નહીં જનતા પણ માને છે. પરંતુ ખબર નહીં મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા કેટલાક માણસોના કારણે દાદાની ‘ઇમેજ’ બગડી રહી છે. દાદા જનતાને કહેતા ફરે છે કે ગુજરાતની સામાન્યમાં સામાન્ય પ્રજા અને નાગરિકો માટે મુખ્યમંત્રી કાર્યાલયના દ્વાર ખુલ્લા છે. કોઇપણ પ્રકારની ઓળખાણ ન હોય તે વ્યક્તિ પણ મુખ્યમંત્રીને સીધા મળી શકે છે. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મુખ્યમંત્રીની ચેમ્બર સુધી પહોંચવામાં જ સાત કોઠા પાર કરવા પડતા હોવાની ફરિયાદો થાય છે.
પટેલ-પાટીલની જોડી પરિણામ લાવી શકશે તો જ અપેક્ષા પર ખરા ઉતરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેના પર સૌથી મોટો ભાર છે એવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દોડધામ કરી રહ્યા છે, આવા સમયે વડાપ્રધાન મોદીએ પણ જાહેરમાં પટેલ-પાટીલની જોડીના ભરપેટ વખાણ કરતા કહ્યું હતું કે, હું મારા સમયકાળમાં જે કરી શક્યો નથી તે મારા સાથીઓ કરી રહ્યા છે. પટેલ અને પાટીલની જોડી ને ઉર્જાવાન પણ કહી હતી. વડાપ્રધાને વખાણ કરી બંનેને નવી ઉર્જા આપી હોવાનું ભાજપના નેતાઓ માની રહ્યા છે. તે જોતા હવે આગામી દિવસોમાં પટેલ અને પાટીલની જોડીની ફાઇનલ પરીક્ષા આવી રહી છે, તેમાં તેમનું પરિણામ દેખાશે. વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકોનો ટાર્ગેટ પુરી કરી શકે છે કે નહીં તેની પણ ખબર પડશે કે જોડી જામે છે કે નહીં.
નરેશ પટેલ મામલે કોંગ્રેસની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી છે
ગુજરાત કોંગ્રેસની હાલત સાપે છછુંદર ગળ્યો હોય એવી થઈ ગઈ છે, એનું મૂળ છે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ. આ નરેશભાઈ નથી કોંગ્રેસમાં આવતા, નથી કે કોંગ્રેસનું માળખું બનતું. કોંગ્રેસ હાઇકમાન્ડે નરેશ પટેલ માટે અલગ અલગ ઓફર સાથેની જગ્યા ખાલી રાખી છે. પરંતુ નરેશભાઈ તો થોડા થોડા દિવસે મુદત પર મુદત પાડીને કોંગ્રેસમાં આવવું છે કે નહીં એ પણ ફોડ પાડીને કહેતા નથી. જેના લીધે ચૂંટણી માથે હોવા છતાં કૉંગ્રેસની નવી નિમણૂંકો અટવાઈ ગઈ છે. હવે તો કોંગ્રેસના નેતાઓ પણ કંટાળ્યા છે કે, ભાઈ નરેશ પટેલને આવવું હોય તો આવે આપણે તો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરીએ, નહીં તો છેલ્લે નરેશભાઈ 'રોન' કાઢીને રાજકારણ માં જ નહીં આવે તો?
વાઘાણી કાર્યકરોના ફોન ઉપાડતા નથી ને વાલીઓને કહ્યું, તકલીફમાં મને ફોન કરજો
બોલો, ગુજરાતના શિક્ષણમંત્રીએ હમણાં જ એવી જાહેરાત કરી કે,વિદ્યાર્થી તથા તેના વાલીઓને ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી ગણવેશ, શૂઝ, પુસ્તક, સાહિત્ય જેવું મટીરિયલ કે કોઇ ચોક્કસ કંપનીનું મટિરિયલ ખરીદવા માટે મજબૂર કરે તો શિક્ષણમંત્રીને ફરિયાદ કરી શકે છે. હવે વાત એમ છે કે, જિતુભાઈ ફોન જ ના ઉપાડતા હોવાની ફરિયાદો ભાજપના જ નેતાઓ અને કાર્યકરોએ મુખ્યમંત્રી સુધી કરી છે. હવે વિચારો જે મંત્રી પોતાના પક્ષના નેતાઓને જ જવાબ નથી આપતા તો જનતાનો અવાજ સાંભળશે કે નહીં તે જ મોટો સવાલ છે.
ગુજરાતના CMનું બ્રાન્ડિંગ કરી રહ્યા છે PM
ગુજરાતમાં રૂપાણી સરકાર પછી દાદાની સરકાર આવી ત્યારથી આ નવી સરકાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય સરકારના વિકાસ કેમ્પેઇન માટેનો સમય વધવુ ફાળવે તે સ્વભાવિક છે. પરંતુ અગાઉના ગુજરાતના સીએમને જે લાભ નહોતો મળતો, તે લાભ હાલના સીએમને મળી રહ્યો છે. ગુજરાતની તમામ મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પટેલના સરળ સ્વભાવનું બ્રાન્ડિંગ કરવાની કવાયત હાથ ધરી છે. પીએમ ભૂપેન્દ્ર ભાઇને ખાસ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહીને સંબોધે છે. આમ ભૂપેન્દ્રભાઈને નવી ઇમેજ પીએમ આપે છે તેનાથી મોટું શું હોય તેમ ભાજપના જ આગેવાનો કહી રહ્યા છે.
LG તરીકે વિનય સકસેના દિલ્હીની પીચ પર
ગુજરાતમાંથી કામગીરી કરીને જાણીતા થયેલા અને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરી ચુકેલા વિનયકુમાર સકસેના હવે દિલ્હીના ગવર્નર તરીકે નિમાયા છે. આસંજોગોમાં હવે કેજરીવાલ સરકાર પર મજબૂત વોચ રહેશે, તેની સાથે લેફટનન્ટ ગવર્નર-એલજી તરીકેની નિમણૂંક પહેલાં તેમણે કેન્દ્ર સરકારના ખાદી વિકાસ બોર્ડ-KVYCમાં મજબૂત કામ કરીને બતાવ્યું હતુ. જેની નોંધ PMO(વડાપ્રધાન કાર્યાલય) લીધી છે, સાથે ખેડૂતોની આવક વધારવાના આશયથી મધ દ્વારા સ્વીટ રેવોલ્યૂશન લાવવાનાં કામમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.
ગુજરાતમાં સંઘર્ષ સમયે સક્સેનાનો મહત્ત્વપૂર્ણ રોલ હતો
હવે આ મધમાખી પાલનમાં કડી બનેલા અધિકારી કમ નેતાના રોલમાં બંધારણીય પદ પર બિરાજમાન સકસેના કેટલી સ્વીટ રેવોલ્યૂશન કરશે તેના પર આપ અને ભાજપના નેતાની પણ નજર છે. વિનય સક્સેનાએ ગુજરાતમાં પણ સંઘર્ષના સમયે મહત્વનો રોલ અદા કર્યો હતો. સકસેનાએ મેધાપાટકરના નર્મદા વિરોધી આંદોલન સમયે અદાલતમાં જવા જેવા પગલાં લીધા હતા. સાથે સાથે નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના પ્રમુખ તરીકે તેમણે ગુજરાતનાં જ ગવર્નર તરીકે કમલા બેનીવાલ હતા ત્યારે રિટાયર્ડ જજ આરએ મહેતાને લોકાયુક્ત તરીકે નિમવાના નિર્ણયના વિરોધમાં હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
હૈદર સાહેબ કયાં છે?
હાલ કલાઇમેટ ચેન્જ વિભાગ અને શિક્ષણ વિભાગના સચિવ એસ.જે. હૈદર ચર્ચામાં છે. ચર્ચા એવી છે કે વિવિધ વિભાગમાં તપાસ આવવાને પગલે તેઓ રજા પર ઉતરી ગયા છે. તો કેટલા સૂત્રો એવું કહી રહ્યા છે કે એવું કંઇ નથી, તેમના ફેમિલીમાં ફંકશન કે કોન્વોકેશનમાં હાજરી આપવા ગયા હોવાથી બે અઠવાડિયાની રજા પર છે. હવે એસ.જે. હૈદરની ગેરહાજરીને લઇને વિવિધ તર્ક અધિકારી અને મીડીયામાં થવા માંડ્યા છે કે આખરે હૈદર સાહેબનીશી ખબર છે.
અધિકારીઓની બદલી-નિવૃત્તિને પગલે લેણું કઢાવવું મુશ્કેલ
રાજ્ય સરકારે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કર્યુ હતું. તે સમયે કોરોનાના કેસ વધુ હતા, ત્યારબાદ ડિફેન્સને એક્સ્પો યોજવાનો હતો. આ દરમિયાન રશિયા-યુક્રેન વોર નડી ગયું. પરંતુ સરકારના આયોજન છેલ્લા દિવસોમાં જ રદ થવાને પગલે કેટલાક લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું. તો કેટલાકનાં નાણાં વેડફાઈ ગયા. આ પ્રકારના એકઝિબિશન કે નાના મોટા કામ કરનારા કારીગરોના જુથને હજુ છ મહિના બાદ પણ ઉદ્યોગ કમિશનર ઓફિસના ધક્કા ખાવા પડે છે.
તો બીજુ બાજુ એવા જવાબ મળે છે કે, નાણાં ચૂકવાશે. જો કે આવા સરકારી નાણાં કાઢવાની મુશ્કેલીને પગલે કેટલાક કારીગર અને નાના વેપારીઓ નાણાં ખેંચ અનુભવી રહ્યા છે અને તેમના કારીગરોને પણ નાણાં મળવામાં તકલીફ પડી રહી છે. ઉદ્યોગ વિભાગના અધિકારી જ કહે છે કે, ઉદ્યોગ વિભાગ CMOની રાહ જુએ છે કે કોઇ રસ્તો સુઝાડે, નહીંતર પછી ફરી મોટી ઇવેન્ટ યોજવી અઘરી પડે તેમ છે.
સહકાર સંમેલન કોનું હતું?
રાજ્યમાં તાજેતરમાં રાષ્ટ્રીય સહકાર સંમેલન યોજાયુ હતું. જેમાં મોટાપાયે સહકારી મંડળી, તમામ સહકારી ક્ષેત્રનો અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમાં સહકારી આગેવાનોનો સંપર્ક કરતાં તમામને આખોય કાર્યક્રમ શું છે, તેની જાણ ન હતી. પરંતુ તેઓ સહકારી ક્ષેત્રના કયા મુદ્દાઓની વાત થશે કે સહકારી આગેવાનો શું માને છે તે તેમની વાતો રજુ થશે તે જાણતા ન હતા. ચારથી પાંચ સહકારી નેતાઓએ સીધું સટ જ કહી દીધું હતું કે આ સહકારી સંમેલન સરકારનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.