પેગાસસ વિવાદ:કોંગ્રેસ સત્તા વિના તરફડે છે, સ્પાયવેરનો મુદ્દો ઉછાળવાનું કૃત્ય વિપક્ષની દેશવિરોધી માનસિકતા છતી કરે છેઃ CM રૂપાણી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દેશમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી તેવી સ્પષ્ટ વાત ભારત સરકારે કરી છેઃ મુખ્યમંત્રી - Divya Bhaskar
દેશમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી તેવી સ્પષ્ટ વાત ભારત સરકારે કરી છેઃ મુખ્યમંત્રી
  • આ વિવાદ ફ્કત એક યોગાનુયોગ નથી પણ આત્મનિર્ભર બની રહેલા ભારત દેશ વિરુદ્ધ બદલાની ભાવના છેઃ મુખ્યમંત્રી

ભારતમાં મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, પત્રકારો, કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા અગ્રણીઓ, બિઝનેસમેન, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, એક્ટિવિસ્ટ સહિત આશરે 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે. ધ વાયરના એક અહેવાલ પ્રમાણે, તેમાં 40 પત્રકારનો સમાવેશ થાય છે. આ વિવાદ અંગે આજે મુખ્યમંત્રી રૂપાણીએ પણ વિપક્ષ અને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે.

‘કોંગ્રેસ દેશની પ્રતિષ્ઠા ખરડી સત્તામાં આવવા વલખા મારી રહી છે’
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, વિદેશી તાકતોનો હાથો બની કોંગ્રેસ ભારતની પ્રતિષ્ઠાને નુકશાન કરી રહી છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ પેગાસસ સ્પાયવેરનો મુદ્દો ઉછાળવાનું કૃત્ય વિપક્ષની દેશવિરોધી માનસિકતા છતી કરે છે. કોંગ્રેસે ઘણા દાયકા સુધી સત્તા ભોગવી છે, આથી હવે જેમ પાણી વગર માછલી તરફડે તેમ સત્તા વગર તરફડી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ખરડી સત્તામાં ફરી આવવા વલખા મારી રહી છે પણ કોંગ્રેસની મેલી મુરાદ બર આવવાની નથી.

‘કોંગ્રેસ વિકાસની રાજનીતિનો ઠાલો વિરોધ કરી રહી છે’
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંસદમાં નવનિયુક્ત મંત્રીઓનો પરિચય આપવાનો શિરસ્તો નિભાવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે દખલ પહોંચાડીને સંસદીય પ્રણાલીનો ભંગ કર્યો છે. કોંગ્રેસ સત્તા વિમુખ થયા પછી વિપક્ષ તરીકેની રચનાત્મક ભૂમિકા ભજવવાને બદલે વિકાસની રાજનીતિનો ઠાલો વિરોધ કરી રહી છે. ફોન ટેપિંગનો મુદ્દો જે એજન્સીએ ઉઠાવ્યો છે તેણે પેગાસસ સોફ્ટવેર ભારતમાં યુઝ થયો હોય કે સોફ્ટવેરના ડેટાનો વપરાશ થયો હોય તેવા પુરાવા આપ્યા નથી. દેશમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી તેવી સ્પષ્ટ વાત ભારત સરકારે કરી છે.

‘કોંગ્રેસ અનેક રાષ્ટ્રવિરોધી ગેંગની સમર્થક’
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આશ્ચર્યની વાત એ છે કે 45 દેશ કથિત રીતે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ભારત, કે જેણે પેગાસસનો ઉપયોગ કરવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે તેને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને બાકીના દેશો આમાં ક્યાંય ચિત્રમાં જ નથી. કોંગ્રેસ સહિત વિપક્ષ ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક સામે સવાલો ઉઠાવવા, રાફેલ ડીલનો અપપ્રચાર, કૃષિ કાયદા વિરુદ્ધ પ્રચાર જેવા કૃત્યો કરી ચૂક્યું છે. ભારતના ટુકડે-ટુકડા કરવાના નારા લગાવનારી ગેંગ, સેનાને બદનામ કરવા વાળી અર્બન નક્સલ ગેંગ, આતંકવાદી અફઝલની ફાંસી પર સુપ્રીમ કોર્ટને હત્યારી કહેવા વાળી ગેંગ, આવી અનેક રાષ્ટ્રવિરોધી ગેંગના લોકોની સમર્થક-ચિંતક તેઓ રહ્યા છે. આ જ વિપક્ષનું ચરિત્ર છે.

‘સાવ નકલી અને મનઘડત જાસૂસી પ્રકરણ વિપક્ષે ઉભું કર્યું ’
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારતના વિકાસને અમુક ચોક્કસ તાકાતો દ્વારા ખતરા તરીકે જોવામાં આવે છે. સંસદના ચોમાસુ સત્ર પૂર્વે ઊઠેલો આ વિવાદ એક યોગાનુયોગ નથી પણ આત્મનિર્ભર બની રહેલા ભારત દેશ વિરુદ્ધ બદલાની ભાવના છે. 2013માં એક RTIના જવાબમાં UPA સરકારે દર મહિને 9 હજાર ટેલિફોન અને 500 ઇ-મેઇલ એકાઉન્ટ પર નજર રખાતી હોવાનો સ્વીકાર્યું હતું. તાજેતરમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારનું ફોન ટેપિંગ પ્રકરણ પણ સામે આવ્યું હતું. ભારતની છબિને ખરડવા સાવ નકલી અને મનઘડત જાસૂસી પ્રકરણ વિપક્ષે ઉભું કર્યું છે.