ગુજરાત કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. બીજી તરફ હાર્દિક પટેલ દ્વારા પણ પક્ષની સામે સવાલો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તાજેતરમાં 25 નેતાઓને વાઈસ પ્રેસિડેન્ટ, 75 જનરલ સેક્રેટરી અને 19 જિલ્લા-શહેર પ્રમુખ જાહેર કર્યા હતાં. હવે કોંગ્રેસ દ્વારા વધુ એક નવા સંગઠનની તૈયારી કરવામાં આવી છે. ટુંક સમયમાં જ પ્રદેશ કોંગ્રેસ સંગઠનનું પાર્ટ - 2 જાહેર કરશે. જેમાં 182 સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે.આ ઉપરાત નવા ત્રણ કાર્યકરી પ્રમુખ નિમણૂક કરી શકે છે. કોળી સમાજ, ક્ષત્રિય સમાજ અને દલિત સમાજમાંથી કાર્યકારી પ્રમુખમાં યુવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતાઓ છે.
તમામ જિલ્લા અને સમાજના પ્રતિનિધિઓને સ્થાન અપાશે
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં વધુ એક સંગઠન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની જાહેરાત થવામાં વાર લાગશે. કોંગ્રેસના બીજા સંગઠનમાં 182 મંત્રી હશે. તેમને એક વિધાનસભા બેઠક દિઠ પ્રદેશ કક્ષાથી જવાબદારી સોંપવામા આવશે. આ ઉપરાત 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે. મંત્રી એટલે સેક્રેટરી સાથે જોઇન્ટ સેક્રેટરી નિમણૂક પણ કરાશે. કોંગ્રેસ નવું સંગઠન વિધાનસભા ચૂંટણી ધ્યાને રાખી જમ્બો હશે. તમામ જિલ્લા અને સમાજના પ્રતિનિધિઓને સ્થાન અપાશે.
અન્ય મહામંત્રીઓને શહેર અને જિલ્લા પ્રભારી બનાવાશે
તમામ 182 મંત્રીઓને વિધાનસભા બેઠક દિઠ પ્રભારી બનાવાશે. અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપ પ્રમુખ અને મહામંત્રી જાહેરાત કરાઇ હતી. જેમાંથી 26 લોકસભા બેઠક દિઠ એક ઉપ પ્રમુખ અને એક મહામંત્રીને ઇન્ચાર્જ બનાવાશે. આ ઉપરાત અન્ય મહામંત્રીઓને શહેર અને જિલ્લા પ્રભારી બનાવામા આવશે.દરેક વિધાનસભા દિઠ સેક્રેટરી ઉમેદવાર પંસદગી માટે રીપોર્ટ તૈયાર કરશે. જે લોકસભા ઇન્ચાર્જ પાસે જશે. અને ત્યાર બાદ ચાર સહ પ્રભારી છે જેઓ ઝોન દિઠ ઇન્ચાર્જ હશે. તેઓ પાસે ઉમેદવારનો અહેવાલ એટલે કે રીપોર્ટ આપવામા આવશે.
નારાજ મતદારોની જ્ઞાતિના આગેવાનોને અગ્રીમ હરોળમાં લવાશે
2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવ અંગેનું એનાલિસિસ કર્યા બાદ હાઇકમાન્ડ પણ 2022ની ચૂંટણી માટે ફરીવાર માધવસિંહ સોલંકીની KHAM થિયરી અપનાવવા જઈ રહી હોય તેવું કોંગ્રેસના જ વરિષ્ઠ નેતાઓ માની રહ્યા છે. કેમકે જે મતદારો 2017માં ભજપથી વિમુખ થયા હતા તે ફરી 2022માં કોંગ્રેસને મત આપે, તેની સાથે કોંગ્રેસના કમિટેડ મતદારો કે જે પ્રદેશ નેતાઓથી નારાજ છે, તેમને પણ એવો અહેસાસ થાય કે હવે કોંગ્રેસમાં આપણા સમાજ-જ્ઞાતિના આગેવાનોને અગ્રીમ હરોળમાં લાવે છે, તો આવા મતદારો પણ ફરી એકવાર કોંગ્રેસ ને સાથ આપી શકે છે.
2017માં નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ બહુમતી આપી
ગુજરાત કોંગ્રેસમાં ઘણા વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબ્જેદાર હોય તેવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેના કારણે પણ કોંગ્રેસનો મતદાર ડાયવર્ટ થઈ રહ્યો હતો. એટલું જ નહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠકો બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.