તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરાજય બાદ રાજીનામું:કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું, હાઈકમાન્ડે સ્વીકારી લીધુ, નવા પ્રમુખ માટે NSUIના નેતાઓ એક્ટિવ થયા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ પ્રમુખ ચાવડા અને વિપક્ષના નેતા ધનાણીનું રાજીનામું મંજુર થયું - Divya Bhaskar
પ્રદેશ પ્રમુખ ચાવડા અને વિપક્ષના નેતા ધનાણીનું રાજીનામું મંજુર થયું
  • કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપતા જ ગણતરીની મિનિટોમાં NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા
  • મહાનગર પાલિકામાં પરાજય બાદ પાંચ શહેરોના પ્રમુખોએ રાજીનામાં આપ્યાં હતાં

ગુજરાતની મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસના પાંચ શહેરોના પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં હતાં. ત્યારે હવે જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકામાં કોંગ્રેસનો રકાસ થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. આ બંને નેતાઓએ પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. કોંગ્રેસ હાઈકમાન્ડને તેમણે મોકલેલા રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યાં છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી

હાર્દિક પટેલનું ટ્વિટ, કોંગ્રેસ મજબૂત વિપક્ષ બનીને લડશે
કોંગ્રેસના કારમા પરાજય બાદ પક્ષના મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે.જેને હાઈકમાન્ડે સ્વીકારી પણ લીધું છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ અને પરાજિત થયેલા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી. વિજેતા ઉમેદવારો કાલથી જ જનતાની સેવામાં લાગી જાય તેવી વિનંતી કરું છું. આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત વિપક્ષ બનીને રોડ પર સંઘર્ષ કરીને જનતાના વિશ્વાસને પ્રાપ્ત કરશે. રોડથી લઈને વિધાનસભા સુધી કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભુમિકામાં અગ્રેસર રહેશે.
મહાપાલિકાના પરિણામ બાદ પાંચ શહેરના નેતાઓએ રાજીનામાં આપ્યા હતાં
છ મહાનગરપાલિકાનાં પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં પાંચ શહેરના નેતાઓએ રાજીનામાં આપી દીધા હતા. અમદાવાદમાં શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને સસ્પેન્ડ કર્યા બાદ પોતે પણ રાજીનામું ધરી દીધું હતું, જ્યારે રાજકોટમાં કોંગ્રેસ-પ્રમુખ અશોક ડાંગરે પણ પરાજયનો સ્વીકાર કરીને રાજીનામું આપ્યું હતું. સુરતમાં બાબુભાઈ રાયકા તથા ભાવનગરમાં પ્રકાશ વાઘાણી અને વડોદરામાં પ્રશાંત પટેલે પણ રાજીનામાં આપ્યા હતા; માત્ર જામનગર એક એવું શહેર છે કે જ્યાં કોંગ્રેસ-પ્રમુખે રાજીનામું આપ્યું નથી.

કોંગ્રેસના પાંચ શહેર પ્રમુખોએ મહાનગર પાલિકાની ચૂંટણીના પરાજય બાદ રાજીનામા આપ્યાં હતાં
કોંગ્રેસના પાંચ શહેર પ્રમુખોએ મહાનગર પાલિકાની ચૂંટણીના પરાજય બાદ રાજીનામા આપ્યાં હતાં

2020માં પણ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું હતું રાજીનામું
ગુજરાત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા સુકાન સંભાળી રહ્યા છે. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું.

રાજીનામાની જાહેરાત થતાં જ ગણતરીની મિનિટોમાં NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા
રાજીનામાની જાહેરાત થતાં જ ગણતરીની મિનિટોમાં NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા

NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપતા જ ગણતરીની મિનિટોમાં NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા છે સોશીયલ મીડિયામાં પર આગામી પ્રદેશ પ્રમુખ ઇન્દ્રવિજય સિંહ ગોહિલને બનાવવામાં કૅમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે.પ્રદેશ પ્રમુખના રાજીનામાના દુઃખના બદલે NSUI ના આગેવાનો જાણે પોતાના નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા હરીફાઈમાં હોય તેવું લાગી રહ્યું છે.
બસ કરો પુનરાવર્તન, ગુજરાત માંગે પરિવર્તન
ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસને ગુજરાતમાં હરણફાળ ભરવા માટે હંમેશા ઉષ્મા પુરી પાડી એવા ડૉ.ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે નિમણુંક કરવા માટે આજે ગુજરાતના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, અને કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ એક બની બુલંદ અવાજ હાઈકમાડ સુધી પહોંચાડી રહ્યા છે. જે આજે ગુજરાતના પરિવર્તન માટે ખુબજ જરૂરી છે.ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી કોંગ્રેસ પક્ષ માટે હંમેશા સમર્પિત એવા કર્મઠ કોંગ્રેસ કાર્યકરોનો વિશાળ સમુદાય તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુજરાત માટે આજે સુવર્ણ સમય આવી ગયો છે, કારણકે યુવાનોથી માંડીને વડીલો સૌ કર્મઠ,કર્તવ્યનિષ્ઠ અને ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપના શાશનને જડમૂળથી ઉખાડી 2022માં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવી ગુજરાતની જનતા માટે પરિવર્તન લાવે તેવા કટિબદ્ધ પ્રદેશ પ્રમુખની માંગ ધરાવે છે અને આ કાર્ય ફક્ત ડૉ.ઇન્દ્રવિજયસિંહ ગોહિલના મજબૂત મનોબળ, પ્રભાવી નેતૃત્વ, અન્યાય સામે લડત, બ્રિલિયન્ટ બુથ મેનેજમેન્ટ અને માઈક્રો પ્લાનિંગથી જ શક્ય બનશે. ત્યારે પાર્ટીએ સૌની લાગણીને માન આપી નવા પ્રદેશ પ્રમુખની ઘોષણા વહેલામાં વહેલી તકે કરવી જોઈએ.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...