• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Congress Staged Sit in And Protest In Ahmedabad Demanding The Resignation Of The Minister Of State For Home Affairs Over The Lattha Scandal

વિપક્ષનો વિરોધ:લઠ્ઠાકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ સાથે કોંગ્રેસના અમદાવાદમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ અને બોટાદ જિલ્લા ખાતે થયેલા લઠ્ઠાકાંડ મામલે મંગળવારે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ કલેક્ટર ઓફિસ પાસે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માએ આક્ષેપ કર્યો હતો કે, બૂટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી હતી. 70થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે. રોજીંદ ગામના સરપંચ બે-બે વાર લેખિતમાં રજૂઆત કરે અને ચૂંટાયેલા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે તેમ છતાં બૂટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી હતી. 70થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપની દારૂબંદીની પોલખોલી ખુલી ગઇ છે. બેરોકટોક દારૂના વેચાણ વિરુદ્ધ કોઈ આવાજ ઉઠાવે ત્યારે ભાજપના કુશાસનમાં ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકીઓ અપાય છે.

ગાંધી-સરદારના ગુજરાતમાં દારૂબંધી છતાં વેચાણ ચાલુ
ભાજપના કોઈ પણ હોદેદારોએ આ ગામોમાં પીડિત પરિવારજનોની મુલાકાત નથી લીધી. ગુજરાતની બહેન-દીકરી-માતા વિધવા થઈ તેનો કોઈ અફસોસ ભાજપ સરકારને નથી, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર - જિલ્લા - દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. ગુજરાતના પોર્ટો ઉપર 1.75 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું સતત છાસવારે ડ્રગ્સ પકડાયા કરે જ્યારે એવુ લાગી રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ઘૂસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું છે.

લઠ્ઠાકાંડ ભાજપનો માનવ સર્જીત હત્યાકાંડ- જગદીશ ઠાકોર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ ભાજપનો માનવ સર્જીત હત્યાકાંડ છે. ગુજરાતમાં વારંવાર બનતા લઠ્ઠાકાંડે ભાજપની દારૂબંધીની પોલ ખોલી દીધી છે. સખત અમલીકરણ, વારંવાર ગૃહખાતાની કામગીરીની વાહવાહી કરી પોતાની પીઠ ધાબડતા ગૃહમંત્રીની નિષ્ફળતાને કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેપલા ચારી રહ્યાં છે. સ્કુલ - કોલેજોમાં ડ્રગ્સનો પગ પેસારો થયો છે. પાનના ગલ્લા, ચાર રસ્તા ઉપર ડ્રગ્સના સેવન માટેની સામગ્રી આસાનીથી મળી રહે છે. રેલ્વે-પોર્ટ-એરપોર્ટ તમામ માર્ગથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસી રહ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી નિષ્ફળતા સ્વીકારી રાજીનામું આપે
બોટાદ-અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટનામાં ભાજપના કોઈપણ કેન્દ્રીય નેતાગીરીને સાંત્વના પાઠવવાનો સમય મળ્યો નથી. કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીએ ગુજરાતના યુવાનોના ભવિષ્યની ચિંતા કરતા ગાંધી - સરદારના ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે આવ્યું? તે અંગે સવાલો કર્યા હતા. ભાજપ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા બંધ કરે અને ગુજરાતના ગૃહમંત્રી પોતાની નિષ્ફળતા સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ અને વિવિધ મોરચા જોડાયા
લઠ્ઠાકાંડ અંગે ગૃહમંત્રી રાજીનામું આપેની માંગ કરતા અમદાવાદ ખાતે યોજાયેલા ધરણાં પ્રદર્શનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા અધ્યક્ષ નેટ્ટા ડીસોઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વરિષ્ઠ આગેવાનો બાલુભાઈ પટેલ, રાજુભાઈ પરમાર, ડો. ચંદ્રિકાબેન ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, વિરજીભાઈ ઠુમ્મર, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બીમલ શાહ, ડૉ. જીતુભાઈ પટેલ, નીશીત વ્યાસ, ગીતાબેન પટેલ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, અમદાવાદ વિરોધપક્ષના નેતા શેહઝાદખાન પઠાણ, હિમાંશુ પટેલ, બળદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

મૃત ગાય બદલ પશુપાલકને વળતર આપવા માગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે લમ્પી વાયરસથી મોટા પાયે મોતને ભેટનાર ગાય માતાને બચાવવાની માંગ સાથે મુખ્યમંત્રી દ્વારા લમ્પી વાયરસને મહામારી જાહેર કરી તેને SDRFની જોગવાઈઓમાં સમાવેશ કરી મૃત ગાય બદલ પશુપાલકને વળતર આપવાની જાહેરાત કરે તેવી માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડે, કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવામાં આવે, 7 મહિનાથી ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી બાકી છે તે તાત્કાલીક આપવામાં આવે, ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાંસચારો પડ્યો છે તે ખુલ્લો મુકવામાં આવે, ગૌવંશમાં લમ્પી નામના ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હોય, તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...