કોંગ્રેસ પર ભાજપનો પલટવાર:કોરોનાથી મૃત્યુના ખોટા આંકડા જાહેર કરી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે, નાગરિકો એમને હવે ઓળખી ગયા છે: જીતુ વાઘાણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીતુ વાઘાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
જીતુ વાઘાણીની ફાઈલ તસવીર
  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરાયેલા આક્ષેપોને રાજ્યના શિક્ષણમંત્રી અને પ્રવક્ત જીતુ વાઘાણીએ વખોડ્યા
  • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે રૂ.24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 19 જેટલા MOU કર્યા

કોરોનાની મહામારીમાં ગુજરાતમાં 3 લાખ જેટલા લોકોના મોત થયા હોવાના આંકડા કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો. આ મામલે હવે રાજ્યના શિક્ષણમંત્રી અને ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપીને તમામ આરોપોને ખોટા અને અભ્યાસવિહોણા ગણાવ્યા છે. તેમણે આ આક્ષેપોની કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે, આવા બેજવાબદારી ભર્યા નિવેદનો કરી ગુજરાતને બદનામ કરવાનું તેમણે બંધ કરવું જોઈએ.

રાજ્યમાં કોરોનાકાળમાં 10,088 નાગરિકોનું મોત
પ્રવકતા મંત્રી વાઘાણીએ કહ્યું કે, કોરોનાકાળમાં થયેલા એક-એક મૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને રહેશે જ. રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મૃત્યુ દર ઓછો રહ્યો છે. રાજ્યમાં 10,088 જેટલા નાગરિકોનું કોરોનાકાળમાં મૃત્યુ થયું છે. આ સંદર્ભે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું છે, જે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો મળશે એ મુજબ રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્ય મહારાષ્ટ્રમાં 14,028, પંજાબમાં 16,553, રાજસ્થાનમાં 8954, છત્તીસગઢમાં 13,552 તથા આપ શાસિત દિલ્હીમાં 25,091 નાગરિકોના મોત કોરોનાકાળમાં થયા છે, જેની સામે ગુજરાતમાં 10,088 મોત થયા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જે મોતના આંકડા જાહેર કર્યા છે એ પણ હવે ખોટા છે એવું તેમણે મીડિયા સમક્ષ જાહેર કરવુ જોઇએ.

'ખોટું બોલવું, જોરથી બોલવું કોંગ્રેસનો સ્વભાવ'
તેમણે ઉમેર્યુ કે, ખોટું બોલવું, જોરથી બોલવું એ કોંગ્રેસનો હવે સ્વભાવ થઇ ગયો છે, ત્યારે આવા અભ્યાસ વિહોણા અને પાયા વગરના નિવેદનો કરીને ગુજરાતની જનતાની લાગણી મેળવવા માટે કોંગ્રેસ દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે એને પ્રજા હવે આોળખી ગઇ છે. રાજ્ય સરકારની કામગીરીથી પ્રજાને સંતોષ છે અને રહેશે જ એટલે હવે ગુજરાતમાં સત્તા મેળવવાના સપના જોવાનું કોંગ્રેસે બંધ કરવું જોઇએ. કોરોનાકાળ દરમિયાન જે મોત થયા છે તેને WHO અને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન અનુસાર જ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સમયમાં અન્ય બિમારીથી જે લોકો મૃત્યું પામ્યા છે એને કોરોનાના મૃત્યુમાં ખપાવીને આંકડો મોટો બનાવવાનો કોંગ્રેસે હીન પ્રયાસ કર્યો છે તે અત્યંત નિંદનીય છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-2022નું સુદ્રઢ આયોજન
પ્રવકતામંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સૌથી શ્રેષ્ઠ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-2022નું સુદ્રઢ આયોજન કરાયું છે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-2022 સંદર્ભે રોડ શોમાં સહભાગી થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સહભાગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે.

ગુજરાત સરકારે રૂ.24,185.22 કરોડના MoU કર્યા
આગામી જાન્યુઆરી 2022માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની 10મી શ્રૃંખલાના પ્રારંભમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે રૂ.24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 19 જેટલા MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે. આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે. આગામી સમયમા પણ સમિ ટ સુધી એમ.ઓ.યુની આ શૃંખલા ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...