મિશન ગુજરાત 2022:દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીમાં ગુજરાતના નેતાઓ સાથે વન ટુ વન મીટિંગ, તમામ વિધાનસભા બેઠકોની ચર્ચાઓ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. ત્રણ દિવસ સુધી યોજાઈ રહેલી સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી થશે. આજે આ બેઠકનો બીજો દિવસ છે. દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ દાવેદારી કરનાર અનેક ઉમેદવારોમાં નારાજગી પણ રહેશે. જેથી નારાજ કાર્યકરો કે નેતાઓને મનાવવા તથા પક્ષ છોડીને કોઈ નેતા ના જાય તે માટે પણ બેઠકમાં મંથન કરવામાં આવશે. ઉમેદવારોના કામ,મત વિસ્તારના કાર્યકરોના અભિપ્રાયના આધારે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.

તમામ વિધાનસભા સીટોની ચર્ચાઓ થઈ રહી છે
કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, દિપક બાબરીયા, નારણ રાઠવા, જયકિશન, શિવાજી રાવ મોજે, રામકિશન ઓઝા, બી.એમ. સંદિપ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં હાજર છે. સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેનીથલ્લાની આગેવાનીમાં યોજાઈ રહી છે. આ બેઠકમાં ગુજરાતી તમામ વિધાનસભા સીટોની ચર્ચાઓ થઈ રહી છે. અલગ અલગ વિસ્તારને લઈ નેતાઓને પણ તેમના ઉમેદવારો અંગે પુછવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસની ચીફ ઈલેક્શન કમિટીની બેઠક મળશે
કોંગ્રેસના તમામ નેતાઓની એક સાથે નહીં પણ વન ટુ વન મીટિંગ થઈ રહી છે. જેમાં કઈ સીટ પર કયા ઉમેદવારને ટીકિટ તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. આ બેઠક ત્રણ દિવસ ચાલવાની છે. જેમાં આજે બેઠકનો બીજો દિવસ છે. આ બેઠક બાદ થોડા સમયમાં જ કોંગ્રેસની ચીફ ઈલેક્શન કમિટીની બેઠક મળશે. જેમાં ઉમેદવારોની યાદી ફાઈનલ કરવામાં આવશે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે કોંગ્રેસ આ વખતે મોટાભાગના ધારાસભ્યોને રીપિટ કરશે. ઉમેદવારોના કામ,મત વિસ્તારના કાર્યકરોના અભિપ્રાયના આધારે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.

ઉમેદવારોના લિસ્ટને આખરી મહોર પણ લાગશે
રઘુ શર્મા આજે દિલ્હીમાં સોનિયા ગાંધી, સંગઠન મહાસચિવ વેણુગોપાલ સહિત કોંગ્રેસના કેન્દ્રીય દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અંગે ચર્ચા થઇ શકે છે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસ દિવાળી બાદ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.મળતી માહિતી મુજબ પ્રેદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર થયેલી છે તેમના નામની ચર્ચા કરાવામાં આવશે અને ચર્ચા બાદ ઉમેદવારોના લિસ્ટને આખરી મહોર પણ લાગશે.

અન્ય સમાચારો પણ છે...