દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટના તરગડી ગામે હાજર રહેવાના હતા. સંજોગવસાત એ દિવસે વરસાદ વધારે હતો. એટલે મીડિયાકર્મીઓ સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે શુભેચ્છા સંદેશ લેવા માટે સર્કિટ હાઉસ કે જ્યાં જીતુ વાઘાણીએ રોકાણ કર્યું હતું, ત્યાં વહેલી સવારે પહોંચ્યા હતા. મંત્રીએ મીડિયાકર્મીઓને પર્વની ઉજવણી બાદ સંદેશ આપવા જણાવતાં મીડિયાકર્મીઓએ કહ્યું કે, તેઓ ત્યાં વરસાદ વધારે હોવાને કારણે વાહનની વ્યવસ્થા ના હોવાથી કાર્યક્રમ સ્થળે આવી શકશે નહીં. આ સાંભળતાની સાથે જ જીતુ વાઘાણીએ રાજ્યના માહિતી નિયામકને ફોન કરીને પૂછ્યું કે, મારો કાર્યક્રમ હોય ત્યારે મીડિયા માટે આવવા-જવા તેમજ જમવાની વ્યવસ્થા કરાવી જ દેવાની. અંતે તમામ મીડિયાને માહિતી ખાતાના વાહનમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારંભમાં લઈ જવાયા હતા.
પ્રવક્તા મંત્રી મીડિયા બ્રિફીંગમાં પોતાના વિભાગની જ વિસ્તારપૂર્વક માહિતી આપે
કેબિનેટ બેઠક પૂરી થયા બાદ મીડિયા બ્રિફીંગ યોજવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપવામાં આવે છે. આ તમામ માહિતી પ્રવક્તા મંત્રી તરીકે નિમાયેલા જીતુ વાઘાણી આપે છે. જોકે માહિતી જ્યારે આપવામાં આવતી હોય ત્યારે જીતુ વાઘાણી માત્ર પોતાના જ વિભાગને લગતાં લેવાયેલા નિર્ણયની માહિતી વિસ્તારપૂર્વક આપી શકે છે. અન્ય વિભાગ માટે લેવાયેલા નિર્ણય અંગે તેઓ ટૂંકમાં જ માહિતી આપે છે. ટૂંકમાં માહિતી આપવા પાછળ એક કારણ એ હોય શકે છે કે તેઓ પોતાના વિભાગને જ વધારે હાઈલાઈટ કરાવવા માગે છે અને બીજું કારણ એ હોય શકે છે કે તેમને મીડિયા તરફથી પાછળથી પુછાનારા પ્રશ્નોમાં ક્યાંક એવું પ્રસ્થાપિત ના થઈ જાય કે તેમની પાસે માહિતીનો અભાવ છે આવી ચર્ચા અન્ય મંત્રીઓ કરી રહ્યા છે.
રસ્તાં યોગ્ય બનાવવા માટે હવે મુખ્યમંત્રી પ્રવાસ કરી કરીને થાકી જશે
રાજ્યમાં વરસાદને કારણે રસ્તાની હાલત બદતર થઈ ગઈ છે. રસ્તાઓ સુધારવા માટે સ્થાનિકો દ્વારા અનેકવાર વહીવટી તંત્રને જાણ પણ કરી છે, રજૂઆત પણ કરી છે. તેમ છતાંય રસ્તાની હાલત સુધરતી નથી. એવામાં મુખ્યમંત્રી આજે અમરેલીના પ્રવાસે હતા. અમરેલી ખાતે કાર્યક્રમ સ્થળે જેવા તેઓ રસ્તા માર્ગે પહોંચ્યા કે તમામ રસ્તા એકદમ સુધરેલી હાલતમાં જોવા મળ્યા હતા. આમ, કાર્યક્રમમાં હાજર લોકો વિચારવા અને અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે, જો આવું જ રહેશે તો આખા રાજ્યના રસ્તા સુધારવા માટે મુખ્યમંત્રીએ કેટકેટલો પ્રવાસ કરવો પડશે.
કોંગ્રેસ કહે છે, કામ બોલે છે, ભાજપ કહે છે, વિકાસ બોલે છે
છેલ્લા 25 વર્ષથી સત્તાની બહાર રહેલા કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસનું કામ બોલે છે અભિયાન શરૂ કર્યું, બોલો, આ મતદારો શું વિચારતા હશે, ખબર છે? 25-25 વર્ષ સુધી કોંગ્રેસ ભાજપ સામે એવું તે કેવું લડતી હશે જીતી શકતી નથી, એમાં ભાજપની ખૂબી છે કે કોંગ્રેસની ખામી? 25 વર્ષ સુધી સત્તા વિનાની કોંગ્રેસ વિપક્ષમાં રહી મજબૂત કામ કરી રહી હોત તો પણ આટલા વર્ષોમાં મતદારોના મનમાં ક્યાંક વસી જાત અને એકાદ ચાન્સ તો આપત, પણ વિચારો ભાજપ કહે છે કે 20 વર્ષનો વિકાસ અને કોંગ્રેસ કહે છે કામ બોલે છે. હવે પ્રજા જ નક્કી કરશે કે, કોનું કામ બોલે છે...ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે 'કોંગ્રેસનું કામ બોલે છે' શીર્ષક હેઠળ 'બોલો સરકાર' કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડશે.
ગુજરાતની ચૂંટણીમાં પાડોશી રાજ્યોના ભાજપના કાર્યકરોને પણ બોલાવશે
આખા દેશમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા તો કહેવાય છે, પણ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પાંચ રાજ્યોના કાર્યકર્તાઓને પણ બુથવાઇઝ કામે લગાડવામાં આવશે. એટલે કે, ગુજરાતની ચૂંટણીમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ભાજપશાસિત રાજ્યોના કાર્યકરો પ્રચાર માટે બોલાવશે. ગુજરાતમાં નજીક આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે ઘર-ઘર સુધી માહિતી આપવા પાંચ રાજ્યોના ભાજપના કાર્યકર્તાઓને ગુજરાતમાં પ્રચાર માટે જોડશે અને તેમાં તેઓને બુથવાઇઝ ઘરોની ફાળવણી કરવામાં આવશે.
પેજ પ્રમુખથી લઈને વોર્ડ પ્રમુખના સંપર્કમાં રહેશે
બીજા રાજ્યોમાંથી આવનારા કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની આઠ વર્ષની કામગીરી અને છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકારોએ કરેલી કામગીરી અંગે પણ મતદારોને માહિતગાર કરશે. આ કાર્યકરોને પેજ પ્રમુખથી લઈને વોર્ડ પ્રમુખ સાથે સંપર્કમાં રાખીને સ્થાનિક આગેવાનો સાથે જે તે વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવશે.
1995ની વાજપેયીની શીખ યાદ કરે છે પીઢ નેતાઓ
ગુજરાતમાં ભાજપની સત્તાના 25 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપને સૌ પ્રથમ વખત સત્તાનો સ્વાદ ચખાડનાર સિનિયર નેતાઓ પણ વાજપેયીને યાદ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ભાજપના ભીષ્મ પિતામહ એવા કદાવર નેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીએ 1995માં ગુજરાતમાં પ્રથમવાર ભાજપને જીત મળી ત્યારે કહ્યું હતું કે, હવે સત્તા મળી છે અને ખરો સમય આવ્યો છે, ત્યારે તકેદારી રાખવાની છે. તેનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, આંબો ટટ્ટાર ઊભો રહે છે પરંતુ તેના પર કેરીઓ આવવા લાગે એટલે નીચે નમવા લાગે છે, આવી સ્થિતિ આપણી છે. હવે આપણે આંબાની જેમ નમ્ર થવાની જરૂર છે.
આ બાબત ભાજપના જૂના જોગીઓ તથા આંગળીને વેઢે ગણાય એટલા મંત્રી કે નેતાઓને જ યાદ છે, જ્યારે મોટાભાગના વાજપેયીજીની શીખ ભૂલી ગયા લાગે છે. આમ છતાં તેઓમાંના અનેક લોકો ચર્ચા કરે છે કે વાજપેયીજીની સલાહ ભૂલી આંબા પર કેરીઓ આવી પણ નમવાનું મોટાભાગે ભુલાઈ ગયું છે.
ઉદ્યોગ વિભાગ પર સિનિયર આઇએએસની નજર
ઉદ્યોગ વિભાગમાં સચિવ તરીકેનો હોદ્દો મેળવવા કેટલાક સિનિયર અધિકારીઓની લોબિંગ વધી રહ્યુ હોય તેમ જણાઇ રહ્યુ છે. સિનિયર આઇએએસની નજર હાલમાં ઉદ્યોગ વિભાગમાં છે. જો કે ઉદ્યોગ વિભાગમાં ઇન્ચાર્જ તરીકે કાર્યરત અધિકારી રાજકુમાર હાલમાં ગૃહ વિભાગ પણ સંભાળે છે. આમ બે મહત્વના અને વિશાળ વિભાગની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે એક બાજુ અધિકારી લોબીમાં એવી ચર્ચા છે કે તેઓ આ વિભાગ છોડતા પણ નથી, તેની સામે અગાઉ CMOમાં રહી ચૂકેલા કેટલાક સિનિયર અધિકારીઓ કે જેઓ આ વિભાગ માટે લોબિંગ અથવા તો પોતે આવે તેવા રસ્તા બનાવી રહ્યા છે. આમ એક બાજુ પર મંત્રીઓ બદલીને કેટલાક વિભાગોમાં કામ કરવાની નીતિ હાલની સરકાર દ્વારા અપનાવાય છે, તો અહીં બે મોટા વિભાગો એક અધિકારી સંભાળી રહ્યા છે. તેથી મંત્રીઓના બદલાવને લઈને હવે અધિકારીઓમાં એક ઉત્સાહ છે કે કોઈ સિનિયરોને નવી જવાબદારી વહેલી સોંપવામાં આવશે.
ડિફેન્સક્ષેત્રે ગુજરાતમાં હવે PMO કંઇક કરે તો થાય
ગુજરાતમાં અગાઉ વોર જેવી સ્થિતીને લઇને ડિફેન્સ ક્ષેત્રનો મોટો એક્સપો થવા જઈ રહ્યો છે, તેવા સંજોગોમાં ગુજરાત છેલ્લા 15થી 20 વર્ષથી ડિફેન્સ ક્ષેત્રે કોઈ મોટા રોકાણોની રાહ જોઈ રહ્યું છે. ગુજરાત સરકારે તો ડિફેન્સના સલાહકાર પણ છેલ્લા ઘણા વર્ષોથી નિમ્યા છે, પરંતુ આ સેક્ટરમાં કોઈ મોટા અને જાણીતી કંપનીના રોકાણ આવ્યા નથી, તેવા સંજોગોમાં અધિકારીઓમાં એવી ચર્ચા છે કે, સીધા પીએમઓમાંથી કોઈને ગુજરાત ભણી વાળવામાં આવે તો સેક્ટરમાં કોઇ મોટી કંપની આવે અને તે પણ કદાચ આગામી દિવસોમાં ધોલેરામાં આવે તો પણ નવાઇ નહીં. આમ ભારત સરકારની પહેલ સાથે રાજ્યમાં વિદેશના મોટા રોકાણની જાહેરાત કરવામાં આવે તો જ આ સેક્ટરમાં ગુજરાતમાં મોટું રોકાણ આવે તેમ છે, એટલે કે હવે મોટું ઓપરેશન ‘મોટા સાહેબ’ પુરું પાડે તો કામ થઇ જાય તેમ ચર્ચાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.