તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજની રિપોર્ટર:કોંગ્રેસે જખમોની યાદી જોવા કાઢી બહુ અંગત અંગત નામો નીકળ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગયાં સપ્તાહે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોગ્રેસના સિનિયર નેતાઓની એક ગુપ્ત બેઠક યોજાઇ હોવાના અહેવાલો મળી રહ્યાં છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતાને બદલવાની ચર્ચાઓ ચાલી રહી છે અને તે પૂર્વે આ બેઠક મળી તેમાં અંદર અંદર ઘણી ચકમક ઝરી હોવાના અહેવાલ મળ્યાં છે. તેમાં મોટાભાગના નેતાઓ હાર્દિક પટેલથી ખૂબ નારાજ હોવાની પણ વિગતો બહાર આવી છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે અર્જૂન મોઢવાડિયાનું નામ હાલ આગળ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિપક્ષના નેતાનું પદ સૌરાષ્ટ્રના ધારાસભ્યો પોતાના પૈકી એકને મળે તેવો આગ્રહ રાખી રહ્યાં છે. આમ તો આ બેઠકમાં ગાંધીનગર મહાનગર પાલિકાની અને મોરવા હડફ વિધાનસભા બેઠકની ચૂંટણીને લઇને ચર્ચા કરવાની હતી, પરંતુ તે મુદ્દાને બાજુએ રાખી કોંગ્રેસના નેતાઓએ પોતાના સ્કોર સેટલ કર્યાં.

સરકાર જેને રાજ્યના ચીફ ટાઉન પ્લાનર બનાવવા માગે છે તેમણે જ 80 કરોડનો ગોટાળો કરતા તપાસ થઈ શકે
રાજ્ય સરકારે લાંબી ગડમથલ પછી અમદાવાદના એક અધિકારીને ચીફ ટાઉન પ્લાનર તરીકે નકકી કર્યા. આ વાતની તેમના વિરોધીઓને ગંધ આવી ગઇ કે શું થયું તે રહસ્ય છે પણ તેમણે અમદાવાદની એક ટીપીમાં પ્લોટની આઘાપાછી કરીને સરકારને રૂ. 80 કરોડની ખોટ જાય તેવું પરાક્રમ કર્યું. તેમના આ પ્રકરણની રજૂઆત છેક ગાંઘીનગર સુધી તેમના વિભાગ સુધી પહોંચી. તેમના વિભાગના ટોચના અધિકારીએ અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકાર સમક્ષ મૂક્યો.અહેવાલ જોઈને સરકાર પણ હલી ગઈ અને હવે આમને સીટી પીઓ તરીકે પસંદ કરવા કે તેમની સામે તપાસ મૂકવી તે પ્રશ્ને સરકાર પણ ગડમથલમાં છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ દાઢીનું શેવિંગ!
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બની ગઇ છે અને તે સોમવારે રાત સુધીમાં જાહેર થશે. જો કે આ આખીય પ્રક્રિયામાં અમિત શાહના જમણા હાથ ગણાતાં હર્ષદ પટેલ ઉર્ફે દાઢીનું નામ સાવ ગાયબ થઇ ગયું. અમિત શાહે ગાંધીનગર પાલિકા વિસ્તાર હર્ષદ પટેલને સોંપ્યો છે. પરંતુ અગાઉ સી આર પાટીલે ગાંધીનગની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી કરવા નિરીક્ષકોની નિમણૂંક કરી, પણ તેમાં દાઢીનું નામ ગાયબ હતું. આ પહેલા અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં હર્ષદ પટેલને ટીકીટ મળશે અને તેઓ સારા પદ પર આવશે તેવી વાતો ચાલી હતી, પણ પાટીલે આવું ય ન થવા દીધું. હવે ગાંધીનગર ભાજપમાં ચર્ચા ચાલી છે, કે દાઢીનું શેવિંગ કેમ થઇ રહ્યું છે.

પાટીલપોથીની પહોંચ ગાંધીનગર પહોંચેે તો મેયરની મોનોપોલી તૂટે
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સ લેવાની કામગીરી પૂરી થઈ ગઈ છે અને ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લિયામેન્ટ્રી બોર્ડની બેઠક પણ યોજાઇ ચૂકી છે. તેમ છતાં હજુ ભાજપ
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ઉમેદવારોની પસંદગી મામલે અગાઉ ઉમેદવારોની ઉંમર અને રિપીટેશન અંગેના નિયમો બનાવ્યાં હતાં તે અંગે મગનું નામ મરી પાડ્યું નથી. આ કારણસર હાલ ભૂતપૂર્વ મેયરો અને વર્તમાન મેયરના પતિએ નિરીક્ષકો સમક્ષ ટિકીટ માંગી છે. ગાંધીનગરમાં મેયરનું પદ દર વખતે એક જ વોર્ડના નેતાને મળે છે. હવે આ સંજોગોમાં પાર્ટીના કાર્યકર્તાઓ ઇચ્છે છે કે પ્રદેશ અધ્યક્ષે અગાઉનો નિયમ ગાંધીનગરમાં પણ લાગુ કરવો જોઇએ કે જેથી પૂર્વ મેયરો, વર્તમાન મેયર કે ચૂંટાયેલા કોઇ નેતાના સગાંને ટીકીટ આપવાને બદલે નવાં કાર્યકર્તાઓને ટીકીટ મળવી જોઇએ, આ સાથે મેયરનું પદ અન્ય વોર્ડના ચૂંટાયેલાં કોર્પોરેટરને મળવું જોઇએ.

હરીફ પાછો મેદાનમાં આવ્યો, ડરી ગયેલા મંત્રી ફરી ફરિયાદોના સહારે
​​​​​​​રાજ્ય સરકારના એક મંત્રીને અગાઉ પક્ષના એક નેતા હરીફ તરીકે સતત સતાવી રહ્યા હતા. તે નેતાનું વજૂદ પક્ષમાં પણ ખાસ્સું હોવાથી મંત્રી પણ તે નેતાથી સલામત અંતર જાળવતા હતા. થોડા સમય અગાઉ આ નેતા હાંશિયામાં ધકેલાઇ ગયા હોવાથી મંત્રી રીલેક્સ થઇ ગયા હતા. પરંતુ પેલા નેતા હવે પાછા મંત્રીને પાછા પરેશાન કરવા માંડ્યા છે. આ નેતાએ એ હદ સુધી મંત્રીને પરેશાન કર્યા કે મંત્રીની વ્યક્તિગત છાપ ઉપર પણ પ્રશ્નો ઊભા થતાં ખૂરશી જવાનો ડર સાતાવવા લાગ્યો છે. મંત્રીએ આ હેરાનગતિ કરતા નેતાની ફરિયાદ ઉપરના સ્તરે કરી છે.

હેલ્થ વિભાગમાં ડોક્ટર તો આવશે પણ વાઢકાપના કે થોથાંના?
આરોગ્ય સચિવ જયંતિ રવિને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર પુડુચેરી જવાનું છે અને એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ તે હુકમ થતાં તેઓ છુટાં થઇ જશે. તેમના સ્થાને હવે ગુજરાત સરકારમાં કામ કરતાં સિનિયર લેવલના અધિકારીના અમુક નામો પર વિચારણા ચાલી રહી છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે આરોગ્ય વિભાગ હવે એક ડોક્ટરને સોંપવામાં આવશે. પરંતુ આ ડોક્ટર ખરેખર મેડિસીનના ડોક્ટર હશે કે પીએચડી કરેલા ડોક્ટર તે જોવાનું રહેશે. આ પદ માટે જો કે વર્તમાન રાજ્ય કરવેરા કમિશનર જે પી ગુપ્તાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે.

વેક્સિનનો વહીવટ અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને ફળશે
​​​​​​​હાલ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર આવતી બદલીમાં સામાન્ય વહીવટ વિભાગમાં મૂકાય તેવી શક્યતાઓ સચિવાલયના અધિકારીઓ જોઇ રહ્યાં છે. તોમર પોતે ગુજરાતના વર્તમાન સિનિયર અધિકારીઓમાંના એક તો છે જ, સાથે તેમની કામ કરવાની પદ્ધતિની પણ સરકારે નોંધ લીધી છે. હાલમાં જ ગુજરાતના સચિવાલયમાં કામ કરતાં અધિકારીઓ અને કર્મચારીઓના રસીકરણની જવાબદારી પણ તેમને સોંપાઇ હોવાથી સચિવાલયમાં એવો ક્યાસ મૂકાઇ રહ્યો છે, કે તેમની આગામી બદલીને ધ્યાનમાં રાખીને જ તેમને આ જવાબદારી અપાઇ હોઇ શકે.

દાસની કામગીરીની સારી નોંધ દિલ્હી દરબારમાં પણ લેવાઈ
​​​​​​​ઉદ્યોગ વિભાગના સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના પ્રયત્નોની કેન્દ્ર સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના ઇન્વેસ્ટ ઇન્ડિયા એકમે નોંધ લીધી છે. ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન પણ જે વિક્રમી વિદેશી રોકાણ થયું તેની નોંધ લઇને તેમની ઇન્વેસ્ટ ઇન્ડીયાના એમડી અને સીઇઓએ પ્રશસ્તિ કરી છે. હવે દાસનું લક્ષ્ય ગુજરાતનું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિંગ વધારવાનો છે. ગુજરાત આ રેંકિંગમાં પાછળ રહ્યું હતું, પરંતુ હવે તેમણે આ રેંકિંગમાં સુધારો કરવાનું લક્ષ્યાંક રાખીને કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો