કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે વિજય મહૂર્તમાં કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા. જે બાદ હવે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી તથા ઈન્દ્રવિજય ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેણે ભાજપમાં જોડાઈને 'શક્તિ પ્રદર્શન નહીં, પણ બુદ્ધિ પ્રદર્શન કર્યું' હોવાનું પણ જણાવ્યું હતું.
'હાર્દિકે શક્તિ પ્રદર્શન કરવાના બદલે બુદ્ધિ પ્રદર્શન કર્યું'
કોંગ્રેસના કોર કમિટી સભ્ય ઈન્દ્રવિજય ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી વાત ચાલતી હતી કે, હાર્દિક પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, ખૂબ મોટું પ્રદર્શન કરશે, એવા અહેવાલ પણ આવતા હતા કે આટલા હજાર લોકો આવશે. પરંતુ આજે કાર્યક્રમ જોયા પછી ભાજપમાં જોડાઈને જે પ્રકારની વાત કરી એ મુજબ શક્તિ પ્રદર્શન કરવાના બદલે માત્રને માત્ર બુદ્ધિ પ્રદર્શન કર્યું હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હાર્દિકે કહ્યું હતું કે એ 3 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, એ તેમની ભૂલ હતી, એ ખ્યાલ નથી. પરંતુ 3 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, એ કોંગ્રેસની ભૂલ હતી. હાર્દિકે 1200 કરોડની ઓફર થઈ હોવાની વાત અગાઉ કરી હતી, બની શકે હવે મોંઘવારી વધી એટલે કેટલામાં ગોઠવણ થઈ એ ખબર નથી.
લાલજી પટેલે પણ હાર્દિકથી નારાજ
હાર્દિક પટેલ ભાજપમાં જોડાતાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના પ્રમુખ લાલજી પટેલ દ્વારા ખૂલીને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, હાર્દિક રાજકીય માણસ છે, હવે સમાજનો માણસ નથી. સમાજનું કામ હતું એ એમને એમ જ છે. પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાનો અને પાટીદાર સમાજના શહીદ થયેલા યુવાનોના પરિવારોને ન્યાય અપાવવાના મુદ્દા ઠેરના ઠેર છે.
ભાજપમાં જોડાઈને હાર્દિકે શું કહ્યું હતું?
નોંધનીય છે કે, હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે, દરેક માણસની આકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ.જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતા કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ભાજપને ગાળો આપી, હવે ઘરનો દીકરો મા-બાપ પાસે માગણી કરે છે. રાજ્ય સરકાર પાસે માગણી કરે છે. સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝઘડો જ છો ને.
17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.