લાંચ મુદ્દે ભારે હંગામો:AMC બોર્ડમાં કોંગ્રેસનો સવાલ, ‘ગાય છોડવાના હપ્તા કમલમ્ સુધી જાય છે?’, ભાજપ-કોંગ્રેસના સભ્યો ડાયસ પર ચઢતાં ટેબલ સહિતનું ફર્નિચર તૂટ્યું

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટાગોર હોલ ખાતે યોજાયેલી મ્યુનિ. બોર્ડની બેઠકમાં ગાયોના મુદ્દે વિવાદ થતાં ભાજપ-કોંગ્રેસના સભ્યો મેયરના ડાયસ સુધી પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. - Divya Bhaskar
ટાગોર હોલ ખાતે યોજાયેલી મ્યુનિ. બોર્ડની બેઠકમાં ગાયોના મુદ્દે વિવાદ થતાં ભાજપ-કોંગ્રેસના સભ્યો મેયરના ડાયસ સુધી પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી.
  • ઢોર અંકુશ વિભાગના ઈન્સ્પેક્ટરે લાંચ લીધી હતી

અમદાવાદ મ્યુનિ.માં એક પોલીસ ઇન્સ્પેકટર એક પશુપાલક પાસેથી 10 હજાર જેવી માતબર રકમની લાંચ લેતાં પકડાયા છે, શહેરમાં 2.75 લાખ પશુપાલકો છે ત્યારે જો પ્રત્યેક પાસે 10 હજાર ગણીએ તો મહિને 10 કરોડની લાંચ થાય! આટલી મોટી રકમ કોઇ ઇન્સ્પેક્ટર ઉઘરાવવાની હિંમત ન કરે, શું આવી લાંચની રકમ કમલમ્ સુધી જાય છે? કોંગ્રેસના આવા વેધક પ્રશ્ન સાથે જ મ્યુનિ. બોર્ડની બેઠકમાં ભારે હંગામો થઇ ગયો હતો. ભાજપે સભ્ય શબ્દો પરત ખેંચી માફી માગે તેવી માગ કરી હતી, કોંગ્રેસના સભ્યો મેયરના ડાયસ સુધી પહોંચી ગયા હતા. જ્યાં મેયરના કાગળોને પણ હવામાં ફંગોળી દીધા હતા.

બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કમળાબેન ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ગાયના નામે મત મેળવનાર ભાજપ પાછળથી ગાય માતાને નહીં પકડવાના હપ્તા પણ ઉઘરાવે છે. તેથી તપાસ થવી જોઇએ કે આ હપ્તાની રકમ કમલમ્ સુધી તો જતી નથીને? આવા પ્રશ્ન સાથે જ ભાજપના તમામ સભ્યો ઉભા થઇ ગયા હતા અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ ભાજપ ભ્રષ્ટાચારીના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના તમામ સભ્યો મેયર અને કમિશનરના ડાયસ તરફ ધસી જઈ મેયરના ડેસ્ક પર ચઢી ગયા હતા. ભાજપના સભ્યો પણ ડાયસ પર આવી ગયા હતા. બંને પક્ષોના મહિલા સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે ખેંચતાણ થઈ હતી.

CNCD ભ્રષ્ટાચારનો અડ્ડો : કોંગ્રેસ
કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેને જણાવ્યું હતુંકે, મ્યુનિ.માં માત્ર એક પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાયો તેટલું જ નથી. સીએનસીડી વિભાગ ભ્રષ્ટ્રાચારનો અડ્ડો બન્યું છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ રખડતાં ઢોરની સમસ્યા હજુ ઠેરની ઠેર છે.

કોરોનામાં મૃત્યુ પામેલ મ્યુનિ. કર્મીને વળતર ન મળે તો ઉપવાસની ચીમકી
કોરોનામાં મૃત્યુ પામનાર મ્યુનિ.ના કર્મચારીઓને રૂ. 25 લાખની સહાય ચુકવવાનો ભાજપ દ્વારા વાયદો કરવામાં આ‌વે છે, તો તમે તેનું પાલન પણ કરો, કેમકે શહેરમાં કોરોનામાં મૃત્યુ પામેલા 58 નાગરિકો પૈકી હજુ સુધી 7ને જ સહાય મળી છે. બાકી 51 લોકોને હજુ સહાય મળી નથી. તેવો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ કર્યો હતો. જો આ 51 મૃતકોના પરિવારજનોને તત્કાલ સહાય નહીં ચૂકવાય તો આગામી સપ્તાહે અમરણાંત ઉપવાસ પર બેસવાની જમનાબેને ચીમકી આપી હતી.

કોંગ્રેસે બોર્ડની ગરિમા ન જાળવી
બોર્ડમાં પહેલી વખત ચૂંટાયેલા સભ્યોને મેયરે બોર્ડને સંબોધવાનો મોકો આપ્યો હતો. પરંતુ કેટલાક સભ્યોએ બોર્ડ ચાલવા દીધું ન હતું. બોર્ડની ગરિમા ન જાળવી અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હતા. કોંગ્રેસે શહેરના વિકાસમાં બોર્ડ યોગ્ય રીતે ચાલવા દેવું જોઇએ. કમળાબેન ચાવડાએ ગાયોનો ભ્રષ્ટાચાર કમલમ્ સુધી જાય છે, તેવો ઉચ્ચાર કરતાં મેં વિરોધ કર્યો હતો. > ભાસ્કર ભટ્ટ, મ્યુનિ. ભાજપ પક્ષના નેતા

અન્ય સમાચારો પણ છે...