વિપક્ષનું વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ જતાં કોંગ્રેસે AMC ઓફિસે ઉગ્ર વિરોધ કર્યો, હાય રે મેયર હાય હાયના નારા લગાવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ગેટ પર ચઢીને વિરોધ કર્યો - Divya Bhaskar
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ગેટ પર ચઢીને વિરોધ કર્યો

AMCની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ જતા કોંગ્રેસ દ્વારા હાય રે મેયર હાય રે જેવા નારા સાથે કોર્પોરેશન ઓફિસે ઉગ્ર વિરોધ કરાયો હતો.વિપક્ષના નેતા શહેઝાદ ખાન અને શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. અમદાવાદ શહેરમાં પડેલા અનરાધાર વરસાદમાં શહેર પાણી પાણી થઈ ગયું હતું અને સતત બે દિવસ સુધી પાણીનો નિકાલ થયો નહતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ ગઈ હોવા સાથે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ કચેરીનો કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓ સામે પગલાં લેવા માંગ
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. હાય રે મેયર, હાય રે કમિશનર, ભાજપ હાય હાય, ભાજપનો વિકાસ ગાંડો થયો છે. એવા સૂત્રો સાથે આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ પોતાના શરીરે પાટાપિંડી કરી અને વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા.તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરના રસ્તાઓ એટલા ખરાબ કે છે લોકો હેરાન થાય છે. અનેક લોકો રસ્તામાં પડ્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે. મેયર અને કમિશનરને વિનંતી છે કે જ્યાં આવા બનાવ બન્યા છે ત્યાં અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.

મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો

કોર્પોરેશનની ઓફિસને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ
વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે બપોરે વિરોધ પ્રદર્શનના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. કારંજ પોલીસ સ્ટેશનનો કાફલો દાણાપીઠ કચેરીમાં ઉતારી દેવાયો હતો. કોર્પોરેશનના બંને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંને ગેટ બંધ કરી દેવાતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી હતી. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા રોડ ચક્કાજામ થઈ ગયો હતો.

વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટીને આપ્યું આવેદન પત્ર
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સમક્ષ આવેદનપત્ર આપી અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વરસાદમાં દરેક વોર્ડ અને વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગટર સફાઈના રૂ. 6.61 કરોડ ખર્ચ કર્યા છે પરંતુ પરિણામ શૂન્ય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે.

કોર્પોરેશનની ઓફિસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
કોર્પોરેશનની ઓફિસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

શહેરના 80 ટકા રોડની હાલત ખરાબ
શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ મુકાયો છે કે 80 ટકા રોડ ખરાબ છે. શહેરની આવી ખરાબ પરિસ્થિતિ છે જે લોકોને નુકસાન થયું છે તેઓને વળતર આપવામાં આવે. અન્ય કોર્પોરેટરોએ રજુઆત કરી હતી કે આજે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અધિકારીઓને સૂચના આપવામાં આવે કે પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, શહેર પ્રભારી બિમલ શાહ, શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવ્યા વિપક્ષના આક્ષેપ
વિપક્ષમાં આક્ષેપોનો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, વિપક્ષનું કામ છે આક્ષેપો કરવા અમે કામ કર્યું છે. મ્યુનિ. તંત્રએ કામ કર્યું છે પ્રજાએ જોયું છે. અનેક વિસ્તારોમાં અમે રાતે રાઉન્ડ લીધો છે. કોર્પોરેશનની ટીમે કામ કર્યું છે. કેટલાંક વિસ્તાર જ્યાં નીચાણવાળો અને ભોંયરામાં પાણી હતા પરંતુ ત્યાં ઝડપી નિકાલ કરવાની કામગીરી કરી છે. જે કોંગ્રેસના કોર્પોરેટરો આક્ષેપ કરે છે તેઓને પણ વરસાદના દિવસે ફોન કર્યા હતા અને નિકાલ કરવાની કામગીરી કરી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 25 જેટલા નાના મોટા ભુવા પડ્યા છે. કેટલાક વિસ્તારોમાં રોડ બેસી ગયા અને તૂટ્યા છે. આવનારા ત્રણ દિવસમાં જ્યાં તૂટેલા રોડની કામગીરી કરવાની છે ત્યાં ઝડપી કરવામાં આવશે. જ્યાં કોલ્ડમિક્સ અને જ્યાં હોટ મિક્સની જરૂર પડશે ત્યાં પહોંચાડી અને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...