વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં રોડની કરાયેલી અધૂરી કામગીરી મુદ્દે કોંગ્રેસનો AMC ઓફિસે ઉગ્ર વિરોધ, મેયરને આવેદન આપ્યું

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના નેતા શહેઝાદખાને માથે કાળી પટ્ટી બાંધી અમે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વિરોધ કર્યો
  • ચાલુ વર્ષે રોડની કામગીરી માટે રૂ. 934 કરોડ ફાળવ્યા છતાં કામગીરી ન થઈ અને વધુ 250 કરોડની ભાજપે માગ કરી
  • રૂ. 934 કરોડ ફાળવ્યા છતાં વધુ 250 કરોડની માગ સામે વિપક્ષના નેતા શહેઝાદ ખાને સવાલ ઉભો કર્યો

અમદાવાદમાં રોડ રસ્તા મામલે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો સાથે માથે કાળી પટ્ટી બાંધી અને રોડના કામમાં ભ્રષ્ટાચાર અને અધૂરા રહેલા કામ મામલે મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસના પ્રાંગણમાં બેસીને વિકાસ ખાડે ગયો અને નારા લગાવી રોડ રસ્તાની ખસતા હાલત સામે વિરોધ કર્યો હતો. કોર્પોરેશનના વર્ષ 2021-22ના મંજુર કરવામાં આવેલા બજેટમાં શહેરના 7 ઝોનમાં 666 જેટલા વિવિધ રોડ-રસ્તાઓના કામો માટે રૂ.934.75 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. પરંતુ માત્ર 30થી 40 ટકા જ રોડના કામ પૂર્ણ થયા છે.

આંદોલનની ચીમકી
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મેયરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગ છે કે બાકી રહેલા કામોને બે મહિનામાં પૂર્ણ કરવામાં આવે. રૂ. 250 કરોડની રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે, તે રોડ રસ્તામાં વાપરવા ની જગ્યાએ અન્ય પ્રાથમિક સુવિધાઓમાં તે ખર્ચ કરવામાં આવે. ચાલુ વર્ષના બજેટમાં રૂ. 275 કરોડના રોડના કામો મૂકવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષ સવાલ કરે છે કે ચાલુ વર્ષના બજેટમાં રોડ રસ્તાના કામો પૂર્ણ થયા નથી તો આગામી બજેટના કામો કઈ રીતે પૂર્ણ થશે? જો પ્રજાના પૈસા પ્રજાના હિતમાં જો નહીં ખર્ચાય તો કોંગ્રેસ પક્ષ આંદોલન કરશે.

સીએમને પત્ર લખીને જાણ કરી
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રીને પત્ર લખી જાણ કરી છે કે, વર્ષ 2021-22માં અમદવાદ મ્યુ.કોર્પોરેશનના બજેટમાં 666 રસ્તાઓ માટે ફાળવવામાં આવેલી રૂ. 934.67 કરોડ જેટલી રકમ હોવા છતાં હજુ સુધી અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ, ઇજનેર, રોડ પ્રોજેકટના અધિકારીઓ દ્વારા નિર્ધારીત લક્ષની સામે માત્ર 35થી 40 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર કે સત્તાધારી પક્ષ તરફથી રોડની કામગીરી માટે રાજ્ય સરકાર સમક્ષ માંગવામાં આવેલી 250 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવી નહી.

માત્ર 182 રોડની કામગીરી પૂર્ણ કરાઈ
17 જાન્યુઆરી 2022ની સ્થિતિમાં ગત વર્ષ બંને બજેટમાં ફાળવવામાં આવેલી રકમની સામે 666 રોડના કામોને બદલે માત્ર 182 રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં 138 રસ્તાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષનું નવુ નાણાકીય વર્ષનું બજેટ અમલમાં આવશે. આ પરિસ્થિતીમાં અમદવાદ મ્યુ.કોર્પોરેશનના વહીવટી તંત્રના કહેવા પ્રમાણે ૩૪૬ જેટલા રસ્તાઓની કામગીરી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 346 રસ્તાઓની કામગીરી માટે વહીવટી તંત્ર તરફથી 349.67 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પાણી કે ગટરનું નેટવર્ક ન હોય ત્યાં ઊભું કરવા માગ
કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભાજપ અમદાવાદ શહેરમાં રસ્તા સિવાય પણ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન, પાણીની જુની પાઇપલાઇનો બદલવી કે પછી જે વિસ્તારો કોર્પોરેશન પાણી કે ગટરનું નેટવર્ક સ્થાપી શકી નથી તેવા વિસ્તારોમાં ઝડપથી નેટવર્ક સ્થાપિત થઇ શકે અને લોકોને પડતી હાડમારી દુર થઇ શકે તેવો કોંગ્રેસ પક્ષનો હંમેશા અભિગમ રહ્યો છે અને રહેશે. એક સબળ અને મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ અમદાવાદ શહેરના વિકાસમાં કોઇ વિઘ્ન ઉભા કરવા માંગતો નથી. કોંગ્રેસ પક્ષ તરફથી એટલી જ માંગણી છે કે, આ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી કે શાસક પક્ષ તરફથી રોડના નામે રૂ. 250 કરોડની જે માંગણી કરાઇ છે તે ન ફાળવતા શહેરના અન્ય વિકાસના કામો માટે ફાળવવા મારી કોંગ્રેસ પક્ષ તરફથી નમ્ર વિનંતી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...