અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતાં બ્રિજને પાંચ વર્ષમાં રિપેર કરવો પડ્યો છે. જેને લઈ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપના સત્તાધીશો સમક્ષ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને બ્લેક લિસ્ટ કરવા અને જે તે જવાબદારો સામે પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
કાર્યવાહી કરવામાં ન આવે તો હાઇકોર્ટમાં રીટ કરાશે
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા કિરીટ પરમારને આવેદનપત્ર આપી અને માગ કરી હતી કે, હાટકેશ્વર બ્રિજ મામલે ત્રણ ખાનગી લેબોરેટરીઓના રિપોર્ટ આવી ગયા છે તેમ છતાં હજી સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તે અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મામલે હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે.
લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે
વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર કિરીટ પરમારને રજૂઆત કરાઈ છે કે, હાટકેશ્વર બ્રિજ જેમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેના પર કાર્યવાહી કરવા કરવામાં આવે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ મેયર કિરીટ પરમાર બ્રિજ મામલે એકપણ શબ્દ બોલ્યાં નહોતા. ઉગ્ર રજુઆત બાદ મેયરે પત્રકારોને જણાવ્યું હતું કે, બ્રિજ મામલે અલગ અલગ લેબોરેટરીઓ પાસે રિપોર્ટ કરાવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ. જે પણ નિર્ણય લેવાનો હશે તે કમિશનર સહિતના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ સાથે બેસી લેવાશે.
કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરવાની માગ
વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે માથે કાળી પટ્ટી બાંધી, ઢોલ નગારા વગાડી અને બેનરો સાથે હાટકેશ્વર બ્રિજ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયર ઓફિસની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને બ્લેક લિસ્ટ કરવા માટેની માગ કરી હતી. તેમજ તેની સામે પોલીસ ફરિયાદ કરવાની માગ કરી હતી. મેયર સમક્ષ પણ ડેસ બોર્ડ ઉપર હાથથી પાટલી થપાવીને ઉગ્ર રજૂઆત કરી હતી.
મ્યુનિ. કોર્પો.ની ઓફિસમાં પોલીસ બંદોબ્ત ગોઠવાયો
આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ પર મેયર ઓફિસની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભાજપના સત્તાધીશો વિરૂદ્ધ પ્રદર્શનના પોલીસ બંદોબસ્તમાં સૌપ્રથમવાર પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા લગાવી અને કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈપણ ઘર્ષણ થાય તો તેની તમામ માહિતી સીધી પોલીસ કંટ્રોલરૂમ સુધી પહોંચે અને તેના પુરાવાઓ રહે તેની માટે બોડી વોર્ન કેમેરા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.