ચૂંટણીની રણનીતિ:ગુજરાતમાં ભાજપના પેજ પ્રમુખોનો મુકાબલો કરવા કોંગ્રેસે સંયોજકો તૈયાર કર્યા,અત્યાર સુધીમાં 35 હજાર જેટલા સંયોજકોની નિમણૂંક કરાઈ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશના નેતાઓ વાંરવાર દિલ્હી જઈને પરત ફરી રહ્યાં છે - Divya Bhaskar
પ્રદેશના નેતાઓ વાંરવાર દિલ્હી જઈને પરત ફરી રહ્યાં છે
  • ભાજપના પેજ પ્રમુખની જેમ કોંગ્રેસ પેજ પ્રભારી પણ બનાવશે
  • કોંગ્રેસના સંગઠનમાં સંયોજકની પોસ્ટ કાયમી કરવામાં આવશે
  • ​​​​​​​મારું બુથ, મારું ગૌરવ,બુથ જીતીશું, 2022 જીતીશું"ના સુત્ર સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે

ગુજરાતમાં દિવાળી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી સત્તા સ્થાનેથી દૂર રહેલી કોંગ્રેસ હવે સત્તા મેળવવા ભાજપના રસ્તે આગળ વધી રહી છે. કોંગ્રેસ હવે મારું બુથ મારું ગૌરવ", "બુથ જીતીશું, 2022 જીતીશું"ના સુત્ર સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપના પેજ પ્રમુખોની જેમ જ કોંગ્રેસના સંગઠનમાં પેજ પ્રભારીની નિમણૂંક કરાશે. બીજી તરફ ભાજપના પેજ પ્રમુખોનો મુકાબલો કરવા કોંગ્રેસે અત્યાર સુધીમાં 35 હજાર જેટલા સંયોજકોની નિમણૂંક કરી દીધી હોવાનું કોંગ્રેસના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સંયોજકો કોંગ્રેસના નબળા સંગઠનને મજબુત બનાવશે
કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચૂંટણીઓમાં સતત પરાજિત થનારી કોંગ્રેસની હાર થવાના મુખ્ય કારણોમાં જૂથબંધી અને બુથનું મેનેજમેન્ટ છે. હવે કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્માએ પણ કાર્યકરોને કહી દીધું છે કે જૂથ બંધી છોડીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાઓ. ત્યારે કોંગ્રેસના સંગઠનની નબળી કડીને વધારે મજબુત બનાવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સંયોજકની રણનીતિ લઇને આવ્યા છે. જે કોંગ્રેસના નબળા સંગઠનને મજબુત બનાવશે. જેમાં તાલુકા-જીલ્લા પંચાયત સીટ દીઠ સંયોજક બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મનપા વિસ્તારમાં પોલીંગ બુથને સેક્ટરનો દરજ્જો આપી સેક્ટર દીઠ સંયોજક બનાવવામાં આવ્યા છે. સંયોજકોની નીચે કોંગ્રેસ અગાઉ જ જાહેર કરાયેલ બુથ દીઠ જનમિત્રોને રી-શફલ કરવાની કામગીરી કરાઈ રહી છે.

રાહુલ ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસના 25 નેતાઓએ બેઠક કરી હતી
રાહુલ ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસના 25 નેતાઓએ બેઠક કરી હતી

કોંગ્રેસના સંગઠનમાં સંયોજકની પોસ્ટ કાયમી રખાશે
કોંગ્રેસ "મારું બુથ, મારું ગૌરવ", "બુથ જીતીશું, 2022 જીતીશું"ના સૂત્ર સાથે જ ચૂંટણીઓમાં ઝંપલાવશે. સંગઠનમાં નવી નિમણૂંક પામેલ સંયોજકોનો કામ કરવાનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. તેઓને એ કામ સિવાય બીજા અન્ય કામ કરવાના નહીં રહે. જો કામની વાત કરવામાં આવે તો સંયોજકોએ પક્ષના કાર્યક્રમોને તાલુકા-જિલ્લા કક્ષાએ સારી રીતના આયોજિત કરાવવા, પક્ષની વિચારધારાને બુથ સુધી પહોંચાડવી. આ સિવાય સૌથી મહત્વના ગ્રાસરૂટ લેવલે પોતાના વિસ્તારમાં કામ કરતા કાર્યકર્તાઓની મનદુઃખ કે અન્ય લાગણીઓને પક્ષના મોવડી મંડળ સુધી પહોંચાડવાની મહત્વની કામગીરી રહેશે. સંગઠનને પકડી રાખવા કોંગ્રેસના સંગઠનમાં સંયોજકની પોસ્ટ કાયમી કરવામાં આવશે.

કોંગ્રેસે 35 હજારથી વધુ સંયોજકો બનાવી દીધા
અત્યાર સુધીમાં કોંગ્રેસે 35 હજારથી વધુ સંયોજકો બનાવી દીધા છે. તેમને સંયોજકનું આઈકાર્ડ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના જિલ્લા પંચાયતની 1098 બેઠકો પર, તાલુકા પંચાયતની 5220, મનપા વિસ્તારમાં 3431 અને નગરપાલિકાઓમાં નિમણુંકો આપી તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આ સિવાય કોંગ્રેસ રાજ્યના તમામ 52 હજાર બુથ પર એક પુરુષ અને એક સ્ત્રી જનમિત્રની રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે. સંયોજકો 2021 વર્ષના અંત સુધી તાલીમ સાથે જ્યારે જનમિત્રોને માર્ચ સુધી નિમણૂંક આપી કોંગ્રેસ વધારે સારા સંગઠન સાથે 2022ની ચૂંટણી જીતવા આગળ વધશે.

હજી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના ઠેકાણાં નથી પડ્યાં ( ફાઈલ ફોટો)
હજી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના ઠેકાણાં નથી પડ્યાં ( ફાઈલ ફોટો)

હજી પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાની પસંદગી નથી થઈ
ગત ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસના નવા પ્રભારી ડૉ. રઘુ શર્માએ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ સાથે વન ટુ વન મીટિંગો કરી હતી. આ મીટિંગોમાં તેમણે નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી કરવા માટે સેન્સ લીધી હતી. બાદમાં રઘુ શર્માએ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ ગુજરાતના નવા નેતાઓની પસંદગીનો રીપોર્ટ રજુ કર્યો હતો. ત્યાર બાદ રાજ્યના 25 જેટલા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળવા ગયાં હતાં. જ્યાં રાહુલ ગાંધીએ પણ પક્ષને દિવાળી સુધીમાં નવા નેતા મળશે તેવી ખાતરી આપી હતી. પરંતુ હજી સુધી કોંગ્રેસના નેતાઓના નામ નક્કી થયાં નથી.