તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિટિશન:રેમડેસિવિરના જાહેરમાં વેચાણ બદલ પાટીલ સામે પગલાં લેવા HCમાં અરજી, ભાજપ પ્રદેશ પ્રમુખે સરેઆમ કાયદો તોડ્યાનો પરેશ ધાનાણીનો આરોપ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ( ફાઈલ ફોટો)
  • ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરાઈ
  • સુરતના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે "અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન"ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા
  • જાહેરહિતની અરજીમાં "ફાર્મસી એકટ 1949"ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી
  • સીએમ રૂપાણીએ કહ્યું હતું કે ઈન્જેક્શન ક્યાંથી લાવ્યાં એ પાટીલને પૂછો

સુરતમાં જાહેરમાં લાઇનો લગાવીને 5 હજાર રેમડેસિવિર ઇંજેક્શનો વહેંચનાર નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ ધારાસભ્ય હર્ષ સંઘવી સામે કાયદેસર પગલા લેવાની માગ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં જાહેરહિતની રીટ કરી છે. જેમાં દલીલ કરી છે કે, રજિસ્ટર્ડ થયેલા ફાર્માસિસ્ટ સિવાય કોઇ વ્યક્તિ દવા વેચી શકે નહી. ત્યારે આ બે નેતા દ્વારા જે રીતે રેમડેસિવિરની વહેંચણી થઇ તે કાયદાનો ભંગ છે. તેમની સામે કાયદેસરના પગલા લેવામાં આવવા જોઇએ.

પરેશ ધાનાણીએ રીટમાં શું રજૂઆત કરી?
કોંગ્રેસના વિરોધપક્ષના નેતા દ્વારા કરાયેલી આ રીટમાં રજૂઆત કરવામાં આવી છે કે, એક તરફ રાજ્યમાં અનેક નાગરિકો કોરોનાથી પિડાઈ રહ્યા હતા. તેમજ રેમડેસિવિર જીવનરક્ષક ઇન્જેકશન સમાન છે. તેનો પુરવઠો મર્યાદિત હોવાનું જાણવા છતાં ભાજપના સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા તેનું ખુલ્લેઆમ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઇન્જેકશનની ગુજરાત જ નહીં પણ દેશના અન્ય રાજ્યમાં પણ અછત વર્તાઇ રહી છે તે સ્થિતિ વચ્ચે સુરત કાર્યાલય પર તેની વહેંચણી કરવામાં આવી હતી. આ રેમડેસિવિરના વિતરણમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ગેરકાયદેસર મદદ કરવામાં આવી હતી. એકતરફ કેન્દ્ર સરકાર સ્પષ્ટ કહે છે કે, રેમડેસિવિર એ એન્ટિ વાયરલ દવા છે અને માત્ર ઓક્સિજન પર હોય તેવા ગંભીર દર્દીઓને જ તે આપી શકાય, એટલું જ નહીં પણ ઇન્જેક્શન આપતા સમયે અને આપ્યા બાદ પણ ચુસ્ત રીતે દર્દી તબીબી દેખરેખ હેઠળ હોવો જરૂરી છે. આમ છતાં બંનેે નેતાઓએ કોરોના રિપોર્ટ અને પ્રિસ્ક્રિપ્શનના આધારે ઇન્જેક્શનની વહેંચણી કરી હતી.

નિષ્પક્ષ તપાસ થાય તેવી માગણી
નોંધનીય છે કે, ફાર્મસી એક્ટની જોગવાઇઓને ધ્યાને લઇએ તો તબીબ દ્વારા દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે જે બાદ તેનું વેચાણ કે વહેંચણી માત્ર રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ જ કરી શકે. તેના સિવાયની વ્યક્તિ જો દવાનું વેચાણ કરે તો તે ફાર્માસિસ્ટ એક્ટ હેઠળ સજાને પાત્ર ગુનો બને છે. જે ગુનામાં જવાબદારને 6 મહિનાની જેલ અને રૂ.1 હજાર સુધીના દંડની જોગવાઇ છે. એટલું જ નહીં એપિડેમીક ડિસીઝ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે જ્યારે સમગ્ર દેશમાં ઇન્જેક્શનની અછત હોય ત્યારે રાજકીય પક્ષના કાર્યાલય પરથી તેની વહેંચણી કરી બંનેએ ગુનો આચર્યો છે. કોર્ટે આ અંગે નિષ્પક્ષ તપાસ કરી તટસ્થ સભ્યની તપાસ સમિતિ બનાવવી જોઇએ તેવી માગ કરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જોઇએ. તેમજ જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ.

પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ-પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે "અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન" ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં માં રેમડેસિવિર ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાનો પણ જવાબ માગવામાં આવ્યો છે.

પરેશ ધાનાણી ( ફાઈલ ફોટો).
પરેશ ધાનાણી ( ફાઈલ ફોટો).

પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા આપી શકે નહીં
વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરહિતની અરજીમાં "ફાર્મસી એક્ટ 1949"ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.

સરકારમાંથી એકપણ ઈન્જેક્શન આપ્યું નથીઃ CM
રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.

ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ( ફાઈલ ફોટો).
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ( ફાઈલ ફોટો).

સુરતના વકીલે પાટીલ વિરુદ્ધ ભુજના પોલીસ સ્ટેશનમાં અરજી કરી
ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવાને લઈ સુરતના એક સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ દ્વારા ભુજના પોલીસ સ્ટેશનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરોધ અરજી દાખલ કરવામાં આવી છે. એપિડેમિક એક્ટ હેઠળ આ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં સ્ટોકમાં રાખવામાં આવ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય પાસે ડ્રગ્સ વેચવાનો પરવાનો ન હોવા છતાં ઇન્જેક્શન કેવી રીતે વેચાણ કરાયા?

રેમડીસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી તથા તેના વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું ડ્રગ્સ અને કોસ્મેટિક કાયદો 1940ના કલમ 18 પ્રમાણે ગુનો બને છે તથા ઇન્જેક્શન સપ્લાય વિરુદ્ધ પણ કલમ-17 મુજબ સપ્લાય કરનાર અને વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.

સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા?
રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર. પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.

સુરતમાં ભાજપે ગેરકાયદે વિતરણ કરેલાં ઈન્જેક્શન લેવા માટે લાંબી લાઈન લાગી હતી.
સુરતમાં ભાજપે ગેરકાયદે વિતરણ કરેલાં ઈન્જેક્શન લેવા માટે લાંબી લાઈન લાગી હતી.

ઈન્જેક્શન લેવા જનારા સંક્રમિત થાય છે
નૈષધભાઈ દેસાઈ (સુરત કોંગ્રેસ-પ્રમુખ)એ જણાવ્યું હતું કે અમે 6 એપ્રિલથી ત્રણ-ત્રણ આવેદનપત્ર આપ્યા હતા. કોરોના સામે સંજીવની સમાન રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી. લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે, જેને લઈ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. બીજી બાજુ, ભાજપ પ્રદેશ-અધ્યક્ષ 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો લાવી ભાજપ કાર્યાલય ઉપરથી ફ્રીમાં વહેંચી રહ્યા છે, એટલે સરકાર અને પક્ષનો રસ્તો જુદો છે, એ સાબિત થાય છે. સરકારે હેલ્થ અને એજ્યુકેશનને વેપાર બનાવી દીધો છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે.

લોકો ઈન્જેક્શન લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા.
લોકો ઈન્જેક્શન લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા.

વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે
તુષાર ચૌધરી (પૂર્વ કેન્દ્રીય મંત્રી)એ જણાવ્યું હતું કે કોરોનાને એક વર્ષ પૂરું થયું છે. આ વધુ તીવ્ર હુમલો અનુભવી રહ્યા છીએ. વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે. ઓક્સિજન, વેન્ટિલેટર, દવા મળતાં નથી. જો એક ઇન્જેક્શન માટે દર્દીનો આધારકાર્ડ જરૂરી હોય તો સાંસદને 5000 ઇન્જેક્શન મળ્યાં કઈ રીતે એ એક પ્રશ્ન છે. 5 હજાર ઇન્જેક્શનમાં 715 દર્દીને જ સંપૂર્ણ સારવાર મળી શકે છે. અમારી સરકારને વિનંતી છે કે,5 લાખ ઇન્જેક્શન મગાવી દરેક દર્દીઓને ફ્રીમાં આપે.

ભાજપે વિતરણ કરેલાં ઈન્જેક્શન ઝાયડસનાં જ હતાં.
ભાજપે વિતરણ કરેલાં ઈન્જેક્શન ઝાયડસનાં જ હતાં.

અમે પણ વિતરણ કરવા તૈયાર
કદીર પીરઝાદા (કોંગ્રેસ અગ્રણી)એ જણાવ્યું હતું કે હું પણ 5 હજાર ઇન્જેક્શન લેવા તૈયાર છું. IMA દ્વારા દરેક હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રીમાં આપવા માગું છું. મને પણ ઇન્જેક્શન આપો, હું સાંસદની કામગીરીને આવકારું છું, પણ આને પાર્ટી પ્રચારનું કેન્દ્ર ન બનાવવું જોઈએ, હાલ દરેક સ્મશાનગૃહની ભઠ્ઠીઓ ઓગળી રહી છે; એને શાંત અને ઠંડી પાડવા સાથે મળીને કામ કરવું જોઈએ, હું આજે પણ ચર્ચા કરવા તૈયાર છું.

અન્ય સમાચારો પણ છે...