કોંગ્રેસનો ‘પાણીદાર’ વિરોધ:અમદાવાદમાં પ્રદૂષિત અને પૂરતાં પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, AMC ઓફિસે દરવાજા બંધ કરવા પડ્યા

અમદાવાદએક મહિનો પહેલા
પાણી મુદ્દે કોંગ્રેસે સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ - Divya Bhaskar
પાણી મુદ્દે કોંગ્રેસે સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
  • શહેઝાદ ખાનની આગેવાનીમાં લોકો સાથે કોંગ્રેસી કાર્યકરોએ ડોલો લઇ પાણીની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જેની વચ્ચે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી મળતું ન હોવાનું તેમજ પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના પ્રદર્શનને પગલે દાણાપીઠ ખાતે આવેલી કોર્પોરેશનની ઓફિસે મુખ્ય દરવાજો બંધ કરવો પડ્યો હતો.

પાણીની ડોલ તોડી અને વિરોધ કરાયો
વિપક્ષના નેતા શહેઝાદ ખાનની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસના કાર્યકરો અને લોકો ડોલો લઇ પાણીની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો દાણાપીઠ કોર્પોરેશન ખાતે વિરોધમાં ઊમટી પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો. કાર્યકર્તાઓએ શાળામાં આવતા બતાવી હાય રે ભાજપ હાય.. હાય રે કમિશનર હાય હાય. તેમજ પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ પાણીની ડોલ તોડી અને વિરોધ કર્યો હતો

AMCનો ગેટ બંધ કરાતા વિપક્ષ નેતા સહિતના તેના પર ચડી ગયા
AMCનો ગેટ બંધ કરાતા વિપક્ષ નેતા સહિતના તેના પર ચડી ગયા

આંગણવાડીઓ ઈ-લોકાર્પણમાં મેયર સહિતના પદાધિકારી હતા
આજે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરમાં લોકોને પૂરતું પાણી ન મળતું હોવાના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ હતો. જો કે આજે શહેરમાં ચાંદખેડા, જોધપુર સહિતના વોર્ડમાં આંગણવાડીઓનો મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણનો કાર્યક્રમ હતો. જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના ભાજપના તમામ પદાધિકારીઓ તેમજ ચેરમેન- ડેપ્યુટી ચેરમેન ત્યાં ગયા હોવાથી કોર્પોરેશન ઓફિસમાં કોઈ હાજર હતા નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘેરાવ અને મેયરના આવેદનપત્રને લઇને કોર્પોરેશનમાં પ્રવેશવાના ત્રણેય ગેટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્ય ઓફિસમાં ગેટ પર પણ પોલીસ અને બાઉન્સરો ગોઠવાઈ ગયા હતા.

10 વર્ષથી 24 કલાક પાણી આપવાના જૂઠ્ઠા વાયદા આક્ષેપ
શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રોડ-રસ્તા, ડ્રેનેજ, તથા પીવાના પાણીની સુવિધા મળવી તે શહેરીજનોનો મૂળભુત અધિકાર છે. સત્તાધારી ભાજપ દ્વારા મ્યુનિ.કોર્પો.માં છેલ્લા 10 વર્ષથી 24 કલાક પાણી આપવાના જૂઠ્ઠા વાયદા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા ખૂબ જ ગંભીર છે. શહેરના કેટલાય વિસ્તારોમાં એક કલાક પણ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી. તેને કારણે પ્રજાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મ્યુનિ.કોર્પોના વોટર પ્રોજેક્ટ માટે કરોડો રૂ.નું બજેટ ફાળવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને કરોડો રૂ.ના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.

પ્લાસ્ટિકની ડોલો તોડીને પાણી મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો
પ્લાસ્ટિકની ડોલો તોડીને પાણી મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો

વિવિધ વિસ્તારોમાં ટેન્કરરાજ
અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પાણીની લાઇને જૂની પૂરાની થઇ ગઇ હોવાથી ગંદા અને પ્રદૂષિત પાણીની સમસ્યાને કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી જાય છે. કેટલાય વિસ્તારોમાં કેમીકલ, ડ્રેનેજની દુર્ગંધ મારતું પાણી તથા કલરવાળું પાણી આવતું હોવાની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પ્રદુષિત પાણીને કારણે શહેરીજનો પાણીજન્ય રોગચાળાનો ભોગ બને છે. અમદાવાદના મક્તમપુરા, ખાડીયા, વટવા. મણીનગર, શાહીબાગ, અસારવા બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, કુબેરનગર, શાહપુર, દરિયાપુર, જમાલપુરના મોટા ભાગના વિસ્તારોમાં ટેન્કરરાજ જોવા મળે છે તેમ જ શહે૨ના સાત ઝોનમાં મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી તથા અપૂરતા પ્રેશરની સમસ્યા જોવા મળે છે. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ સાબિત થયેલ છે.

શહેરના સાતેય ઝોનમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને કારણે પાણીજન્ય રોગચાળા
તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીઓમાં અભૂતપૂર્વ વધારો થવા પામેલ છે. ગત માસ દરમિયાન શહેરના સાત ઝોનમાં થઇ તાવના કુલ 17793 તથા ઝાડા-ઉલ્ટીના 4626 દર્દીઓ માત્ર અર્બન હેલ્થ સેન્ટરમાં નોંધાયા છે. ત્યારે મ્યુનિ.હોસ્પિટલ તથા ખાનગી ક્લિનિક અને હોસ્પિટલના મળી કેટલી મોટી સંખ્યા થાય? તે વિચારણા માંગી લે તેવી બાબત છે.

કોંગ્રેસના વિરોધને પગલે 10 મિનિટ ગેટ બંધ રહેતા લોકો અને અધિકારીઓ બહાર નીકળવા રાહ જોવી પડી
કોંગ્રેસના વિરોધને પગલે 10 મિનિટ ગેટ બંધ રહેતા લોકો અને અધિકારીઓ બહાર નીકળવા રાહ જોવી પડી

શહેરમાં 20% વિસ્તારોમાં પાણીનું નેટવર્ક નથી
સત્તાધારી ભાજપ દ્વારા બજેટમાં 100 % પાણીનું નેટવર્ક સ્થાપવાની વાતો કરવામાં આવે છે. પરંતુ આજે પણ શહેરમાં 20% વિસ્તારોમાં પાણીનું નેટવર્ક નથી જ્યાં છે ત્યાં પ્રદુષિત પાણી તથા અપૂરતા પ્રેશરની સમસ્યા છે આ બધાનું કારણ ભષ્ટ્રાચાર તથા કોન્ટ્રાકટરોને મોટી રકમનાં કોન્ટ્રાકટ આપી પ્રજાના નાણાંની લ્હાણી કરવામાં આવે છે અને કામની ચકાસણી કરવામાં આવતી નથી તેનો ભોગ છેવટે શહેરીજનોને બનવું પડે છે જે ખરેખર દુ;ખદ બાબત છે. શહેરના રાસ્કા, કોતરપુર અને જાસપુરના વોટર વર્કસ ખાતે હાલમાં પણ કરોડો રૂ.ના ખર્ચે વોટર સપ્લાય વધારવાની યોજનાઓ કરવામાં આવે છે, પરંતુ શહેરના રાસ્કા, કોતરપુર અને જાસપુરના વોટર વર્કસ ખાતે 1500 એમ.એલ.ડી. દૈનિક પાણીનો જથ્થો સપ્લાય કરી શકાય તેવી ક્ષમતા છે અને આ જથ્થો શહેરીજનોની પાણીની જરૂરિયાત સંતોષવા માટે પૂરતો છે. પરંતુ અધિકારીઓની નિષ્ફળતા અને વિતરણના નેટવર્કની સમસ્યાને કારણે શહેરીજનોને પુરતું સમયસર અને શુધ્ધ પાણી મળતું નથી તેથી પાણીની વિતરણ વ્યવસ્થા સુધારવાની જરૂર છે

ભષ્ટ્રાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા માગ
આ તમામ મુદ્દાને લઇને કોંગ્રેસ પક્ષ ન્યાય ઇચ્છે છે. શહેરીજનોને પૂરતું સમયસ૨ અને શુધ્ધ પાણી આપવું તે આપણી જવાબદારી જ નહી, પરંતુ નૈતિક ફરજ પણ છે મેયર તથા મ્યુનિ.કમિશ્નરને ખાસ અપીલ કરવામાં આવી કે, ભષ્ટ્રાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો, કામની તથા સરસામાનની પુરતી યોગ્ય ચકાસણી કરો અને જ્યારે કોઇ કસુ૨વા૨ ઠરે તો તેની સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામાં આવી. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિ.કોર્પોની મુખ્ય કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો તેમાં વિપક્ષ નેતા, મ્યુનિ.કાઉન્સિલરો તથા હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા.

અન્ય સમાચારો પણ છે...