વિધાનસભામાં હોબાળો:કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં ઉતારી વિરોધ કરવા મામલે ગૃહમાં ગરમાગરમી, સત્તા પક્ષ-વિપક્ષ વચ્ચે આક્ષેપબાજીઓ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો

ગુજરાત વિધાનસભા પરિસરમાં ખેડૂતોને વીજળીના મામલે કોંગ્રેસના ધારાસભ્યો એ કરેલા વિરોધ પ્રદર્શનમાં બે ધારાસભ્યોએ કપડાં કાઢી નાખવાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગરમાયો હતો, સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની આક્ષેપબાજીઓ બાદ અધ્યક્ષે ઘટનાક્રમનો વિડિઓ જોઈને નિર્ણય આપવાનું નિવેદન કરતા ગૃહમાં શાંતિ જળવાઈ હતી. ગુજરાત વિધાનસભાની ગરિમા જાળવવી જોઈએ પરંતુ કોંગ્રેસ અને ભાજપ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ નહીં એટલું જ નહીં સંસ્કારોની વ્યાખ્યા તમે આપશો નહીં તેવું નિવેદન કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કરતાં વિધાનસભા ગૃહમાં હંગામો થયો હતો આજે વિધાનસભાની કાર્યવાહી પહેલા પ્રવેશદ્વાર ઉપર કોંગ્રેસે વીજળી મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું

શર્ટ કાઢીને મીડિયાને બાઇટ આપવી તે કયા પ્રકારના સંસ્કાર છે?
રાજ્યના ખેડૂતોને પર્યાપ્ત વીજળી નહીં મળવાના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. તેવા કોંગ્રેસના આક્ષેપ સાથે આજે પ્રશ્નોત્તરી પહેલા કરેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના લીલીત વસોયા અને વિમલ ચુડાસમાએ પોતાનો શર્ટ કાઢી વિરોધ કરતાં ભાજપના દંડક પંકજ દેસાઈએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો અને આ મામલે અધ્યક્ષ ઠપકો આપે તેવી માંગણી કરી હતી તો બીજી તરફ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ આ મુદ્દે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન શર્ટ કાઢીને મીડિયાને બાઇટ આપવી તે કયા પ્રકારના સંસ્કાર છે ? તેવું નિવેદન કરતા વિપક્ષના સભ્યોએ હંગામો શરૂ કર્યો હતો.

કોંગ્રેસે કરેલા પ્રદર્શન અંગે કડક આદેશ કરવાની માંગણી
આ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ ફરીથી આક્ષેપ કર્યો હતો કે જે વિધાનસભાના અધ્યક્ષ મહિલા છે એટલું જ નહીં સંકુલમાં મહિલા ધારાસભ્યો મહિલા અધિકારીઓ મહિલા પોલીસ અને મહિલા પત્રકારો પણ આવતા હોય છે ત્યારે કોંગ્રેસે કરેલા પ્રદર્શન અંગે કડક આદેશ કરવાની માંગણી કરી હતી. આ તબક્કે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને વીજળી નહીં મળવાથી તેમના પાક નિષ્ફળ નીવડયા છે અરે એટલે જ વિપક્ષે આ પ્રદર્શન કર્યું છે જ્યારે તમે વિધાનસભા સંકુલમાં બસ અને લક્ઝરીમાં લોકોને ભરી ભરીને અહીં આવો છો અને રાજકીય કાર્યક્રમો કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ અને ભાજપ માટે અલગ અલગ નિયમો હોવાનો આક્ષેપ
આ ઉપરાંત કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે વિધાનસભાની ગરિમા જાળવવી જોઈએ પરંતુ અહીંયા કોંગ્રેસ અને ભાજપ માટે અલગ અલગ નિયમો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ તબક્કે તેમણે જીતુભાઈ વાઘાણી ના કરેલા ઉચ્ચારણનો જવાબ આપતા તેમણે કહ્યું કે તમારે અમને સંસ્કારની વ્યાખ્યા આપવાની જરૂર નથી. તમે તમારા સંસ્કાર પૂરતા રહો એવા નિવેદનથી ભાજપના ધારાસભ્યો અકળાયા હતા અને કોંગ્રેસના ધારાસભ્યના નિવેદન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે તેમણે હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં કહ્યું હતું કે મીડિયાના મિત્રો માટે પ્રવેશ પાબંધી લગાવી છે ત્યારે ભૂતકાળમાં તમારા જ ગૃહ મંત્રીએ પોતાની ચેમ્બરમાં મીડિયાને બોલાવીને બાઈટ આપી હોવા છતાં એ અમે વિરોધ વ્યક્ત કર્યો ન હતો.

વિધાનસભાની ગરિમા નહીં જાળવીને કોંગ્રેસે વરવું પ્રદર્શન કર્યું
તમારી સરકાર વીજળી નથી આપતી એટલે જ મારે કપડા કાઢવા પડે છે એમ કહેતાં બન્ને પક્ષી હંગામો થયો હતો તો બીજી તરફ ભારે દેકારા વચ્ચે પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્યોને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે વિધાનસભાની ગરિમા નહીં જાળવીને કોંગ્રેસે વરવું પ્રદર્શન કર્યું છે ત્યારે તેમની સામે કડક પગલાં નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં આ જ લોકો વિધાનસભાગૃહમાં વળવા પ્રદર્શન કરતાં અચકાશે નહીં અને એટલે જ અધ્યક્ષ તરફથી યોગ્ય આદેશ થાય એવી માંગણી કરી હતી આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમા બેન આચાર્યએ સમગ્ર વિવાદ અંગે રોલિંગ આપ્યો હતો કે આ ઘટનાક્રમ ના વિડીયો અને તેના પુરાવા જોઈને મારો નિર્ણય જાહેર કરીશ તેમ કહેતા ગ્રુહમાં શાંતિ છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...