કોંગ્રેસ MLAને ઘરમાં જ દુશ્મનો:શૈલેષ પરમાર બોલ્યા- સીધો દેખાઉં છું, પણ સીધો નથી, 8 ડિસેમ્બરે વિરોધ કરવાવાળાઓને કરારો જવાબ આપીશ

અમદાવાદ19 દિવસ પહેલા

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. તેમના જ વિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયામાં શૈલેષ પરમારના અનેક વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક સભામાં શૈલેષ પરમારે વિરોધ કરનારને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું સીધો દેખાઉં છું, પણ સીધો નથી, 8 તારીખે વિરોધ કરવાવાળાઓને કરારો જવાબ આપીશ.

તાજેતરમાં એક જાહેર સભામાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે હું ચાર ટર્મથી ધારાસભ્ય છું. લોકોની વચ્ચે રહેનાર ધારાસભ્ય છું, જેથી કોંગ્રેસ પક્ષના જ કેટલાક લોકો મારો વિરોધ કરી રહ્યા છે, જે મને જ નહીં, પરંતુ કોંગ્રેસને પણ નુકસાન કરશે. આગામી ચૂંટણીમાં પક્ષને નુકસાન થવાની શક્યતા વધુ છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

કોંગ્રેસના જ કેટલાક લોકો મારો વિરોધ કરે છે
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે દિવ્ય ભાસ્કરની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું ચાર ટર્મથી ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યો છું. કોંગ્રેસના જ કેટલાક લોકો મારો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કારણે મને એકલાને જ નહીં, પરંતુ કોંગ્રેસને પણ નુકસાન થશે અને મારો એકલાનો વિરોધ જ નહીં, પરંતુ અમદાવાદના કોંગ્રેસના ચારે ધારાસભ્યનો આ રીતે જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ ધારાસભ્યનો વિરોધ નહીં, પરંતુ કોંગ્રેસનો જ વિરોધ છે, જેનાથી ભવિષ્યમાં કોંગ્રેસને જ નુકસાન થશે..કોંગ્રેસની આંતરિક લડાઈને સમયસર ટાળવા નહીં આવે તો આવનાર ચૂંટણીનાં પરિણામ પર મોટી અસર થશે. સમગ્ર મામલે કોંગ્રેસના મોવડીમંડળને જાણ કરવામાં આવી છે.

શૈલેષ પરમારના વાઈરલ વીડિયો
હું જંગલનો સિંહ છું... સારાં કપડાં અને દાગીના પહેરીને ફરું છું, એટલે લોકો મને સીધો માણસ સમજે છે, પરંતુ હું સીધો સાદો માણસ નથી, પઠાણની વચ્ચે રહીને મોટો થયો છું. પાંચમી ડિસેમ્બરે ચૂંટણી લડીશ અને આઠ ડિસેમ્બરે પરિણામ આવશે. આઠ ડિસેમ્બરે મારા વિરોધીઓને કરારો જવાબ મળશે. 20 વર્ષથી હું ધારાસભ્ય છું. એકપણ ખોટું કામ મેં કર્યું નથી.

ટોપીમિલમાં શૈલેષ પરમારનો વિરોધ થયો હતો
ટોપીમિલમાં શૈલેષ પરમારનો વિરોધ થયો હતો

અગાઉ પણ એક વીડિયો વાઈરલ થયો હતો
અમદાવાદના દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર શૈલેષ પરમાર ગોમતીપુર વિસ્તારમાં આવેલી ટોપીમિલમાં ગયા હતા. પ્રચાર માટે સ્થાનિક લોકોમાં છેલ્લા 5 વર્ષમાં ગોમતીપુર વિસ્તારમાં આવેલા નથી અને કોઈ પણ પ્રકારના પ્રજાકીય અને વિકાસના કોઈ કામ નથી કરેલૈ તેમ કહી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો બક.

10 નવેમ્બરના રોજ દાણીલીમડા વિધાનસભાનો એક કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ ગોમતીપુર વિસ્તારમાં યોજાયો હતો. કાર્યક્રમમાં વિસ્તારના કોંગ્રેસ MLA શૈલેષ પરમાર, કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ઉપરાંત દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર અને AMCમાં વિરોધપક્ષના નેતા શહેઝાદ પઠાણ હાજર હતા. જ્યાં ચાલુ કાર્યક્રમમાં એક સ્થાનિક મુસ્લિમ આગેવાન અને કોંગ્રેસના જ કાર્યકર્તા એવા રિઝવાન સ્ટેજ પર ચડીને શૈલેષ પરમારને ખભે હાથ મૂકીને માઈકમાં બોલવા લાગ્યા હતા. સ્ટેજ પરથી કોંગ્રેસ કાર્યકર્તાએ ધારાસભ્ય પર આરોપ લગાવતા કહ્યું કે, તેઓએ છેલ્લા 5 વર્ષમાં એકપણ વાર ગોમતીપુર વિસ્તારની મુલાકાત નથી લીધી. તેમણે વિસ્તારમાં કોઈ પણ કામ પણ નથી કર્યું.

AIMIMની મહિલા પ્રમુખે પણ સવાલો કર્યા હતા
AIMIMની મહિલા પ્રમુખે પણ સવાલો કર્યા હતા

મહિલાએ સ્ટેજ પર જઈને હોબાળો મચાવ્યો, કહ્યું- જીત્યા બાદ દેખાતા કેમ નથી?
એક મહિના અગાઉ પણ દાણીલીમડા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે ચાલુ કાર્યક્રમમાં એક સ્થાનિક મહિલા સ્ટેજ પર આવી ચડી હતી. વિસ્તારની સમસ્યા અંગે શૈલેષ પરમારને કહ્યું કે, જીત્યા બાદ કેમ દેખાતા નથી? જોકે કાર્યકરોને મહિલાને સમજાવીને પાછી વાળી હતી. શૈલેષ પરમારે પણ કહ્યું કે, મહિલા ગટર લાઇનની સમસ્યા લઈને આવી હતી. ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ચાલુ કાર્યક્રમે મહિલા સ્ટેજ પર આવી હતી. પરંતુ તે મહિલા AIMIMની પ્રમુખ હતી. મહિલા ગટર લાઇનની સમસ્યા માટે આવી હતી. જેને જવાબ પણ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...